પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી માસનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો.
સતત એક મહિના સુધી ટ્રાફિક જાગૃતિ માટેના કાર્યક્રમો યોજાશે
સમગ્ર રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા તા.15 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી 2024 સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી માસની ઉજવણીનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો.
◆ એક મહિના સુધીના કાર્યક્રમો :
પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા સતત એક મહિના સુધી જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી મંથ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિક જાગૃતિના સેમિનાર અને કાર્યક્રમો, રસ્તામાં અકસ્માત થાય ત્યારે જરૂરી પ્રાથમિક સારવારની તાલીમો, એસ.ટી, ઓટો અને સરકારી વાહનોના ડ્રાઇવરોના આંખ ચેકઅપ કેમ્પો, જનજાગૃતિ રેલી, બેનર અને પત્રિકા વિતરણ, વાહનોમાં રીફલેક્ટરો લગાવવા, શાળા કોલેજોના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગે માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજી ટ્રાફિક જાગૃતિ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આ માસ દરમિયાનના કાર્યક્રમોમાં પોરબંદરની દરેક સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજોને પણ જાગૃતિ અભિયાનમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
◆ ટ્રાફિક પોલીસની વાહન રેલી આકર્ષણનું કેન્દ્ર:
ઉદ્ઘાટન સમારોહના અંતે પોલીસ વાહનો અને બાઇકમાં પોલીસ જવાનો શૂસજ્જ થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજી જુદા જુદા સ્લોગનો વાળા બેનરના માધ્યમથી માર્ગ સલામતી માસની ઉજવણી અને ટ્રાફિક જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
◆ મહાનુભાવોના ઉદબોધન :
માર્ગ સલામતી માસની ઉજવણીના ઉદ્ઘાટન સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કલેકટર કે.ડી.લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ.જાડેજા, જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના અનિલભાઈ કારીયા સહિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચનો કરી માર્ગ સલામતી બાબતે જાગૃતિ લાવવા ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે પોરબંદરની જનતા અને જાગૃત નાગરિકોને પણ આ કાર્યક્રમમાં સાથે જોડાઈને આપણા સૌની સલામતી માટેના પોલીસના પ્રયાસને સફળ બનાવવા સહકાર આપવા અપીલ કરી હતી. કારણ કે ટ્રાફિક અને રોડ સેફટીના પ્રશ્નોનું પોલિસ અને જનતાના સહિયારા પ્રયાસોથી નિરાકરણ આવશે. લોકો ટ્રાફીકના નિયમોને દિલથી પાલન કરશે તો જ આપણે માર્ગ સલામતી માસની ઉજવણી કરી સાર્થક ગણાશે કેમ કે દરેક જગ્યાએ કાયદાથી કામ લેવું શક્ય નથી. ટ્રાફિક અને રોડ સેફટી એ ફરજના ભાગરૂપે અને આપણા પોતાની સલામતી માટે જાતે જ પાલન કરીશું તો જ આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાશે.
આ ઉદ્ઘાટન સમારોહ કાર્યક્રમમાં સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, જુદીજુદી જ્ઞાતિઓના આગેવાનો, પોલીસ અધિકારી અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા આરજે મિલન પાણખાણીયાએ કર્યું હતું. આભારવિધિ ટ્રાફીક પીએસઆઇ કે.એન.અઘેરાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ અને ટ્રાફિક પોલીસની ટિમ તથા જેસીઆઈ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદીયા અને જેસીઆઇના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.