પોરબંદરના પ્રવાસે આવેલા 25,000 થી વધુ વિદ્યાર્થીઓને અપાઇ નિ:શુલ્ક ભોજન ની મહાપ્રસાદી
*જુદા જુદા પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ કરતા અગ્રણી મનુભાઈ મોદી તથા રણછોડભાઈ શિયાળ અને સ્વ.હીરાલાલભાઈ શિયાળ પરિવાર દ્વારા રોકડિયા હનુમાન મંદિર ખાતે અનેરૂ સેવાકાર્ય ધમધમતું થતા અપાયો આવકાર*
*રાજ્યભરની જુદી જુદી શાળાના પ્રવાસી વિદ્યાર્થીઓને મહાપ્રસાદી ઉપરાંત સાથે લઈ જવા માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરી અપાઇ*
*દાતા પરિવારોનીદિલેરીને છાત્રો ઉપરાંત શિક્ષકો અને શાળા સંચાલકોએ બિરદાવી*
*બહેરા મૂંગા વિદ્યાર્થીઓએ આપ્યા મોદી અને શિયાળ પરિવારને અંતરના આશીર્વાદ*
સુદામા પૂરી પોરબંદરમાં અનેકવિધ સેવા કાર્યો અનેકવિધ સંસ્થાઓ દ્વારા બારેમાસ ધમધમતા હોય છે જેમાં પોરબંદર શહેરના સામાજિક અગ્રણીઓ નોખી અનોખી સેવા પ્રવૃત્તિઓ કરવા માટે જાણીતા છે અને પોરબંદરની જે જૂની છાપ છે તેને ભુસવા માટે સતત સક્રિય રહે છે ત્યારે પોરબંદરના સામાજિક અગ્રણીઓ મનુભાઈ મોદી / સાગર મોદી તથા રણછોડભાઈ શિયાળ અને સ્વ હીરાલાલભાઈ શિયાળ પરિવાર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર શહેરના પ્રવાસે આવતા રાજ્યોની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને સંપૂર્ણપણે નિશુલ્ક ભોજન મહાપ્રસાદી આપવાની સાથો સાથ સાથે લઈ જવા માટે નાસ્તો પણ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષે અત્યાર સુધીમાં 25,000 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ તેનો લાભ લીધો છે ત્યારે દાતા પરિવારની આ દિલેરીને સૌએ બિરદાવી છે અને પોરબંદર સુદામા પૂરી માં ખરા અર્થમાં અન્નદાનના મહિમાને સાર્થક કરતા દાતાઓને શુભેચ્છા આપવામાં આવી છે.
*અન્નદાનનો વિશિષ્ટ સેવાયજ્ઞ*
ગાંધી સુદામાની નગરી પોરબંદર એ પ્રવાસનધામ છે અને જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ ફરવા માટે અને દર્શનાર્થે ઉમટી પડે છે. તેમાં પણ હાલમાં ડિસેમ્બર થી ફેબ્રુઆરી મહિના સુધી રાજ્યભરની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસના આયોજન થાય છે ત્યારે આવા વિદ્યાર્થીઓ અચૂકપણે પોરબંદરની મુલાકાત લેતા હોય છે. ત્યારે પોરબંદરના જાણીતા સામાજિક ધાર્મિક અને સેવાભાવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મનુભાઈ મોદી અને સાગર મોદી ને ધ્યાને એવી બાબત આવી હતી કે બહારથી આવતા વિદ્યાર્થીઓ ને પોરબંદરમાં પ્રવાસમાં જ્યારે લાવવામાં આવે છે ત્યારે તેઓને જો સાથે ભોજન લઈને આવ્યા ના હોય તો જમવામાં હોટલોનો સહારો લેવો પડે છે અને ત્યાં વિદ્યાર્થી દીઠ ખૂબ મોટો ખર્ચ થતો હોય છે આથી હર હંમેશ નોખી અનોખી સેવા પ્રવૃત્તિ કરતા મનુભાઈ મોદી અને તેમના પુત્ર સાગરભાઇ મોદી દ્વારા આ મુદ્દે ચર્ચા થઈ હતી અને મનુભાઈ મોદીના ખાસ મિત્ર અને પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ એવા સેવા પ્રવૃત્તિ કરતા રણછોડભાઈ શિયાળ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સ્વ હીરાલાલભાઈ શિયાળના પરિવાર સાથે આ બાબતે ચર્ચા થતાં તેઓએ એવું નક્કી કર્યું હતું કે પોરબંદર શહેરમાં પ્રવાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને જો પોરબંદરમાં નિશુલ્ક ભોજન ની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો શહેરના સેવા કાર્યોની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. અને તાત્કાલિક આ મુદ્દાને વધાવી લઈને મોદી અને શિયાળ એમ બંને પરિવારોએ એવો નિર્ણય કર્યો કે પોરબંદર ખાતે પ્રવાસમાં આવતા તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નિશુલ્ક ભોજન ની વ્યવસ્થા પૂરી પાડવાનો સેવાયજ્ઞ શરૂ કરીએ અને તે માટે સૌથી વધુ પ્રવાસીઓ રોકડિયા હનુમાન મંદિર ખાતે ઉતારા માટે રોકાતા હોય છે ત્યારે ત્યાં જ તેની સુવિધા ઉપલબ્ધ કરાવી દેવામાં આવે તેવું નક્કી થયું હતું અને રોકડિયા હનુમાન મંદિર ના પૂજારીઓ તથા સમિતિનો પણ પૂરતો સહયોગ મળતા 25 ડિસેમ્બર 2023 થી અહીંયા મહાપ્રસાદિની વ્યવસ્થા માટે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને આ સેવાયજ્ઞને જાણકારી માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્ય અને વિશ્વભરમાં પહોંચાડવામાં આવ્યો હતો. જેના ફળ સ્વરૂપ અસંખ્ય શાળાના વિદ્યાર્થીઓ પોરબંદર આવે છે ત્યારે અગાઉથી મનુભાઈ મોદી ને ફોન પર જાણ કરે છે અને ભોજન ની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.
*ચાલુ વર્ષે 25000 થી વધુ વિદ્યાર્થીઓએ લીધો લાભ*
મનુભાઈ મોદી સાગરભાઇ મોદી અને રણછોડભાઈ શિયાળ દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે રોકડિયા હનુમાન મંદિર ખાતે આ વર્ષે 25 ડિસેમ્બર થી શરૂ કરવામાં આવેલા આ સેવા કાર્યોનો અત્યાર સુધીમાં અંદાજે 25,000 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લાભ લીધો છે વિનામૂલ્ય મહાપ્રસાદી જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાની સાથે તેઓ અહીંથી બહાર જાય ત્યારે રસ્તામાં ભૂખ લાગે તો જઠરાગ્નિ ઠારી શકે તે માટે અલ્પાહાર ની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે. એટલે રોકડિયા હનુમાન મંદિર ખાતે ભરપેટ ભોજન લીધા બાદ પ્રવાસી બાળકો જ્યારે પોતાના વતન જાય ત્યાં સુધી રસ્તામાં તેઓને નાસ્તો મળી રહે તેવી પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને ત્યારબાદ જ તેઓને વિદાય કરવામાં આવે છે. આ રીતે ચાલુ વર્ષે અંદાજે 350 જેટલી બસોમાં 25,000 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ સેવાયજ્ઞનો લાભ લીધો છે.
*સેવાકાર્યનો હેતુ*
આ પ્રકારના વિશિષ્ટ સેવા કાર્યોને હેતુને વર્ણવતા મનુભાઈ મોદી તથા રણછોડભાઈ શિયાળે જણાવ્યું હતું કે ગાંધી સુદામાની નગરી પોરબંદર એ પ્રવાસીઓ માટે કેન્દ્રબિંદુ છે અને જુદી જુદી શાળા ના વિદ્યાર્થીઓ પોરબંદરની મુલાકાતે આવે ત્યારે શહેરની સારી છાપ લઈને તેઓ પરત જાય અને પોરબંદર પ્રત્યેની કોઈ પણ પ્રકારની ગેરસમજ હોય તો દૂર થાય તેમ જ તેમને ભરપેટ ભોજન મળે તે માટેની ઉત્તમ વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને એ રીતે ઠાકોરજીના આશીર્વાદ અમને મળે છે તેવું પણ આ બંને આગેવાનોએ ઉમેર્યું હતું.
