૧૦ જુલાઈ દિન વિશેષ: રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ

પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩માં સાગરખેડૂઓને કુલ ૫૮.૫૦ કરોડની ડીઝલ સબસિડી ચૂકવાઈ
***
રાજ્યમાં બ્લુ ઇકોનોમીને વેગ આપવા અનેક યોજનાઓ અમલમાં
***
મતસ્યાપલનની અનેક યોજનાના અમલીકરણના ભાગ રૂપે વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૩૬૨ જેટલા સાગરખેડુઓને ડી.બી.ટી માધ્યમથી રૂ.૮૦૦ લાખની સહાય ચૂકવાઇ
સંકલન:- મયંક ગોજીયા
પોરબંદર.તા.૧૦, ભારતમાં દર વર્ષે ૧૦ જુલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્યપાલક દિવસ ઉજવવામાં આવે છે. ભારત દેશ તથા ગુજરાત રાજ્યને વિશાળ દરિયા કિનારો પ્રાપ્ત થયો છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશનમાં બ્લુ ઇકોનોમી વેગ આપવા કેન્દ્ર તથા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવવાનો છે. માછીમારો આર્થિક રીતે સદ્ધર થાય અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે હેતુથી સરકારશ્રી દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે.
જેમાં માછીમારો માટે સરકાર દ્વારા ડીઝલ વેટ રાહત યોજના દ્વારા ડીઝલ સબસિડી ચુકવવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં વર્ષ ૨૦૨૨માં આશરે કુલ ૧૭૭૨ માછીમારોને કુલ રૂ. ૫૮.૫૦ કરોડની ડીઝલ સબસિડી ચૂકવવામાં આવી છે. આધુનિક ટેકનોલોજી ઉપયોગથી સરકાર દ્વારા ડીઝલ સબસિડી ઑનલાઇન સોફ્ટવેરના માધ્યમથી ડીઝલ સબસિડી સીધી જ માછીમારોનાં બેન્ક ખાતાંમાં જમાં કરાવવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા માછીમારો માટે વિવિધ કલ્યાણકારી યોજનાના અમલીકરણના ભાગ રૂપે પોરબંદર જિલ્લાના કુલ ૩૬૨ માછીમારોને આશરે કુલ રૂ. ૮૦૦ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. જેમા મત્સ્ય ઉત્પાદન વધે તે માટે સરકાર દ્વારા માછીમારોને નવા એન્જિનની ખરીદી પર સહાય, લાઇફ સેવિંગ સાધનો પર સહાય, પગડિયા માછીમારો સાઇકલ અને જાળ પર સહાય, માછલીની જાળવણી કરવા માટે ઇનસ્યુંલેટેડ બોક્સ પર અને ડીપ ફ્રીઝર પર સહાય, જી.પી.એસ. ખરીદી પર સહાય, ફાઈબર રોપ ઉપર સહાય, જાળની ખરીદી પર સહાય, રેફ્રીજેરેટેડ વાન ઉપર સહાય, તેમજ અન્ય ઘણી બધી યોજનાઓ દ્વારા માછીમારો ને લાભ આપવામાં આપવામાં આવે છે.
આ ઉપરાંત માછીમારો માટે જૂથ અકસ્માત વિમાં યોજના હેઠળ રૂ. ૨ લાખ સુધી સહાય આપવામાં આવે છે. તેમજ પાકિસ્તાન ખાતે પકડાયેલ માછીમારોના કુટુંબને આર્થિક સહાય અર્થે માછીમારના વારસદારને પ્રતિદિન રૂ.૩૦૦ લેખે સહાય ચૂકવવામાં આવે છે.
તદુપરાંત, માછીમારોને બેન્ક માંથી લોન મળે અને વ્યાજખોરોનાં ચુંગલમાં ના ફસાય તે માટે કિશાન ક્રેડિટ કાર્ડ યોજના ( KCC ) થકી માછીમારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં અત્યારે સુધી કિશાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ કુલ ૧૨૦૯ માછીમારો ને રૂ. ૪૦.૬૯ કરોડની બેંક લોન દ્વારા ધિરાણ આપવામાં આવેલ છે.
ભારતમાં મત્સ્ય ક્ષેત્રમાં ટકાઉ અને જવાબદારીપૂર્ણ વિકાસ થકી ‘બ્લ્યૂ રિવોલ્યુશન’ લાવવાના ઇરાદા સાથે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) શરૂ કરવામાં આવી છે. PMMSY મત્સ્ય ઉત્પાદન અને ઉત્પાદકતા, ગુણવત્તા, ટેક્નોલોજી, પોસ્ટ-હાર્વેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંચાલનમાં રહેલી કેટલીક માળખાકીય ખામીઓને દૂર કરવાનો હેતું ધરાવે છે. વધુમાં તે માછીમારોના કલ્યાણ માટે મૂલ્ય શ્રૃંખલા આધુનિક અને મજબૂત બનાવશે. પોરબંદર જિલ્લામાં પણ આ યોજના હેઠળ લાભાર્થીઓને વિવિધ યોજનાઓમાં લાભ આપવામાં આવી રહ્યો છે.
