જાણો ક્રાંતિકારી ખુદીરામ બોઝ કોણ હતા!
ખુદીરામ બોઝ
જન્મ :3ડિસેમ્બર,1889 વીરગતિ: 11 ઓગસ્ટ 1908
એક લવર મુછીયો છોકરો ઉંમર માત્ર 19 વર્ષ ભારતની આઝાદી માટે હૃદયમાં ભભૂકતી જવાળાઓ. અંગ્રેજોના અમાનુષી અત્યાચારો સામે લડી લેવાની ઉત્તેજના અને એને માટે શહીદ થવાની તમન્ના. આ નવયુવાનનું નામ ખુદીરામ બોઝ. તેનો જન્મ બંગાળના મહોબાની માં ત્રીજી ડિસેમ્બર 1889 ના રોજ થયો હતો.કિંગ્સ ફોર્ડ નામનો એક અંગ્રેજ અધિકારી આ દેશની સ્વતંત્રતા ઝંખતા અનેકાનેક ક્રાંતિવીરો માટે શેતાન બનેલો હતો.સ્વભાવે ખૂબ નિર્દયી અને ક્રાંતિકારીઓને કચડી નાખવાનું જાણે તેને બીડું ઝડપ્યું હતું ક્રાંતિકારીઓ ઉપર અત્યાચાર કરવો એ જાણે એનો ધર્મ બની ગયો હતો. ખુદીરામ બોઝે આ મહા અત્યાચારીને સદાયને માટે સુવાડી દેવાનો નિર્ણય કર્યો હતો. 1908 ની 30 મી એપ્રિલ નો એ દિવસ ખુદીરામ અને તેના ક્રાંતિકારી મિત્ર પ્રફુલ ચાકીએ આ કિંગ્સ ફોર્ડને સદાયને માટે રામશરણ કરવાનું નિર્ધાર કર્યો. હુમલો કેમ કરવો એ પણ નક્કી થઈ ગયું હતું અને બોમ્બની પણ વ્યવસ્થા થઈ ગઈ હતી. 30મી એપ્રિલ મુજફફરપુર (બિહાર)માં કિંગ્સ ફોર્ડ ની ગાડી પર બોમ્બ ઝીંકી દીધો.
પરંતુ દુર્ભાગ્યવશ ફોર્ડ એ એ ગાડીમાં નહોતો.તેમાં બે અંગ્રેજ મહિલાઓ બેઠી હતી. તે બંનેના મૃત્યુ થયા.થોડા સમય પછી ખુદીરામ બોઝને પકડી લેવામાં આવ્યા.અંગ્રેજો ની કોર્ટમાં કેસ ચાલ્યો અને ખુદીરામ બોઝ એ વખતે માત્ર 19 વર્ષના. નાનકડા 19 વર્ષના બાળકને ફાંસીની સજા કરવામાં આવી. ફાંસીના દિવસ પહેલાના દિવસોમાં જેલના ડેપ્યુટી જેલર સાથે ખુદીરામના ખૂબ જ મીઠા સંબંધો થઈ ગયા હતા. ખુદીરામ જેલરને બાબા કહીને બોલાવતા.11મી ઓગસ્ટે સવારે ચાર વાગ્યે ખુદીરામને ફાંસી આપવાની હતી. 10 મી ઓગસ્ટે રાત્રે જેલર સાહેબ ખુદીરામ માટે ચૂસવાની કેરીઓ લઈને આવ્યા અને કહ્યું, બેટા, આ થોડીક કેરીઓ તારા માટે લાવ્યો છું,ખાઈ લેજે. કાલે સવારે તો તને ફાંસી થવાની છે. ખુદીરામે હસીને કેરીઓ લઈ લીધી.11મી ઓગસ્ટે કેરીઓને ત્યાંની ત્યાં પડેલી જોઈને જેલરે વિચાર્યું કે જેને થોડા સમય પછી ફાંસીએ લટકવાનું છે તેને આ કેરીઓ ખાવાની ઈચ્છા ક્યાંથી થાય?જેલરે જ્યારે કેરીઓ ઉઠાવી તો ખાલી છોતરા હતા.ખુદીરામ ખડખડાટ હસી પડ્યો અને કહ્યું,કેરીઓ તો મેં ખાઈ લીધી છે. હકીકતમાં કેરીઓ ચૂસી જઈને ખુદીરામે છોતરામાં મોંથી હવા ભરી દીધી હતી.અને એવી રીતે મૂકેલી અસલ કેરીઓ પડી હોય એવું લાગે. જેલરે ખુદીરામની ઝિંદાદિલી થી આશ્ચર્યચકિત થઈ ગયો હતો. 11મી ઓગસ્ટ 1908 ના દિવસે ભારત માતા નો આ નાનકડો લાલ દેશની આઝાદી માટે હાથમાં ગીતા રાખી ને ફાંસી ના માચડે લટકી ગયો.ધન્ય છે આવા ભારતમાતાના સપૂતોને
વંદે માતરમ