*સંપૂર્ણપણે સ્વખર્ચે સેવા*
સામાન્ય રીતે આવા અન્નક્ષેત્રો ધમધમતા હોય ત્યારે દાતાઓનો સહયોગ લેવામાં આવતો હોય છે પરંતુ પોરબંદરના મોદી અને શિયાળ પરિવારે એવી નેમ લીધી છે કે એક પણ રૂપિયો કોઈની પણ પાસેથી લીધા વગર પોરબંદર આવતા બાળકોને ભરપેટ ભોજન જમાડીને તેમના આશીર્વાદ મેળવવા છે અને તેથી જ તેમના દ્વારા આ પ્રવૃત્તિ અવિરત પણે ચાલુ છે. બંને દાતા પરિવારોએ જણાવ્યું હતું કે ઠાકોરજી અમને જે આપ્યું છે એમાંથી અમે ઠાકોરજી નો પ્રસાદ આ બાળકોને પીરસી રહ્યા છીએ અને તેમના વધુ આશીર્વાદ મેળવી રહ્યા છીએ તેનાથી વિશેષ કોઈ આશા અપેક્ષા અમે રાખી નથી.
*સંસ્થાઓ સહિત આગેવાનો માટે માર્ગદર્શકરૂપ પ્રવૃત્તિ*
સુદામાપુરી પોરબંદર એ સેવા કાર્યોથી સતત ધમધમતું શહેર છે અને અંદાજે 200 જેટલી સામાજિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ બારેમાસ હાથ ધરવામાં આવે છે ત્યારે આ સંસ્થાઓ અને જુદા જુદા આગેવાનો માટે પણ આ સેવા પ્રવૃત્તિ અનુકરણીય રૂપ છે કારણ કે અનુદાનને મહાદાન ગણવામાં આવ્યું છે ત્યારે તેની મહત્વતા સમજવામાં આવે અને તેના માધ્યમથી સેવા કાર્યો યોજવામાં આવે તો તે ખરા અર્થમાં ઠાકોરજીની સેવા કરી ગણાશે તેમ માનવામાં આવે છે.
*આવતા વર્ષે દ્વારકા અને સોમનાથમાં પણ શરૂ થશે પ્રવૃત્તિ*
વૈષ્ણવ મનુભાઈ મોદી – સાગર મોદી એ જણાવ્યું હતું કે તેમના અને તેમના મિત્ર રણછોડભાઈ શિયાળ પરિવાર દ્વારા શરૂ થયેલી આ સેવા પ્રવૃત્તિ આવતા વર્ષે વધુ વિકસાવવામાં આવશે અને પોરબંદરમાં તો આ કામગીરી થશે જ પરંતુ તે ઉપરાંત સૌરાષ્ટ્રના બે સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા અને સોમનાથ ખાતે પણ આ પ્રકારના અન્ન ક્ષેત્રના સેવા યજ્ઞો શરૂ કરવામાં આવશે અને તેના માધ્યમથી વિદ્યાર્થીઓને ભરપેટ પ્રસાદી જમાડવામાં આવશે.
*શિક્ષણ મંત્રીએ પણ આપ્યો આવકાર: સોશિયલ મીડિયાના માધ્યમથી સેવા પ્રવૃત્તિને બિરદાવી*
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોરે પણ પોરબંદરના મનુભાઈ મોદી અને રણછોડભાઈ શિયાળ અને સ્વ.હીરાલાલભાઈ શિયાળ પરિવારની આ સેવા પ્રવૃત્તિને બિરદાવી છે. ડોક્ટર કુબેરભાઈ ડીંડોરે તેમના સોશિયલ મીડિયાના facebook એકાઉન્ટ પર ખાસ ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે પોરબંદર ખાતે શાળાકીય પ્રવાસે આવતા વિદ્યાર્થીઓ માટે શ્રી મનુભાઈ મોદી અને શ્રી સાગરભાઇ મોદી તથા રણછોડભાઈ શિયાળ પરિવાર દ્વારા જે વિનામૂલ્યે ભોજનની સગવડ પૂરી પાડવામાં આવે છે તે ખૂબ સરાહનીય છે તથા બાળકો માટે ત્યાગ સેવા અને સમર્પણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડે છે તે બદલ આ દાતાઓને ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવું છું તેમ જણાવીને ડોક્ટર કુબેરભાઈ ડીંડોરે પણ આ સેવા પ્રવૃત્તિને બિરદાવી છે.
