પોરબંદર આઈ.ટી.આઈ ખાતે ભરતી મેળો યોજાયો

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આયોજિત ભરતી મેળામાં ૫૪ રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરાઈ
પોરબંદર, તા.૨૧: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર દ્વારા તારીખ તારીખ ૨૦/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧ કલાકે, આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઓદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો.
આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના ૧૦૦૦થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૭૬ ઉમેદવારો હાજર રહેલ હતા.આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા આધાર હાઉસિંગ ફાઈનાન્સ, વાસ્તુશિલ્પ સોલાર, મિત્રા મરિન વર્ક્સ તથા મહિંદ્રા સી.આઈ.ઈ ઓટોમોટિવ,રાજકોટ અને ટાટા મોટર્સ, અમદાવાદના નોકરીદાતા પ્રતિનિધિ હાજર રહેલ હતા. વિશેષમાં એમ.આર.એફ ટાયર્સ,દહેજના નોકરીદાતા દ્વારા ગુગલ મિટના માધ્યમ થી ઈન્ટરવ્યુંનુ આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં હાજર રહેલ ૭૬ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૫૪ રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવેલ હતી, અને તેમને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.
તદઉપરાંત રોજગાર કચેરીનાં કાઉન્સેલરઓ દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં બહોળી સંખ્યામાં ઉમેદવારોએ લાભ લીધો હતો.
