પોરબંદરના જવાહર નવોદય વિદ્યાલયમાં રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાનો શુભારંભ
આજે બીજીથી આઠ સપ્ટેમ્બર સુધી યોજાનાર ટેબલ ટેનિસ સ્પર્ધામાં દેશભરના વિવિધ રાજ્યના જવાહર નવોદય વિદ્યાલયના સ્પર્ધકો ભાગ લેશે
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો
પોરબંદર, તા. ૦૨,
પોરબંદર શહેરમાં આવેલા પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં આજે તારીખ બીજીથી આઠ સપ્ટેમ્બર સુધી ટેબલ ટેનિસ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી એસ.ડી. ધાનાણી અને ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આ સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો.
પોરબંદરમાં પી.એમ.શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલયમાં રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજવામાં આવી છે. જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી સ્પર્ધાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ દેશના વિવિધ રાજ્યમાંથી પધારેલ જવાહર નવોદય વિદ્યાલયના સ્પર્ધકોને આવકાર્યા હતા અને તેઓએ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિવિધ સ્પર્ધાના મહત્વ અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું. સ્પર્ધાના શુભારંભ પ્રસંગે રાજસ્થાનના ઘૂમ્મર નૃત્ય અને મહેર સમાજના મણીયારો રાસ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર તથા ધારાસભ્યએ વિવિધ રાજ્યના સ્પર્ધકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
આજે બીજી સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય ટેબલ ટેનિસ સ્પર્ધાનો શુભારંભ જવાહર નવોદય વિદ્યાલય ખાતે થયો છે અને આ સ્પર્ધા આગામી ૮ સપ્ટેમ્બર સુધી યોજાનાર છે. જેમાં અલગ-અલગ રાજ્યના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે.