તલાટી કમ મંત્રી પરીક્ષા માટે પોરબંદર ડેપોને ₹89,988 ની સર્વોચ્ચ આવક
તલાટી કમ મંત્રી પરીક્ષા માટે પોરબંદર ડેપો દ્વારા રાજકોટ સુધી 4 બસોની વ્યવસ્થા ,418 પરીક્ષાર્થીઓએ કરી મુસાફરી, ડેપોને ₹89,988 ની સર્વોચ્ચ આવક
તારીખ 14-09-2025 ના રોજ યોજાયેલી તલાટી કમ મંત્રી પરીક્ષા માટે પોરબંદર જિલ્લાના પરીક્ષાર્થીઓને રાજકોટ કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓને કોઇપણ જાતની હાલાકી ન પડે તે માટે પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા કુલ 4 બસોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
પોરબંદર એસ.ટી. સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણીના જણાવ્યા મુજબ તેઓ સવારે 05:00 વાગ્યે જાતે જ બસ સ્ટેશન પર હાજર રહી પરીક્ષાર્થીઓને બસ નંબર તથા સીટ નંબરની વિગતવાર માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ આગળના સ્ટોપ પરથી આવનાર પરીક્ષાર્થીઓને ફોન દ્વારા પણ જરૂરી માહિતી આપવામાં આવી હતી. બસ સ્ટેન્ડની માઇક સિસ્ટમ મારફતે તમામ પરીક્ષાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી અને સવારે 05:30 થી 06:30 વચ્ચે ચારેય બસો નિર્વિઘ્ને રાજકોટ તરફ રવાના કરવામાં આવી હતી.
પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત મુસાફરીમાં પણ પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તમામ ચાર બસોને રાજકોટ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. ખાસ તકેદારી રાખી કોઇ પણ પરીક્ષાર્થીની બસ ચુકાઈ ન જાય તેની ખાતરી એસ.ટી. સ્ટેન્ડ ઇન્ચાર્જ રૂઘાણી દ્વારા મોનિટરિંગ હેઠળ કરવામાં આવી હતી.
આ પરીક્ષા માટે પોરબંદર જિલ્લાના કુલ 418 પરીક્ષાર્થીઓએ આ એક્સ્ટ્રા બસોમાં મુસાફરી કરી હતી. પોરબંદર ડેપોને આ વ્યવસ્થાથી કુલ ₹89,988 ની આવક થઈ હતી, જે જુનાગઢ વિભાગના કુલ 9 ડેપોમાંથી સર્વોચ્ચ આવક ગણાય છે.
આ આયોજનબદ્ધ અને ટીમવર્કથી પાર પાડવામાં આવેલા સંચાલન બદલ પોરબંદર ડેપોની ટીમને જુનાગઢ વિભાગીય એમ.બી. રાવલ, વિભાગીય પરિવહન અધિકારી એચ. આર. ખાંભલા તથા પોરબંદર ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


