પોરબંદરમાં મિશન ટેન થાઉઝન્ડ પ્લસ ટ્રી પ્રોજેક્ટનો શુભારંભ

સ્વજનો માટે કોરોનામાં ઓક્સિજન શોધતા ત્યારે આપણને વૃક્ષોનું વિશેષ મહત્વ સમજાયું : કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા
૦૦
પોરબંદરને હરિયાળુ પોરબંદર, ગ્રીન પોરબંદર બનાવવાના અભિયાનને બિરદાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા
પોરબંદર, તા. ૦૬ :
પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી અને સિંચાઈ તથા પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયા તેમજ વન પર્યાવરણ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પોરબંદરના પર્યાવરણ લક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરાઇ હતી. સુરખાબી નગરી સુદામાપૂરીને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા, પાયોનીયર ક્લબ તથા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સૌજન્યથી હરિયાળુ બનાવવાના ૧૦ હજાર થી વધુ વૃક્ષોના વાવેતરનો શુભારંભ રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યો હતો.
ગાંધી સુદામાની નગરી એવા પોરબંદર શહેરને લીલુછમ્મ બનાવવાના ભાગરૂપે”મિશન ટેન થાઉઝન્ડ પ્લસ ટ્રી”નો સંકલ્પ પોરબંદર વાસીઓએ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા છાયાની શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળિયાએ
વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જ્યારે કોરોનાના સમયમાં સ્વજનોના જીવ બચાવવા માટે ઓક્સિજન શોધતા થયા ત્યારે આપણે વૃક્ષોનું વિશેષ મહત્વ સમજાયું છે. તેના આપણે સૌ સાક્ષી હોવાનું જણાવી પર્યાવરણને સંતુલિત કરવા વૃક્ષો વાવી તેનું જતન અને ઉછેર કરવાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો. તેમજ આગામી દિવસોમાં પોરબંદરની ધરતી હરિયાળી બને તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ વૃક્ષોનું મહત્વ પોરબંદર વાસીઓને સમજાવ્યું હતું. અને પોરબંદરને હરિયાળુ પોરબંદર, ગ્રીન પોરબંદર બનાવવાના આ અભિ યાનને બિરદાવ્યું હતું. તેમજ રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવાની ટીમને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમમાં પોરબંદરના વૈષ્ણવાચાર્ય પૂ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજ, છાયા સ્વામિનારાયણ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી પૂજ્ય ભાનુપ્રકાશદાસજી, ધારાસભ્ય અર્જુન ભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, નગર પાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
