કડછ ગામના યુવાનનો મૃતદેહ રોડ પર પાણી હોવાથી હોડીમાં વતન લવાયો
પોરબંદર, તા, ૨૧ : માધવપુર નજીક આવેલ કડછ ગામના યુવાનનું રાજકોટમા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા તેનાં મૃતદેહને વતન લાવવામાં આવ્યો હતો. પરંતુ વરસાદી પાણીના ભરાવાના કારણે રોડ સંપૂર્ણપણે બંધ હોવાથી તેમના ઘરે મૃતદેહને પહોંચાડવો ખૂબ મુશ્કેલ કામ હતું. ત્યારે કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી આર.પી.મકવાણા અને પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં મૃતદેહને હોડીમાં તેમના ઘરે પહોચાડવામાં આવ્યો હતો.
કડછ ગામના દલિત પરિવારના પરેશભાઈ એભાભાઇ વાઘેલા, (ઉં.વ.20),નું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મુત્યું થયું હતું. ત્યાંથી તેમનાં મૃતદેહને એબ્યુલન્સમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ મોચા થી કડછ જતો રસ્તો વરસાદી પાણીના ભરાવાના કારણે બંધ હોવાથી મૃતદેહને તેમનાં ધરે પહોંચાડવો ખૂબ મુશ્કેલી ભર્યું કામ હતું. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને સૂચના અનુસાર તાલુકા વિકાસ અધિકારી આર.પી.મકવાણા, પોલીસ અધિકારી દ્વારા એન.ડી.આર.એફ.ટીમની સાથે માછીમાર સમાજના આગેવાનો હોડી મારફતે મૃતદેહને કડછ ગામે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યો હતો.
