માધવપુર ઘેડના મેળામાં જોવા મળી નખની કરામત : નખથી બનતી પેઇન્ટિંગ જોઈ લોકો દંગ !
નેઇલ પેઇન્ટિંગ : એક અજાયબ કલા
……
માધવપુર ઘેડના મેળામાં જોવા મળી નખની કરામત : નખથી બનતી પેઇન્ટિંગ જોઈ લોકો દંગ !
…….
આણંદના ભાદરણ ગામના કમલ ભટ્ટ ‘નખ’ની અનોખી કલાના છે વાહક
…….
પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મારી યુનિક કલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે : કમલ ભટ્ટ



કમલ ભટ્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને મળવાનો ત્રણ વખત મળ્યો છે અવસર
……
આલેખન : રોહિત ઉસદડ
પોરબંદર તા.૧૦. માધવપુર મેળામાં ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક સંગમની સાથે અજાયબ કલાઓ પણ જોવા મળી છે. એક અનોખી કલાના વાહક એવા શ્રી કમલ ભટ્ટ નખથી પેઇન્ટિંગ કરે છે ! જે નિહાળી લોકો દંગ રહી ગયા હતા.
નખથી પેઇન્ટિંગ સાંભળતા લોકોને જરૂરથી આશ્ચર્ય લાગે, નખથી કેવી રીતે ચિત્ર કંડારવું ? પીંછી વગર કેવી રીતે રંગ પુરવા ? વગેરે પ્રશ્ન લોકોના મનમાં તરતા થઈ જાય. પણ તેને પોતાની આગવી અને અનોખી કળાથી આણંદ જિલ્લાના ભાદરણ ગામના કમલ ભટ્ટે શક્ય બનાવ્યું છે.
તેઓ કહે છે કે, આ અનોખી કલામાં કાગળ ઉપર નખથી ચિત્ર બનાવવામાં આવે છે, નખથી કાગળ ઉપર પ્રેશર આપીને ચિત્ર ઉપસાવવામાં આવે છે. ત્યારબાદ રંગ પુરવા માટેનું કામ કરવામાં આવે છે.
આ પેઈન્ટિંગમાં રંગો પૂરવા અને રંગોનું સાયુજ્ય સાધવું અને વિશેષ આવડત માંગી લે છે, આ ચિત્રમાં એક જાડા કાપડના ટુકડા પર ઘસીને રંગ પુરવામાં આવે છે. નોર્મલ કાગળ ઉપર બનાવવામાં આવતા આ પેઈન્ટિંગમાં ઓઇલ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તેઓ એમ પણ કહ્યું કે, આ નેઇલ પેન્ટિંગ અંતઃ સ્ફુરણાથી બનાવું છું. આ પેઈન્ટિંગને ફ્રી હેન્ડ ડિઝાઇન પણ કહેવામાં આવે છે.
છેલ્લા વીસેક વર્ષથી નખથી કરામત કરતા શ્રી કમલ ભટ્ટ કહે છે કે, આ યુનિક આર્ટ મારા પિતા પાસેથી વારસામાં મળી છે. તેમણે ૩૦ થી ૩૫ વર્ષ કળા ઉપર કામ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાથે ૨૦૦૧માં વાઇબ્રન્ટ ગુજરાતમાં સહિત ત્રણ વખત મુલાકાત થઈ ચૂકી છે, તેમણે મારી આ યુનિક કલાને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. તેનો આનંદ વ્યક્ત કરતા ખૂબ સારી રોજગારી મળતી હોવાનું પણ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, માધવપુરના મેળામાં પણ પ્રથમ વખત આ કલાનો લાઈવ ડેમો રજુ કર્યો છે, અહીં આવતા લોકોએ પણ મારી કળાને ખૂબ વખાણી અને બિરદાવી છે.
તેઓ ઓર્ડરથી લોકોને પોતાના નામ સાથેની પેઇન્ટિંગ પણ બનાવી આપે છે.
ઉલ્લેખનીય છે કે, માધવપુર ઘેડના મેળામાં હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સાથે જ જે કારીગરો પોતાની કલાનો લાઈવ ડેમો આપી રહ્યા છે. તેમને પ્રતિદિન પ્રોત્સાહન રૂપે રૂ. ૧૦૦૦ અને સહાયકને રૂ. ૮૦૦ આપવામાં આવે છે.