પોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.


●●●●●●●●
સહયોગી સંસ્થા તરીકે જેસીઆઈને જવાબદારી સોંપાઈ.

સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા. 11 થી 17 જાન્યુઆરી 2023 સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.

◆ અઠવાડિયાભરના કાર્યક્રમો :
પોરબંદર પોલીસ અને સહયોગી સંસ્થા જેસીઆઈ દ્વારા “સડક સુરક્ષા, જીવન રક્ષા” થીમ સાથે સતત એક અઠવાડિયા સુધી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી વિક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસ.ટી, ઓટો અને સરકારી વાહનોના ડ્રાઇવરોના આંખ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, બેનર અને પત્રિકા વિતરણ, વાહનોમાં રીફલેક્ટરો લગાવવા સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવામાં આવશે.

◆ ટ્રાફિક પોલીસની બાઇક રેલી આકર્ષણનું કેન્દ્ર:
ઉદ્ઘાટન સમારોહના અંતે પોલીસ જીપ અને બાઇકમાં પોલીસ જવાનો શૂસજ્જ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો સંદેશો આપ્યો હતો. જિલ્લા કલેકટર અશોક શર્માએ લીલી ઝંડી આપી બાઇક રેલીને રવાના કરી હતી.

◆ અધિકારીઓના ઉદબોધન :
આ ઉદ્ઘાટન સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેંડુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કલેકટર અશોક શર્મા અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ પ્રાસંગિક પ્રવચનો કરી ટ્રાફિક બાબતે જાગૃતિ લાવવા ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે પોરબંદરની જનતા અને જાગૃત નાગરિકોને પણ આ કાર્યક્રમમાં સાથે જોડાઈને આપણા સૌની સલામતી માટેના પોલીસના પ્રયાસને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી. કારણ કે ટ્રાફિક અને રોડ સેફટીના પ્રશ્નોનું પોલિસ અને જનતાના સહિયારા પ્રયાસોથી નિરાકરણ આવશે. લોકો ટ્રાફીકના નિયમોને દિલથી પાલન કરશે તો જ આપણે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી સાર્થક ગણાશે કેમ કે દરેક જગ્યાએ કાયદાથી કામ લેવું શક્ય નથી. ટ્રાફિક અને રોડ સેફટી એ ફરજના ભાગરૂપે અને આપણા પોતાની સલામતી માટે જાતે જ પાલન કરીશું તો જ આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે. જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી નિલમ ગોસ્વામી, સુરજીત મહેડું, પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા, ડો. સુરેશભાઈ ગાંધી, ડો. ભરતભાઈ ગઢવી, જીગ્નેશભાઈ કારીયા વગેરે સામાજિક સંસ્થાઓના હોદેદારો અને પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેસીઆઈના બિરાજ કોટેચા અને સાહિલ કોટેચાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, ટ્રાફિક પોલીસની ટિમ તથા જેસીઆઈ પોરબંદરના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!