સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન
એજન્સી, દિલ્હી
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન આપ્યું. આ દરમિયાન તેમણે કૃષિ કાયદા અંગે ઉલ્લેખ કર્યો. સાથે જ તેમણે તાળી-થાળી અંગેના વિરોધનો જવાબ આપ્યો, સાથે જ કોરોનાકાળનો પણ ઉલ્લેખ પોતાની સ્પીચમાં કર્યો. ઉપરાંત તેમણે વિપક્ષને પણ જવાબ આપ્યો હતો.
પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યસભામાં ચર્ચા દરમિયાન મને ઘણું બધું કહ્યું, પણ મને ખોટું નથી લાગ્યું. મને ખબર છે લોકડાઉનનો ગુસ્સો તમે અહીં કાઢ્યો છે. આનાથી તમારું મન પણ હળવું થઇ ગયું હશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી મોદી છે આનો પણ મોકો લેતાં રહો.
કૃષિ કાયદા અંગે પીએમ મોદીએ કહ્યું કે, કૃષિ સુધાર હંમેશા પાછલી સરકારો માટે પણ પ્રાથમિકતા રહી છે. તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી અને ચૌધરી ચરણ સિંહનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, ખેડૂતોએ તેમનું આંદોલન પાછું લેવું જોઇએ. કોઇ કાયદો છેલ્લો નથી. તેમાં સુધારાની વ્યાપક શક્યતા હોય છે.
સાથે જ તેમણે કહ્યું કે, મનમોહન સિંહે ખેડૂતોને ઉપજ વેચવાની આઝાદી અપાવવા, ભારતને એક કૃષિ બજાર અપાવવાના સંબંધમાં પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો અને તે કામ અમે કરી રહ્યાં છે. તમને ગર્વ થવો જોઇએ કે મનમોહન સિંહે કહ્યું હતું તે મોદીને કરવું પડી રહ્યું છે.
કોરોનાકાળનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, કોરોનાકાળમાં દુનિયામાં લોકો રોકાણ માટે તરસી રહ્યાં છે પરંતુ ભારતમાં રેકોર્ડ રોકાણ થઇ રહ્યું છે. હકીકત બતાવી રહી છે કે, અનેક દેશોની આર્થિક સ્થિતિ ડગમગ છે, જ્યારે ભારત ડબલ ડિઝિટ ગ્રોથનું અનુમાન લગાવી રહ્યું છે.
કિસાન ઉડાન દ્વારા નોર્થ ઇસ્ટની સારી-સારી વસ્તુઓ જે ટાન્સપોર્ટ સિસ્ટમના અભાવે ત્યાંનો ખેડૂત લાભ નહોતો લઇ શકતો, આજે તેને કિસાન ઉડાન યોજનાનો લાભ મળી રહ્યો છે. પ્રથમ વખત અમે ખેડૂત કિસાન રેલની કલ્પના કરી. આજે ગામનો નાનો ખેડૂત રેલના માધ્યમથી મુંબઇના બજારમાં પોતાનું સામાન વેચવા લાગ્યો, આનાથી નાના ખેડૂતોને લાભ થઇ રહ્યો છે.
ઉપરાંત પીએમ મોદીએ તાળી-થાળીની મજાકનો જવાબ આપતાં કહ્યું કે, વિપક્ષ એવી વાતોમાં ના ગૂંચવાય, જેનાથી દેશના મનોબળને ઠેસ પહોંચે. ટીકા ઠીક છે, પરંતુ એવું કંઇ ન થવું જોઇએ કે જેનાથી દેશનો આત્મવિશ્વાસ પ્રભાવિત થાય. કોરોના વોરિયર્સનું સન્માન કરવું જોઇએ.