પોરબંદરમાં ઓન રેકોર્ડ 5408 બેરોજગારો, ઓફ ધ રેકોર્ડ 50,000 થી વધુ!

યુવા પેઢીને નોકરી આપવામાં રાજ્ય સરકાર સદંતર ગઈ છે નિષ્ફળ: કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની ઝાટકણી કાઢીને થઈ રજૂઆત
પોરબંદરમાં વેપાર નાના મોટા ઉદ્યોગો અને મત્સ્ય ઉદ્યોગ વગેરે તો મંદીમાં ચાલે જ છે ત્યારે હવે અધૂરામાં પૂરું બેરોજગારી એટલી હદે વધી છે કે યુવાનોને નોકરી માટે જ્યાં ત્યાં ફાફા મારવા પડે છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ અંગે સરકારની બેદરકારી સિદ્ધ થઈ હોવાનું જણાવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા એ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાજપના રાજમાં ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ સતત વધ્યું છે. છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં યુવા પેઢીને સરકારી નોકરી મળતી નથી અને ભરતી ના કેલેન્ડરો કાગળ ઉપર જ હોય તેવું જણાઈ રહ્યું છે. માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવામાં આવે છે અને તેમાં યુવા પેઢીનું ભરપુર શોષણ થઈ રહ્યું છે.
તેમણે વધુમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે વાઈબ્રન્ટ ગુજરાતમાં શિક્ષિત યુવા પેઢીને રોજગારી માટે ફાફા મારવા પડે છે પોરબંદરમાં આમ પણ વેપાર ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે ત્યારે હવે અધૂરામાં પૂરું સરકારી નોકરીઓમાં પણ મોટા ભાગે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવામાં આવતી હોવાથી યુવા પેઢી નિરાશ થઈ છે.
ગુજરાતમાં નોંધાયેલા બેરોજગારો માં પોરબંદર જિલ્લામાં ઓન પેપર 5408 બેરોજગારો નોંધાયેલા છે પરંતુ રામદેવભાઈ મોઢવાડિયા જણાવ્યું હતું કે અંદાજે 50000 જેટલા બેરોજગારો નોકરીની શોધમાં જ્યાં ત્યાં ફાફા મારી રહ્યા છે અને પોતાનું શોષણ થાય એટલી હદે ના છૂટકે નાની મોટી દુકાનો ઓફિસો વગેરેમાં મજબૂરી વશ કામ કરી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પણ પોરબંદરમાં નોકરી મળતી નથી અને રોજગારી ક્ષેત્રે પોરબંદરમાં સાવ મીંડું હોય તેવી અનુભૂતિ થઈ રહી છે બી.એડ અને જેવો ઉચ્ચ અભ્યાસ કરીને લાખો રૂપિયાના ખર્ચે શિક્ષક અને પ્રોફેસર બનવા માટે પ્રયત્નો કરનારા યુવક યુવતીઓને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ સાત હજાર રૂપિયા ના પગારે નોકરીમાં રહેવું પડે છે તેના કરતાં તો જે તે શાળાના આઠ પાસ બસ ડ્રાઇવર કે પટાવાળા નો પણ પગાર વધુ હોય છે મોટાભાગની સંસ્થાઓમાં તેઓનું શોષણ થતું હોવાની સ્પષ્ટપણે અનુભૂતિ થતી હોય છે તો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ પણ એવું જણાવતા હોય છે કે તેમને પૂરતો પગાર મળતો નથી અને વધુ કલાકો કામ કરાવવામાં આવે છે.
ત્યારે રામદેવભાઈ મોઢવાડિયા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારે કોન્ટ્રાક્ટ બેઝ નોકરીની પ્રથા બંધ કરવી જોઈએ અને કાયમી ધોરણે નોકરી આપવી જોઈએ એટલું જ નહીં પરંતુ પોરબંદર જેવા દરિયાઈ પટ્ટી પર આવેલા શહેરમાં મત્સોદ્યોગને લગતા કોર્સની અભ્યાસક્રમની સુવિધા ઉપલબ્ધ કરાવી જોઈએ અને તેના અભ્યાસક્રમ બાદ સાગર પુત્રોને સ્થાનિક કક્ષાએ જ નોકરી મળે તે માટેની વ્યવસ્થા કરી આપવી જોઈએ મરીન એન્જિનિયરિંગ સહિત દરિયાઈ પટ્ટી પર સંકળાયેલા મત્સોદ્યોગને લગતા ઉદ્યોગોમાં રોજગારી મળે તે માટે સરકારે વધુ પ્રયત્નશીલ બનવું જોઈએ તેવી માંગણી રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવી છે.
