નવરંગ સંસ્થા દ્વારા પ્રભાતિયાંનો કાર્યક્રમ યોજાયો
◆◆◆◆◆◆◆◆◆
વહેલી સવારે સમુદ્ર કિનારે સંગીતના સૂરો રેલાયા


નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન પોરબંદર દ્વારા આપણી વિસરાતી જતી સંસ્કૃતિના જતન માટે વહેલી સવારે 6:30 વાગ્યે ચોપાટી ખાતે દરિયા કિનારે પ્રભાતિયાંનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોરબંદરની જનતામાં રહેલી સાહિત્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, ચિત્રકલા, છબીકલા, લોકકલા, શિલ્પકલા વગેરે નવ જેટલી કલાઓને ઉજાગર કરી આ કલાના સાધકોને મંચ પૂરું પાડવા “નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાન”ની સ્થાપના કરવામાં આવી હતી. જેના ભાગરૂપે નવરંગ સંસ્થા દ્વારા સમયાંતરે જુદી જુદી કલાઓના કાર્યક્રમો યોજવામાં આવે છે તેના ભાગરૂપે પોરબંદરમાં પહેલી વખત દરિયા કિનારે “પ્રભાતિયાં”નો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના પ્રખ્યાત ગાયક રેખાબેન વાળાએ ખૂબ સુંદર પ્રભાતિયાં રજૂ કરીને ઉપસ્થિત લોકોને સમુદ્રની લહેરો સાથે સંગીતના તાલે ડોલાવ્યા હતા.
■ મહાનુભાવોએ નવરંગના આયોજનને બિરદાવ્યું
વહેલી સવારે પ્રભાતિયાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ડો. સુરેશભાઈ ગાંધી, ડો. કમલ મહેતા, ડો. યોગેશ સોની, ડો. કમલેશ સદાણી, ડો. ઉર્વીશ મલકાણ, ડો. સનદ જોશી, ડો. સંજય મોઢા, જેસીