“ભૂખમરો” પોલિટિકલ શબ્દ છે, ગરીબી એક કલ્પના છે !
પહેલી ધારની વાત
– નારન બારૈયા
મોંઘવારી એક ઉપજાવી કાઢેલી પોલિટિકલ સમસ્યા છે : રાજકારણમાં સત્તાધારી પક્ષને ભીંસમાં લેવા માટે આ શબ્દનો ઈસ્તેમાલ કરવામાં આવે છે
અગિયાર મહાવ્રતમાં “અભય, સ્વદેશી, સ્વાદ ન કરવું” એમ રાષ્ટ્રપિતાએ પોતે કહ્યું હતું: લોકો હવે ગાંધીજીના મહાવ્રતને પણ ભૂલી ગયાં છે… મોદીના સ્વનિર્ભર કે આત્મનિર્ભર ભારતનો અર્થ જ સમજતા નથી
પેટ્રોલ એ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ છે જ નહીં… લોકોને વ્યાપક રીતે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. લોકો તેલના ભાવ વધારાનો કકળાટ કરે છે. એ પણ ખોટું છે. હિમ યુગ તથા પાષાણ યુગમાં તેલ પણ નહોતું છતાં જીવન આનંદમય પસાર થતું હતું.
ભાઇઓ ઔર બહેનો….! ભારતમાં આજથી માત્ર 1000 વર્ષ પહેલાં મરચું પણ નહોતું. મહાભારત કે રામાયણમાં ક્યાંય મરચાંનો ઉલ્લેખ નથી. મરી, તજ, લવિંગ જેવા મસાલાથી તીખાશ પ્રાપ્ત કરવામાં આવતી હતી. મરચાની જેમ બાજરો પણ માત્ર અમુક હજાર વરસ પહેલા વિદેશથી આવેલો…
ભાઇઓ ઔર બહેનો ! લોકો ગેસના વધેલા ભાવનો વાહિયાત કકળાટ કરે છે. હિમ યુગ અને પથ્થર યુગમાં અગ્નિ જ નહોતો. પૃથ્વી પર અગ્નિની શોધ નહોતી થઇ. લાકડાં પણ નહોતાં સળગાવી શકતાં ત્યારે પણ આપણે ગુફાઓમાં આનંદથી જીવતાં હતાં તે દીવસો લોકો કેમ ભૂલી ગયા છે? ભાઇઓ ઔર બહેનો, ગરીબી કે મોંઘવારી જેવું કંઇ નથી. તમે માત્ર ઇતિહાસ જાણો.
ભાઇઓ ઔર બહેનો…. શાક-ભાજી વગેરે પણ હમણાની શોધ છે. હકીકતમાં આસપાસની કોઇ પણ વનસ્પતિ પેટમાં નાખવાથી પેટમાં તેની યોગ્ય પ્રોસેસ થાય જ છે અને કોઈ પણ ફળ-ફૂલ ખાવાથી જીવતા રહી શકાય છે. કોઈ માણસ ભૂખમરાનો શિકાર બની જ ન શકે. હકીકતમાં “ભૂખમરો” એ પોલિટિકલ શબ્દ છે. રાજકારણમાં સત્તાધારી પક્ષને ભીંસમાં લેવા માટે આ શબ્દનો ઈસ્તેમાલ કરવામાં આવે છે. હવા, પાણી અને ખોરાક માટે સરકારને દબાવવાની જરુર નથી. એ તો માણસને ગમ્મે ત્યાંથી વિનામૂલ્યે મળી રહે છે. અમુક પ્રકારનું ખાવાનું હોય તો જ ખાધું ગણાય એમ માનનાર મનુષ્ય પાંગળો અને ભોજનના સ્વાદનો ગુલામ છે. ગાંધીજીએ પણ સ્વાદની ગુલામી કરવાની પાડી હતી. તેના અગિયાર મહાવ્રતમાં “અભય, સ્વદેશી, સ્વાદ ન કરવું” એમ કહ્યું હતું. લોકો સ્વાદનો ગાંડો મોહ શા માટે રાખે છે? લોકો હવે ગાંધીજીના મહાવ્રતને પણ ભૂલી ગયાં છે… મોદીના સ્વનિર્ભર કે આત્મનિર્ભર ભારતનો અર્થ જ સમજતા નથી.
