પોરબંદર જિલ્લામાં એફએસટીની ૧૨ ટીમની રચના કરી કાર્યરત કરાઇ
પોરબંદર લોકસભા સામાન્ય ચુંટણી -૨૦૨૪
૧૮ જેટલી એસએસટીની ટીમ તા. ૧૨ એપ્રિલથી નાકાબંધી સાથે ચૂંટણી પ્રચાર પર નજર રાખશે
વિવિધ નાકા-ચેક પોસ્ટ પર વાહનોનું ચેકિંગ સઘન બનાવાશે
પોરબંદર, તા.૦૫, પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ નું મતદાન તારીખ ૭ મેના રોજ છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત જિલ્લામાં આ લોકશાહીના મહાપર્વની ઉજવણીના આયોજન માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે.
પોરબંદર જિલ્લામાં લોકશાહીના આ મહાપર્વની ઉજવણી ચૂંટણી પંચના નિયમ મુજબ થાય અને કોઈ અઇચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
નિષ્પક્ષ અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયા માટે ખાસ કરીને જાહેર રાજકીય ગતિવિધિ પ્રચાર અને ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચ પર દેખરેખ રાખવા, ગેર કાયદેસરની ચીજ વસ્તુઓની હેરફેર પર નિયંત્રણ રાખવા વિવિધ ટીમો બનાવવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે. ડી. લાખાણીના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની તમામ તૈયારીઓ હાથ ધરાઇ છે. ખાસ કરીને પોરબંદર જિલ્લામાં ગત તા. ૧૬ માર્ચથી એફએસટી(ફ્લાઈગ સ્કવોર્ડ ટીમ) ૧૨ ટીમોની રચના કરવામાં આવી છે. એક ટીમ લીડર અને ત્રણ પોલીસ કર્મચારી સહિત વિડીયોગ્રાફરની ટીમો તૈનાત કરવામાં આવી છે. એફએસટીની ટીમો દ્વારા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાને લઈને વોચ રાખવામાં આવી રહી છે. કોઈ રાજકીય પક્ષો- ઉમેદવારો દ્વારા આચારસંહિતાનો ભંગ ન થાય અને લોકો માટે કોઈ અનઅધિકૃત વસ્તુઓની હેરાફેરી થતી અટકાવવા દેખરેખ રાખવામાં આવી રહી છે. એફએસટીની ટીમ હાલ આદર્શ આચાર સંહિતા ના અમલીકરણ માટે વિવિધ ગતિવિધિ ઉપર વોચ રાખી રહી છે. સ્ટેટીક સર્વેલેન્સ ટીમ એટલે કે એસએસટીની ટીમને પણ કાર્યરત કરવામાં આવશે. ૧૮ જેટલી એસએસટીની ટીમ તા. ૧૨ એપ્રિલથી કાર્યરત કરી દેવામાં આવશે. એસએસટીની એક ટીમમાં એક ટીમ લીડર અને ત્રણ પોલીસ કર્મચારી સહિત એક વિડીયોગ્રાફર તૈનાત કરવામાં આવશે. આમ એફએસટીની ટીમમાં ૬૦ કર્મચારીઓ અને એસએસટીની ટીમમાં ૯૦ કર્મચારીઓ જોડાઈ ગતિવિધિઓ ઉપર નજર રાખશે.