જામનગરના વેપારીના મુંબઇ અભ્યાસ કરતા ૧૩ વર્ષના પુત્રનું હાર્ટએટેકથી મૃત્યુ
છેલ્લા થોડા સમયથી યુવા વર્ગમાં હાર્ટએટેકના હુમલા ઘાતક બની રહયા છે, જામનગરના ધ્રોલ ખાતેના ખારવામાં ગઇકાલે એક યુવાનનું હૃદય બંધ પડી ગયુ હતું, એ બનાવ તાજો છે ત્યાં વેપારી પુત્રનું તરૂણ અવસ્થામાં એટેકથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે.
જામનગર સહિત સૌરાષ્ટ્રમાં નાની વયે હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ દિન પ્રતિદીન વધી રહયું છે, ૨૫ થી ૪૫ ની વચ્ચેના યુવાનોના હૃદય એકા એક બંધ પડી જતા મૃત્યુને ભેટી રહયા છે, ગઇકાલે ખારવા ગામમાં ૩૬ વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયુ હતું, દરમ્યાન જામનગરના વેપારીના મુંબઇ અભ્યાસ કરતા ૧૩ વર્ષના પુત્રનું હાર્ટએટેકથી મૃત્યુ થતા ભારે ગમગીની ફેલાઇ ગઇ છે, મૃતદેહને જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બન્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ જામનગરની કામદાર કોલોનીમાં રહેતા પુરસ્કાર ગીફટ શોપવાળા વેપારી સચિનભાઇ વેણીભાઇ ગઢેચાનો ૧૩ વર્ષનો પુત્ર ઓમ મુંબઇ ખાતે અભ્યાસ કરે છે, દરમ્યાનમાં ઓમને હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજયુ હતું.
આ અંગેની જાણ પરિવારજનોને થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, મુંબઇથી તરૂણનો મૃતદેહ જામનગર લાવવામાં આવતા પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું, આજે બપોરે તેમના નિવાસ સ્થાન કામદાર કોલોની ખાતેથી અંતિમયાત્રા નીકળશે તેમ જાણવા મળ્યું છે.