ભાવસિંહજી હોસ્પિટલના કેઝયુલ્ટી વિભાગમાં રાત્રે દાખલ થતા દર્દીઓને અનુભવી ડોકટરો સમયસર સારવાર આપે તે જરૂરી
મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા જુનિયર ડોકટરની કક્ષાએથી જ ઓફિસ અવર બાદ સારવાર અપાતી હોવાથી ભોગ બનનારને રહી જાય છે અન્ય શારીરિક ક્ષતિઓઃ કોંગ્રેસ દ્વારા ડીનને થઇ વિસ્તૃત રજૂઆત
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ગંભીર અકસ્માત સહિત હૃદયરોગનો હુમલો વગેરે જેવી ઇમરજન્સી સારવાર માટે દર્દીઓને ઓફિસ અવર બાદ રાત્રિના સમયે લાવવામાં આવે છે ત્યારે આવા દર્દીઓને કેઝયુલ્ટી વોર્ડમાં જુનીયર કક્ષાના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવે છે તેનાથી ઘણીવખત દર્દીઓનો જીવ જોખમમાં મુકાઈ શકે છે તેમ જણાવી કોંગ્રેસ દ્વારા આ મુદે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.
પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાએ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજના ડીનને કરેલી વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રાત્રે ઓફિસ અવર બાદ કેઝયુલ્ટી વોર્ડમાં દાખલ થતા હેડ ઇન્જરીવાળા, ગંભીર ફ્રેકચરવાળા અને હૃદયરોગનો હુમલો આવ્યો હોય તેવા ઉપરાંત પેરાલીસીસ સહિત ઇમરજન્સી સારવારવાળા દર્દીઓને જુનીયર રેસીડેન્ટ ડોકટરો કે જે મેડિકલ કોલેજમાં હાલ અભ્યાસ કરી રહ્યા છે તેમની કક્ષાએથી સારવાર આપીને ઓફિસ અવર પછીના સમયમાં સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેવું અવારનવાર હોસ્પિટલમાં જોવા મળ્યું છે અને આ બાબત દર્દીના જીવને ઘણીવખત જોખમમાં મુકી શકે તેવી પૂરેપૂરી શકયતા છે.
રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે કે મોટાભાગે સીનીયર રેસીડેન્ટ ડોકટર અથવા તો આસીસ્ટન્ટ પ્રોફેસર બીજા દિવસે ઓફિસ અવર દરમિયાન પોતાના સમયે રાઉન્ડ લેતા હોય છે. રાત્રિના સમયે ઇમરજન્સી માં કોઈને લાવવામાં આવે ત્યારે તેઓ હાજર હોતા નથી. તેઓ જુનિયર રેસીડેન્ટ ડોકટરો કરતા સ્વભાવિક રીતે જ વધારે અનુભવી હોય છે પરંતુ જે.આર. કક્ષાએથી સારવારના પ્રોટોકોલનો નિર્ણય લેવામાં આવતો હોય છે જેના કારણે દર્દીઓનો જીવ જોખમમાં મુકાઇ જતો હોય છે. દર્દીઓના લાઇફસ્પાનમાં અને બીજી શારીરિક ક્ષતિઓ સર્જવામાં તે કારણભૂત બની શકે છે અને આ બાબત ખૂબજ ગંભીર છે તેમ જણાવીને તેઓએ ઉમેર્યુ છે કે અમુક કેસમાં ખુદ રામદેવભાઇ મોઢવાડીયા આ પ્રકારના બનાવ વખતે રાત્રિના સમયે દર્દીને લાવવામાં આવે ત્યારે પ્રત્યક્ષ દર્શી સાક્ષી બન્યા છે અને નજરોનજર નીહાળ્યું છે કે ઘણીવખત દર્દીઓને ખૂબજ ગંભીર પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે તેથી આ બાબતને મેડિકલ કોલેજના ડીન ઉપરાંત ભાવસિંહજી હોસ્પિટલના સી.ડી.એમ.ઓ. કમ સુપ્રી. તાત્કાલિક ધોરણે નિર્ણય લે અને હોસ્પિટના કેઝયુલ્ટી વિભાગમાં દાખલ થતા દર્દીઓને સીનીયર રેસીડેન્ટ ડોકટરની કક્ષાએથી અથવા આસીસ્ટન્ટ પ્રોફેસરની કક્ષાએથી રાત્રિના સમયે પણ સમયસર ઓબ્ઝર્વ કરવામાં આવે તેવી મારી માંગ છે તેમ પત્રના અંતે રામદેવભાઈ મોઢવાડીયાએ જણાવ્યું છે.