ભાઇઓ ઔર બહેનો ! માણસ માટે “રોટી, કપડાં અને મકાન”ને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ ગણવામાં આવે છે તે પણ ખોટું છે. આ ત્રણેય વસ્તુ વગર પણ સ્વમાનથી અને આનંદથી જીવી શકાય છે. પ્રાગૈતિહાસિક સમયમાં મકાનમાં જ રહેવું જોઇએ એવો કોઈ કન્સેપ્ટ જ નહોતો. છેક રામના સમય સુધી વલ્કલ વસ્ત્રોની ફેશન હતી. અત્યારે આવનારા 1000 વરસ સુધી મિલમાં નવાં વસ્ત્રો ન બને તો પણ ભારતમાં વસ્ત્રોની કોઇ જ તંગી ન સર્જાય એટલાં વસ્ત્રો ભારતમાં છે. પણ લોકોને જૂનાં કપડાં પહેરવાં ગમતાં નથી. કપડાં એ માત્ર ટાઢ-તાપથી બચવા માટેનું સાધન છે. માણસ પાંચ જોડી કપડામાં આખી જીંદગી કાઢી શકે. પણ લોકોને નવાં નવાં કપડાંનો ચસ્કો લાગ્યો છે. અને ઉપરથી ગરીબીનાં ગાણાં ગાવાં છે…! આવી લાડકાઈ થોડી ચાલે ???
થીગડાંવાળાં કપડાંથી વળી પાછી લોકોને શરમ લાગે છે !!! ભાઇઓ ઔર બહેનો ! ગાંધીજીએ કહ્યું હતું – થીગડાંવાળાં કપડાં પહેરવાં એ શરમનો વિષય નથી, મેલાં કપડાં પહેરવાં એ જ શરમનો વિષય છે….
ભાઇઓ ઔર બહેનો ! મનુષ્ય કૂદરતી જીવન ભૂલી ગયો છે તેથી જ પરેશાન થઇ રહ્યો છે. નહિતર ગરીબી જેવું કંઇ હોતું નથી. ગરીબી એક કાલ્પનિક અને પોલિટિકલ શબ્દ છે. હકીકતમાં ગરીબી જેવું કંઇ હોતું જ નથી. તમારો અસંતોષ જ તમને ગરીબ બનાવે છે. સંતોષ જ તમને ધનવાન બનાવે છે. રૂપિયાથી કોઇ ધનવાન બની શકતું નથી. વધુ રુપિયાથી માણસ વધુ ગરીબ બને છે. એટલે જ તો રાજા ભર્તૃહરી તમામ સત્તા અને કહેવાતાં ધનનો ત્યાગ કર્યા પછી જ સાચા ધનવાન બન્યા હતા. જૈનો પણ અસલ ધનવાન ત્યારે જ બને છે જ્યારે તે સર્વસ્વનો ત્યાગ કરીને સાધુ બને છે. મહાવીર પણ સર્વસ્વનો ત્યાગ કર્યા પછી જ ધનવાન બન્યા હતા. મહાવીરે અન્ન અને વસ્ત્રનો પણ ત્યાગ કરવાની વીરતા દાખવી હતી તેથી જ તે મહાવીર કહેવાયા.
લોકો બુદ્ધના નામે રાજકારણ ખેલી રહ્યા છે. બુદ્ધના નામે પણ અનામત વગેરેના મફતિયા લાભો મેળવવાનું રાજકારણ ચાલી રહ્યું છે. પણ બુદ્ધે તો સર્વસ્વ ત્યાગીને હાથમાં ભિક્ષાપાત્ર ધારણ કર્યું હતું. આ ભિક્ષાપાત્ર જ બુદ્ધની અમીરીનું પ્રતીક છે. એમની પાસે સત્તા અને ધન હતું ત્યારે તે ધનવાન નહોતા.
ભાઇઓ ઔર બહેનો ! માત્ર પૈસો એ ધન નથી… ધન એ તો આત્મા પાસે રહેલી શક્તિ છે. મોદી તમને આ પ્રકારના ધનવાન અને આત્મવાન બનાવવા માગે છે. એટલે પેટ્રોલ, તેલ, ગેસ…. જેના જેના ભાવ વધે તે દેશના હિતમાં છે… ભાઇઓ ઔર બહેનો ! ભાઇઓ ઔર બહેનો !
ભાવ એટલા વધવા જોઈએ કે તમે એ વસ્તુ વગર જીવવાનું શીખી જાવ… મોહભંગની આ એક સાયકોલોજીકલ અથવા તો આધ્યાત્મિક પ્રક્રિયા છે….
ભાઇઓ ઔર બહેનો ! ભાઇઓ ઔર બહેનો ! ભાઇઓ ઔર બહેનો ! ભાઇઓ ઔર બહેનો…. કોઇ પંખો ફાસ’ કરો….