પોરબંદરના ૧૨ તીર્થસ્થાનોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન યોજાયું
તીર્થ સ્થળોને સ્વચ્છ રાખવા એ સૌનું કર્તવ્ય છે: કલેક્ટર કે.ડી લાખાણી

પોરબંદર તા,૨૨.યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે પોરબંદર શહેર તથા છાયા વિસ્તારમાં આવેલા ૧૨ પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સફાઈ અભિયાન યોજાયુ હતું. સફાઈ અભિયાન અને સ્વચ્છતા પ્રવૃત્તિ સફળ બનાવવા જિલ્લા કલેકટર કે. ડી. લાખાણીએ સુદામા મંદિરની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપી જણાવ્યું હતું કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સ્વચ્છ અને સુંદર રહે તે આપણા સૌની જવાબદારી છે. જિલ્લા વહીવટી તંત્રની સાથે સાથે નાગરિકો પણ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહયોગ આપે તે ઇચ્છનીય છે, જે જગ્યાએ સ્વચ્છતા હોય ત્યાં તન અને મન પ્રફુલિત રહે છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યમાં આવેલા પવિત્ર યાત્રાધામો ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાનના ભાગરૂપે પોરબંદરમાં આવેલા ૧૨ પવિત્ર યાત્રાધામ અને દેવસ્થાનો ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું.
જેમાં શ્રી લંકેશ્વર મહાદેવ મંદિર, શ્રી રૂગનાથજી મહાદેવ મંદિર, શ્રી પોરાઈ માતાજીનું મંદિર,શ્રી ભદ્રકાળી માતાજી તથા બહુચરાજી માતાજીનું મંદિર, શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર, શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર, શ્રી ગાયત્રી માતાજીનું મંદિર, શ્રી ભોજેશ્વર મહાદેવનું મંદિર, શ્રી સુદામા મંદિર, શ્રી નરસિંહ મંદિર, શ્રી કાજેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી નંદેશ્વર મહાદેવ મંદિર પોરબંદર ખાતે યાત્રાધામ સફાઈ અભિયાનના ભાગરૂપે સફાઈ અભિયાન યોજાયું હતું. સુદામા મંદિર ખાતે જિલ્લા કલેકટર ની સાથે સાથે પ્રાંત અધિકારી શ્રીજાડેજા, સીટી મામલતદારશ્રી હંસાબેન સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શહેરના અન્ય તીર્થસ્થાનો ખાતે સફાઈ અભિયાનની જવાબદારી કર્મચારીઓને આપવામાં આવી હતી.
