પોરબંદરમાં પ્રથમ વખત તમામ નૃત્યગુરુઓ એક મંચ ઉપર 117 નૃત્યકારો દ્વારા નૃત્યના તમામ પ્રકારો રજૂ થયા
નવરંગ દ્વારા નૃત્યનો ભવ્ય કાર્યક્રમ યોજાયો
◆◆◆◆◆◆◆◆◆
પોરબંદરમાં પ્રથમ વખત તમામ નૃત્યગુરુઓ એક મંચ ઉપર
◆◆◆◆◆◆◆◆◆
117 નૃત્યકારો દ્વારા નૃત્યના તમામ પ્રકારો રજૂ થયા
પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા એક વર્ષ પહેલાં “નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન”ની સ્થાપના કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નવરંગ સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે નવરંગ તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “નૃત્યની કલા”ને સ્ટેજ આપવા માટે આંગિકમ ડાન્સ ફેસ્ટ 2024 કાર્યક્રમ યોજાયો હતો.
ગાંધી સ્મૃતિ ભવન ચોપાટી ખાતે આયોજિત નૃત્યના આ કાર્યક્રમમાં 10 જેટલા કલાગુરુઓના માર્ગદર્શન હેઠળ 117 જેટલા કલાકારોએ કલાસિકલ, સેમિકલાસિકલ, ફોક, વેસ્ટર્ન, ગરબા, નૃત્ય નાટીકા વગેરે ભારતના તમામ પ્રકારના લોક નૃત્યોને એકજ સ્ટેજ ઉપરથી રજૂ કરી પોરબંદરમાં ઇતિહાસ બનાવી દીધો હતો.
■ નવરંગે કલાગુરુઓનું કર્યું સન્માન :
પોરબંદરમાં નૃત્યની કલાને સતત જીવંત રાખવા નૃત્ય ક્લાસ સંચાલકો સતત મહેનત કરીને બાળકોને તૈયાર કરી રહ્યા છે તેવા તમામ નૃત્ય કલાસ સંચાલકોનું નવરંગ સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સુરભી ક્લાવૃંદના ક્રિષ્નાબેન રાણીગા, સંસ્કૃતિ પર્ફોમિંગ આર્ટના હરેશ મઢવી, પૂનમબેન પોસ્તરીયા, ક્લાઝોન એકેડમીના વિજય ઠક્કરાર, તાંડવ નર્તન ઇન્સ્ટિટયૂટના જીગ્નેશ સુરાણી, નૂપુર ડાન્સ કલાસીસના કાશ્મિરાબેન સંઘવી, ડીએક્સપ્લોરર ડાન્સ એકેડમીના ભાવિન સીંધવ, ડાન્સ માસ્ટર એકેડમીના ભાર્ગવ વાળા અને ડાન્સફાઇડ ડાન્સ એકેડમીના કરણ ઢાંકેચા આ તમામ કલા ગુરુઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
■ જિલ્લા કલેકટરે નવરંગ ટીમને બિરદાવી:
પોરબંદર જિલ્લા કલેકટર કે.ડી.લાખાણીએ કાર્યક્રમના અંત સુધી ખાસ ઉપસ્થિત રહીને નૃત્યની દરેક કૃતિઓ નિહાળી ખૂબ પ્રભાવિત થયા હતા. પોરબંદરમાં આવા સુંદર કાર્યક્રમના આયોજન માટે નવરંગની સમગ્ર ટીમને અભિનંદન આપી બિરદાવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા અને સેક્રેટરી સ્નેહલ જોશી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી વીરેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સંયોજક ડો. યેશાબેન શાહ, પૂજાબેન રાજા, દુશ્યંત પરમાર અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા આરજે મિલન પાણખાણીયાએ અને આભારવિધિ જય પંડ્યાએ કરી હતી.