પોલીસ અને JCIના દ્વારા માર્ગ સલામતી માસનું સમાપન
એક મહિના સુધી ટ્રાફિક જાગૃતિ માટે કાર્યક્રમો યોજાયા
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
માર્ગ અકસ્માતોનું વધતું પ્રમાણ ચિંતા અને ચિંતનનો વિષય
પોરબંદર જિલ્લા પોલીસ અને જેસીઆઇ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. તા.15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આ ઉજવણી દરમિયાન જિલ્લાભરમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમોના માધ્યમથી લોકોમાં માર્ગ સલામતી બાબતે જન જાગૃતિ લાવવા જેસીઆઇ પોરબંદર અને જિલ્લા પોલીસ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
■ એક મહિના સુધી કાર્યક્રમોની હારમાળા સર્જાય :
પોરબંદર પોલીસ અને જેસીઆઇ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આખા મહિના દરમિયાન અનેક સંસ્થાઓને સાથે રાખી માર્ગ સલામતી બાબતે માર્ગદર્શન સેમિનાર, વેબીનાર, પ્રાથમિક સારવારની તાલીમો, ડ્રાઇવરો માટે નેત્ર નિદાન કેમ્પો, આદર્શ વાહન ચાલકોના સન્માનો, શાળા કોલેજોમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો, હેલ્મેટ રેલી અને વોકાથોન, ટ્રાફિક જાગૃતિ માટે શાળા કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ, વાલી સંમેલન અને યુવા સંવાદો, ફોટો પ્રદર્શન, પત્રિકા સ્ટીકર સહિત પ્રચાર સાહિત્ય વિતરણ, વ્યસન મુક્તિ અભિયાન જેવા અનેક કાર્યક્રમોના માધ્યમથી એક મહિનામાં 7000 જેટલા લોકોનો વ્યક્તિગત સંપર્ક કરીને માર્ગ સલામતી માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
■ JCI અને ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી :
છેલ્લા સાત વર્ષથી દર વર્ષે માર્ગ સમામતી માસની ઉજવણીમાં જેસીઆઇ પોરબંદર દ્વારા સહયોગી સંસ્થા તરીકે જોડાઈને જુદાજુદા કાર્યક્રમોના માધ્યમથી આખા મહિનાનું સુંદર આયોજન કરવા બદલ જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી, પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા સહિત અધિકારીઓએ ટ્રાફિક પોલીસની ટીમ તથા જેસીઆઇ પોરબંદરની સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી પોરબંદર પોલીસને આપેલ સહકાર બદલ આભાર માન્યો હતો.
■ સામાજિક સંસ્થાઓનું સન્માન :
પોરબંદર પોલીસ અને જેસીઆઇ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આયોજિત માર્ગ સલામતી માસની ઉજવણીમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજીને સહકાર આપનાર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, લાયન્સ કલબ, ડિસ્ટ્રીકટ ચેમ્બર, સ્વસ્તિક ગૃપ વગેરે સંસ્થાઓનું જેસીઆઇ અને પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
માર્ગ સલામતી માસના સમાપન સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા, જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ પદુભાઈ રાયચુરા, અનિલભાઈ કારીયા વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. માર્ગ સલામતી માસની ઉજવણી કાર્યક્રમને સફળ બનાવવા ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, પીએસઆઇ કે.એન.અઘેરા, જેસીઆઇ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણિયા, પ્રમુખ આકાશ ગોંદીયા, સેક્રેટરી રાધેશ દાસાણી, જેસીઆઇ પોરબંદરની સમગ્ર ટીમ અને ટ્રાફિક પોલીસના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મિલન પાણખાણીયાએ કર્યું હતું.