*શાળા સંચાલકો દ્વારા પણ અપાયો આવકાર*
પોરબંદર ખાતે આવતી શાળાના બાળકો અને તેમના સંચાલકો સહિત પ્રિન્સિપાલો દ્વારા પણ આ પ્રવૃત્તિને આવકાર આપવામાં આવે છે અને તે અંગે લેખિતમાં તેઓ અભિનંદન પત્ર આપે છે. જેમાં પણ દાતા પરિવારની દિલેરી ને બિરદાવવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે તેમની શાળાના બાળકોને વિનામૂલ્યે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને તમામ બાળકોને ભાવથી જમાડવામાં આવેલ છે તે બદલ અમે આભાર માનીએ છીએ. બાળકોને ઈશ્વરનું સ્વરૂપ ગણીને જે ભાવથી ભોજન પીરસવામાં આવે છે તે બદલ અમે દાતાઓને અભિનંદન આપીએ છીએ. ભોજનની ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રસાદી સ્વરૂપે ભરપેટ ભોજન કરાવતા બાળકોનો અંતરાત્મા પ્રસન્ન થઈ ગયો છે અને સૌ નિમિત સ્વરૂપે ભગવાનની થાળી જમ્યા એવો ભાવ વ્યક્ત થયો છે. ભગવાન દ્વારકાધીશ ની કૃપા આપના પણ સતત વરસથી રહે ભોજન સાથે ભાવ અને પ્રસન્નતા થી કોઈ પણ પ્રકારના અભિમાન વિના આટલો આગ્રહ કરીને બાળકોને જમાડવું એ દ્રશ્યો જ અમારા માટે અવિસ્મરણીય છે. ભગવાન કાળીયા ઠાકોર ના આશીર્વાદ આપ પર વરસતા રહે અને આવા ઉત્તમ કાર્ય કરતા રહો તેવી ઈશ્વરના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. ભગવાન સોમનાથ મહાદેવની કૃપાથી આપ આવા સેવાના કામો વધુ પ્રગતિ સભર કરતા રહો તેવી શુભેચ્છા આપીએ છીએ. આ પુણ્ય કાર્ય નું ઋણ અમે ક્યારેય ચૂકવી શકીએ નહીં બંને સમય ઉત્તમ ભોજન ની વ્યવસ્થા કરવાની આપની કામગીરી પ્રશંશનીય છે. મનુભાઈ મોદી જેવા ઉત્સાહી પ્રેમાળ અને પ્રભુના સેવાકર્મીના આશીર્વાદ અમોને મળી રહ્યા છે એવું અહીં અનુભવાઈ રહ્યું છે. આપની વધુ પ્રગતિ થતી રહે તેવા અમારા વિદ્યાર્થીઓ અને વાલીગણ ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. આપ આવી સેવા પ્રવૃત્તિ કરતા રહો અને ઈશ્વર આપની ટીમને વધુ આયુષ્ય બક્ષે અને વધુ સેવા કાર્યો વેગવંતા બનાવો તેવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. અમારા માટે ભોજનની નિશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ જે સરાહનીય છે ભગવાન દ્વારકાધીશ આપને અને આપના પરિવારને દાન કરવાની વધુમાં વધુ શક્તિ આપે તેવી ભગવાનરૂપી બાળકો તરફથી અભ્યર્થના પાઠવીએ છીએ. પ્રસાદીની ગુણવત્તા સ્વાદ હંમેશા સરાહનીય રીતે યાદ રહેશે આવી સમાજ સેવાની ઉમદા માનવીય સિદ્ધિઓને સાર્થક કરી જાય છે અને સમાજના પથદર્શક તરીકે મનુભાઈ મોદી હર હંમેશ વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ. બધા જ બાળકો ભોજન કરીને સંપૂર્ણપણે તૃપ્ત થયા છે અને તેનો સંપૂર્ણ શ્રેય મનુભાઈ મોદી અને રણછોડભાઈ શિયાળ પરિવારને જાય છે. આપના દ્વારા થયેલી નિશુલ્ક ભોજન ની વ્યવસ્થા થી ગ્રામ્ય કક્ષાના બાળકોને ખૂબ જ મોટી આર્થિક બચત થઈ છે આપના ભોજનનો સ્વાદ વખાણી એટલો ઓછો છે અને પ્રવાસમાં બાળકોનો ખર્ચ બચી જાય છે તે બદલ અમે આપના ઋણી છીએ.
