પોરબંદરમાં શેરીના છેડા ઉપર ફિટ કરેલા લોખંડના ગેટ દૂર કરાયા
પોરબંદર છાયા નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં અમુક લોકો દ્વારા તેઓને લાગુ પડતી શેરીના છેડા ઉપર લોખંડના ગેઇટ ફીટ કરવામાં આવેલા છે. આવા ગેઇટ સામે ફરિયાદી રમેશભાઈ માલદેભાઈ ઓડેદરા દ્વારા અત્રે વારંવાર મોખિક તેમજ લેખિત રજૂઆત કરીને, આવા ગેઇટ દુર કરવા માગણી કરેલી. આ બાબતે જાહેર નોટીસથી આવા ગેઇટ દુર કરવા લોકોને કુલ ત્રણ વખત જાણ પણ કરવામાં આવેલી છે. તેમ છતાં સબંધિત લોકો દ્વારા આવા ગેઇટ દુર કરવામાં આવેલા ન હતા. ફરિયાદી દ્વારા પ્રાદેશિક કમિશ્નર, રાજકોટ, કમિશ્નર, મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશનની કચેરી, ગાંધીનગર, ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગર તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગર સમક્ષ પણ ઉકત ગેઈટસ દુર કરવા સબંધે રજૂઆત કરવામાં આવેલી, જે અન્વયે પ્રાદેશિક કમિશ્નર રાજકોટના કાર્યપાલક ઇજનેરએ આ બાબતે પ્રશ્નવાળા સ્થળોની મુલાકાત લઈને ઉકત ગેઈટસ દુર કરવા તા.૦૮/૦૪/૨૦૨૨ ના પત્રથી અત્રે જણાવવામાં આવેલ છે. જે મુજબ આજ તા.૨૭/૧૨/૨૦૨૨ થી ઉપર દર્શાવેલ મુજબના ગેઈટસ દુર કરવાની કાર્યવાહી પોલીસ પ્રોટેક્શન સાથે નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે. તેવું પોરબંદર છાયા નગરપાલિકાની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.