પાકિસ્તાન જેલમાં સબડતા માછીમારોને મુક્ત કરો : રામભાઇ મોકરીયા
માછીમારોના પ્રશ્ને કેન્દ્રના વિદેશ મંત્રી સમક્ષ પરસોત્તમભાઈ રૂપાલાની આગેવાનીમાં રજુઆત કરાશે : માછીમારોને સેટેલાઈટ ફોન ,108 એમ્બ્યુલન્સ બોટ , પોરબંદરમાં નવું બંદર બનાવવું , અમુક લોકો દ્વારા થતા દબાણ , માછીમારોને પૂરતા ભાવ મળે સહિતના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના માછીમારોના અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવા ગાંધીનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરતા રાજ્યસભાના સાંસદ
રાજકોટ તા.૧૩
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી કાર્યાલય સંકુલ 2 ખાતે આવેલ તાપી હોલમાં ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના માછીમારોના અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સમગ્ર માછીમારોના હિતમાં રજૂઆત કરી હતી.મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના માછીમારોના અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવા માટે માછીમાર આગેવાનોને ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરવા માટે બોલાવ્યા હતા.
આ અંગે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે , માછીમારોના પ્રશ્ને કેન્દ્રના વિદેશ મંત્રી સમક્ષ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની આગેવાનીમાં રજુઆત કરાશે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનની જેલમાં અનેક યાતનાઓ સાથે સજા કાપી રહેલા સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના માછીમારો જલ્દીથી જેલ મુક્ત થાય તે માટે રજૂઆત કરવામાં આવશે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી વારંવાર ભારતીય જળસીમામા ઘૂસી જઈને માછીમારોને પકડી જઈ પાકિસ્તાન જેલહવાલે કરી દે છે. જેના કારણે માછીમારોના પરિવારની સ્થિતિ દયનીય બની જતી હોય છે અને આર્થિક મુશ્કેલી સર્જાતી હોય છે જેથી પાકિસ્તાન સરકાર તાત્કાલિક માછીમારોની છોડી દે તે માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
રામભાઇ મોકરીયાએ વધુમાં જણાવ્યું કે પોરબંદર ખાતે બીજું બંદર નિર્માણ થવાનું છે જે પોરબંદરથી 10 કિલોમીટર દૂર કુછડી ખાતે કાર્યરત થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ તેની જગ્યાએ પોરબંદરમાં આવેલ બંદર ની નજીક જ બીજું બંદર કાર્યરત થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે જેના કારણે માછીમારોના સમય અને શક્તિનો સદઉપયોગ થાય તેમ છે.આ ઉપરાંત બંદરની આસપાસના વિસ્તારોમાં અમુક લોકો દ્વારા દબાણ કરવામાં આવે છે આવા દબાણ દૂર કરવા તથા હવે પછીના દિવસોમાં દબાણ ન થાય તે માટે મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ તાકીદના પગલા લે તે જરૂરી છે.
સમગ્ર માછીમારોના હિતમાં રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે , માછીમારો મહા મહેનતે માછલીઓનો જથ્થો બોટમાં લઈને આવે છે પરંતુ તેઓને સપ્લાયરો તથા કંપનીઓ દ્વારા પૂરતા ભાવ નથી મળતા જેના કારણે તેઓની સ્થિતિ બની જાય છે આ ઉપરાંત બોટમાં કોઈ દુર્ઘટના સર્જાય તો સેટેલાઈટ ફોન ખૂબ જ ઉપયોગી પુરવાર થઈ શકે છે હાલના સંજોગોમાં એજન્સી મારફત આવા સેટેલાઈટ ફોન આપવામાં આવે છે પરંતુ માછીમારો સીધા જ કોઈપણ જગ્યાએથી સેટેલાઈટ ફોન ખરીદી શકે તેવી છૂટ આપવી જોઈએ. દરિયામાં પણ 108 એમ્બ્યુલન્સ બોટ ની સુવિધા તાબડતોબ મળે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ. દરેક બંદર ઉપર મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ થતું રહે તે જરૂરી છે.
ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના માછીમારોના અણ ઉકેલ પ્રશ્નો ઉકેલવા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સમગ્ર માછીમારોના હિતમાં લાઈટ, પાણી , રસ્તા સહિતની પ્રાથમિક જરૂરિયાતો મુદ્દે રજૂઆત કરી હતી.