મગફળીના પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા ઉતારા અને ઉતારા પછી લેવાના થતા પગલાં અંગે માર્ગદર્શન અપાયું

પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને વધુ જાણકારી માટે સંપર્ક કરવા અનુરોધ કરાયો

પોરબંદર, તા. ૫

પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા મગફળીના પાકમાં આફલાટોક્સીનનો ઉપદ્રવ અટકાવવા ઉતારા અને ઉતારા પછી લેવાના પગલાં અંગે માર્ગદર્શન અપાયું છે.
દાતા વડે ડોડવાને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું,
ડોડવા સાથેના આખા છોડને વ્યવસ્થિત તડકે સુકવવા, જ્યાં સુધી છોડ, પાંદડા, સુયા બટકણા થાય ત્યાં સુધી સુકવવા,
અપૂર્ણ વિકસિત ડોડવાને તોડી અલગ રાખવા તેને સારા વિકસિત ડોડવા સાથે ન ભેળવવા, જો ઓપનેરનો ઉપયોગ કરતા હોય તો યોગ્ય કાણાવાળી જાળી રાખવી, યાંત્રિક નુકસાન વાળા અને જીવાતવાળા ડોડવા અલગ રાખવા જણાવાયું છે.
૮% ભેજ રહે ત્યાં સુધી મગફળીને સુકવવી,
મગફળીને સારી, ચોખ્ખી, પૂરતા હવા-ઉજાસવાળી જગ્યામાં પ્લાસ્ટિક અથવા કંતાનની બેગમાં સંગ્રહ કરવો,
ઘણી વખત એસ્પરજિલસ ફ્લેવસનો ચેપ કીટકો દ્વારા પણ લાગે છે આવા સમયે કીટકનાશક દવાનો છંટકાવ કરી તેનો ફેલાવો અટકાવી શકાય.
ઉતારા પછી તરત જ પ્રોપીયોનીક એસીડ ૫% અથવા સોર્બીક એસીડ (૦.૧%), ક્લોરોથેલોનીલ (૦.૧૫%) અથવા ૧% સોડીયમ બાયસલ્ફાઈડ (૦.૭૫% સોડીયમ હાઇડ્રોક્સાઈડ)નો છંટકાવ ડોડવા પર કરી ફૂગના ઉપદ્રવથી બચાવી શકાય. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવ્યું છે.
પોરબંદર જિલ્લાના ખેડૂતોને આ અંગેની વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!