સ્પેશિયલ નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે અંતર્ગત પોલિયો રસી અભિયાનનો શુભારંભ કરાવતા કલેકટર
પોરબંદર જિલ્લામાં સ્પેશિયલ નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે અંતર્ગત 0 થી ૫ વર્ષના બાળકોને પોલિયો રસી આપવાનાં અભિયાનનો પ્રારંભ
જિલ્લા કલેકટર કે. ડી.લાખાણીએ લેડી હોસ્પિટલ ખાતે બાળકોને રસી પીવડાવી અભિયાનનો શુભારંભ કરાવ્યો
પોરબંદર.તા.૨૮, પોરબંદર જિલ્લામાં સ્પેશિયલ નેશનલ ઇમ્યુનાઈઝેશન ડે અંતર્ગત ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો રસી આપવાનાં અભિયાનનો શુભારંભ કલેકટર કે. ડી.લાખાણીના હસ્તે લેડી હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યો હતો.
જિલ્લાનાં સૌ નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થઇ ૫ વર્ષ સુધીનાં બાળકોને રસી પીવડાવી પોલિયોનાં જોખમ સામે સુરક્ષિત કરવા તથા રાષ્ટ્રને પોલિયો મુક્ત રાખવાનાં અભિયાનમાં સામેલ કરવા અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાંથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી વાઈરસનાં ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી સમયાંતરે પોલિયો અભિયાન ચલાવીને 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયો સામે સુરક્ષિત કરવામાં આવે છે. જિલ્લાના વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાય તથા આ બાબતે વધુ જાગૃતિ આવે તે કલેકટરશ્રી દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ તકે ડો.બી.બી. કરમટા, ભાવસિંહજી હોસ્પિટલના સિવિલ સર્જન, ભાવસિંહજી હોસ્પિટલનો સ્ટાફ તથા આરોગ્યનો વિભાગનો સ્ટાફ ઊપસ્થિત રહ્યો હતો.