પોરબંદર જિલ્લામાં 138 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી
પોરબંદર પોલીસ વિભાગમાં મોટા ફેરફારો થયા છે. એક સાથે 138 પોલીસ કર્મચારીઓની બદલી થઈ છે. જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ ટ્રાન્સફર ઓર્ડર રીલીઝ કરી દીધો છે. પોરબંદરમાં એક જ પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવતા 138 પોલીસ કર્મચારીઓની સાગમટે બદલી કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગુનાઓના ભેદ ઉકેલવામાં માહેર કમલાબાગ પોલીસના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોહિલને S.O.G ખાતે તથા ઉધોગનગરના મુકેશભાઈ માવડિયાની L.C.B ખાતે બદલી કરવામાં આવી છે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા આ પ્રકારે પોરબંદર પોલીસમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. બગવદર પંથકમાં પોલીસ સુરક્ષા સેતુની કામગીરી તથા અન્ય અનેક કામગીરીથી લોકપ્રિય થયેલા એલઆર કોન્સ્ટેબલ શોભના દુધરેજીયા ને પોરબંદર પોલીસ ખાતે બદલી આપવામાં આવી છે. કીર્તિ મંદિર પોલીસના આશાબેન કારાવદરા અને સેજલબેન પંપાણીયાને પણ હેડ ક્વાર્ટર માં લેવામાં આવ્યા છે. એસપી દ્વારા તમામ બદલીઓ જાહેર હિતમાં કરવામાં આવી છે અને તેમના દ્વારા દરેક થાણા અધિકારીઓને એવી સૂચના આપવામાં આવી છે કે જેમની બદલી જાહેર થઈ છે તે તમામ કર્મચારીઓને કોઈપણ જાતની રજા ભોગવવા દેવા સિવાય કોઈ પણ પ્રકારના રેફરન્સ વગર તેમને તાત્કાલિક અસરથી છૂટા કરી બદલીવાળા સ્થળે હાજર થવા હુકમ કરાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા લાંબા સમયથી પોરબંદર જિલ્લામાં કર્મચારીઓની બદલી થઈ નહોતી અને લાંબા સમયથી એક જ સ્થળે નોકરી કરી રહેલા કર્મચારીઓને જાહેર હિતમાં બદલવાની જરૂર હોય એસપી દ્વારા આ બદલી જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં અનેક કર્મચારીઓની ચોક્કસ કાર્ય રીતે અને ચોક્કસ કાર્યની ફાવટ હોય તો તેવા કર્મચારીઓને ચોક્કસ સ્થળો પર લેવાવા જોઈએ એવી બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવી હોય તેમ માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત કેટલાક કર્મચારીઓની વિવિધ પ્રકારની ફરિયાદ હોવાને કારણે પણ તેમની બદલી થઈ છે તેમ માનવામાં આવી રહ્યું છે પરંતુ એસપીએ તમામ બદલી જાહેર હિતમાં હોવાનું જાહેર કર્યું છે.