પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ભાવપત્રક, વિવિધ ખર્ચની વિગત રાખી- ઉમેદવારી ફોર્મ ભરે તે દિવસથી અલગ ખાતું ખોલાવી તેમાંથી ખર્ચાઓ કરવા અનુરોધ કરાયો
પોરબંદર, તા.૨૦,લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકાઈ છે. પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી. લાખાણીના અધ્યક્ષસ્થાને વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીમાં થનાર ખર્ચના ભાવપત્રક અને તેના વિવિધ ખર્ચની કાર્યવિધિ અંગે ચર્ચા કરવા બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરશ્રી કે.ડી. લાખાણીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ઉમેદવારી ફોર્મ ભરે તે દિવસથી જ આ માટેનું અલગ ખાતું ખોલાવી તેમાંથી જ તેમના વિવિધ ખર્ચાઓ કરવા અને તેમની જાળવણી માટે વિશેષ કાળજી લેવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને લોકસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવતા ખર્ચના હિસાબો માટે ચૂંટણી પંચની સૂચના મુજબ ટેબલ-ખુરશી, માઈક્રોફોન, હોલ અને રેલી સહિતની વિવિધ ચીજ વસ્તુઓના નક્કી કરવામાં આવેલા ભાવ વિશે માહિતી અપાઇ હતી. અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ માટેનું વિવિધ વસ્તુઓના ભાવ નિર્ધારણ અંગેનું પત્રક તથા તે નિભાવવા માટેની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજકીય પક્ષોને આદર્શ આચાર સંહિતા સંબંધિત માહિતી અને ખર્ચ મર્યાદા, ડિપોઝીટ સહિતની વિગતો આ બેઠકમાં આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓના સૂચનો અને રજૂઆતોને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સાંભળ્યા હતાં. કલેક્ટરશ્રી કે.ડી. લાખાણીએ જણાવ્યું હતું કે, ઉમેદવાર ચૂંટણીપંચે નક્કી કરેલ ખર્ચની મર્યાદામાં ખર્ચ કરી શકશે. ઉમેદવારોના ખર્ચની મર્યાદા અને ખર્ચ પર દેખરેખ રાખવા માટે જિલ્લાકક્ષાએ ખર્ચ ઓબ્ઝર્વર તથા ટીમની નિમણૂક કરવામાં આવી છે.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને રાજકીય પક્ષોએ શું કાળજી રાખવી જોઈએ અને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
રાજકીય પક્ષો દ્વારા પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં થતા પ્રચાર-પ્રસાર બાબતે જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી પાસેથી તેનું પ્રમાણીકરણ કરાવીને જ જાહેરાત કરવાની રહેશે. તેની વિગતો બેઠકમાં સહાયક માહિતી નિયામક દ્વારા આપવામાં આવી હતી.
આ બેઠકમાં વિવિઘ પક્ષો ના પ્રતિનિધિઓ, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર, જિલ્લા પોલીસ વડા ભગીરસિંહ જાડેજા, આચાર સહિતા નોડલ અધિકારી રેખાબા સરવૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હિરલ દેસાઈ, સહાયક માહિતી નિયામક નરેશ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
