પોરબંદરમાં એસ.બી.આઈ.ના અનેક એ.ટી.એમ. ના શર્ટર પાડી દેવાયા
સર્વરની ખામી,ટેકનીકલ ક્ષતિ સહિત જુદાજુદા કારણોને લીધે ખાતાધારકો પરેશાન:કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ થઈ રજુઆત
પોરબંદર
એક બાજુ મોદી સરકાર ડીજીટલ ઇન્ડિયાના સપના સેવી રહી છે,ઓનલાઈન બેન્કિંગની વાતો કરી રહી છે,પરંતુ સરકારી બેંકોના મોટાભાગના એ.ટી.એમ. સર્વરની ખામી,ટેકનીકલ ક્ષતિ સહિત જુદાજુદા કારણોને લીધે બંધ અવસ્થામાં જોવા મળે છે,તેથી કોંગ્રેસ દ્વારા બેંકના મુખ્ય સતાધીશોને રજુઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ ઉચ્ચકક્ષાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદરમાં એસ.બી.આઈ.ના મોટાભાગના એ.ટી.એમ. સર્વરની ખામી,ટેકનીકલ ક્ષતિ સહિત જુદાજુદા કારણોને લીધે બંધ અવસ્થામાં જોવા મળે છે,શનિ-રવિ બેંક બંધ હોય છે જેથી લોકો એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા માટે જાય છે,પરંતુ વીલા મોઢે પરત ફરે છે,લોકો છતે પૈસે લાચારીની અવસ્થામાં મુકાય જાય છે. એ.ટી.એમ.બંધ હોવાને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,ખાનગી બેંકોમાં જોઈએ ત્યારે એ.ટી.એમ.માં નાણા મળી જાય છે પરંતુ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.માં વારંવાર ફોલ્ટ સર્જાય અથવા તો નાણા ખલાસ હોય છે,તેથી ખાતાધારકો ખુબ હેરાન પરેશાન થાય છે
એક બાજુ મોદી સરકાર ડીજીટલ ઇન્ડિયાના સપનાઓ સેવી રહી છે,ઓનલાઈન બેન્કિંગની વાતો કરે છે,ડીજીટલ ઇન્ડિયાની વાતો તો દુર રહી પરંતુ સરકારી બેંકોના એ.ટી.એમમાં વારંવાર ક્ષતિ સર્જાય છે,અત્યારે લગ્નગાળો તહેવાર અને અન્ય પ્રસંગોની ખરીદી કરતા હોય છે લોકો ત્યારે જ એ.ટી.એમ.માંથી પૈસા ઉપડતા નથી, ખાસ કરીને શનિ-રવિમાં એસ.બી.આઈ.ના મોટાભાગના એ.ટી.એમ.શોભાના ગાઠીયા સમાન બની રહે છે,અને શનિ-રવિમાં આ સમસ્યા વધુ ગંભીર બને છે,અગાઉ અનેક વખત રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.
તેમણે જણાવ્યું હતું કે કમલાબાગ પોલીસ સ્ટેશનની બહારનું એટીએમ અને જિલ્લા પોલીસવાળા ની કચેરી બહારનું એટીએમ બંધ છે અને શર્ટર પાડી દેવામાં આવ્યા છે. મોટાભાગના સરકારી કર્મચારીઓનો પગાર થયો છે અને એટીએમ માં પૈસા લેવા માટે તેઓ ઉપાડવા જાય છે ત્યારે નાણા મળતા નથી તેમ જણાવીને રામદેવભાઈ મોઢવાડિયા એ વહેલી તકે આ મુદ્દે યોગ્ય કરવા માંગ કરી છે.