પોરબંદર નવયુગ વિદ્યાલયના નવીનિકરણ બાદ જૂની દેશી રમતોનો બાળ ઉત્સવ યોજાયો

શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા સમર કેમ્પનું આયોજન થતા ૬ વર્ષથી ૧૫ વર્ષની વયના આશરે ૨૫૦ બાળકોએ ભાગ લીધો
કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, નાગેલીયો વગેરે રમતો યોજી બાળકોના શારીરિક અને સર્વાંગી ઘડતર કરવાનો પ્રયાસ થયો
પોરબંદર, તા. ૨૪ : પોરબંદર નવયુગ વિદ્યાલયના નવીનિકરણ બાદ જૂની દેશી રમતોનો બાળ ઉત્સવ યોજાયો હતો. દેશ વિદેશમાં વસતા નવયુગ વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આપેલ યોગદાનથી શહેરની જૂની અને ઐતિહાસિક ઈમારત ધરાવતી નવયુગ વિદ્યાલયનું તાજેતરમાં નવીનીકરણ થયું છે. શાળાના નવા મકાન અને રમતગમતના મેદાનનો ઉપયોગ કરીને શ્રી રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ૬ વર્ષથી ૧૫ વર્ષની વયના આશરે ૨૫૦ જેટલા બાળકોને જૂદી જૂદી દેશી રમતો રમી હતી. કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ, નાગેલીયો વગેરે રમાડીને બાળકોનું શારીરિક અને સર્વાંગી ઘડતર કરવામાં આવી રહયું છે. જૂના વિદ્યાર્થી દાતાઓના યોગદાન દ્વારા બનેલા શાળાના મકાનનો ઉપયોગ બાળકોના સર્વાંગી વિકાસ માટે થઈ રહયો છે. અહીં શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આયોજિત વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકોને શાળાના સંચાલક મંડળ અને શાળાના આચાર્યએ પણ શુભેચ્છા પાઠવી હતી.