*રોકડીયા હનુમાન મંદિર ટ્રસ્ટનો માન્યો આભાર*
પોરબંદરના રોકડીયા હનુમાન મંદિર ખાતે એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર ભોજન સેવા યોજનાની સુવિધા ઉપલબ્ધ કરાવનાર રોકડીયા હનુમાન મંદિર ટ્રસ્ટના તમામ સભ્યો ઉપરાંત મંદિર ના પૂજારી અને સાધુગણ નો પણ મોદી અને શિયાળ પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.
*વ્યવસ્થા માટે અગાઉથી જાણ કરવા અપીલ*
હજુ પોરબંદર ના પ્રવાસે જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ આવી રહ્યા છે ત્યારે મનુભાઈ મોદી તથા સાગરભાઇ મોદી અને રણછોડભાઈ શિયાળે અપીલ કરતાં જણાવ્યું છે કે હજુ પણ પોરબંદરના પ્રવાસે આવતા વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નિશુલ્ક ભોજન ની વ્યવસ્થા પૂરી પાડવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે અને વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ દિવસ પહેલા તે અંગેની જાણ કરવામાં આવે તે ઇચ્છનીય છે તેના માટે મનુભાઈ મોદીના મોબાઈલ નંબર 98252 30384 હિતેશભાઈ કાગદી ના મોબાઈલ નંબર 98799 31631 તથા કાનાભાઈ ના મોબાઈલ નંબર 96246 42 031 ઉપર સંપર્ક સાધવા યાદી પાઠવવામાં આવી છે.
*ખીજડી પ્લોટ ઓટલા પરિવારના સભ્યોએ પણ આપી સેવા*
પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર ખાતે મનુભાઈ મોદી અને રણછોડભાઈ શિયાળ તથા મયુરભાઈ શિયાળ પરિવાર દ્વારા યોજવામાં આવી રહેલા ભોજનના સેવાય યજ્ઞમાં સેવાના ભાગરૂપે જોડાયેલા ખીજડી પ્લોટ ઓટલા પરિષદના સભ્યોનો પણ આભાર માનવામાં આવ્યો હતો. ખીચડી પ્લોટ ઓટલા પરિષદના વિનુભાઈ કારીયા, મનોજભાઈ શાંતિલાલ કારીયા, વિમલભાઈ લાખાણી હિતેશભાઈ કાગદી, સ્ટેશનરી વાળા અશોકભાઈ કક્કડ ભોજાભાઈ સામાણી, કાનાભાઈ જલારામ ફરસાણ વાળા બીપીનભાઈ માખેચા, રાકેશભાઈ માવાણી, રાજુભાઈ ઠકરાર, કિશોરભાઈ પોપટ, જય લાખાણી તથા ડાયમંડ ગ્રુપની ટીમે મનુભાઈ મોદી અને રણછોડભાઈ શિયાળ તથા મયુરભાઈ હીરાલાલ શિયાળ, હિરેનભાઈ હીરાલાલ શિયાળના માર્ગદર્શન નીચે સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું અને સેવા યજ્ઞમાં સહભાગી બન્યા હતા.
*બહેરા મૂંગા વિદ્યાર્થીઓએ આપ્યા મોદી અને શિયાળ પરિવારને અંતરના આશીર્વાદ*
પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર ખાતે બહેરા મૂંગાની શાળાના ૨૯૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા હતા તેઓએ પોતાની આગવી શૈલીમાં મનુભાઈ મોદી રણછોડભાઈ શિયાળ મયુરભાઈ હીરાલાલ શિયાળ તથા હિરેનભાઈ હીરાલાલ શિયાળ સહિત મોદી પરિવાર અને શિયાળ પરિવારનો ખુબ ખુબ આભાર માન્યો હતો એટલું જ નહીં પરંતુ મનુભાઈ મોદીએ ગડુ સોમનાથ હાઇવે પર આવેલી હોટલ માધવ ખાતે રાત્રી ભોજનની પણ તેમની વ્યવસ્થા કરી આપી હતી આથી શાળા સંચાલકો સહિત બ બહેરા મૂંગા વિદ્યાર્થીઓએ આ બંને પરિવારને અંતરના આશિષ આપ્યા હતા.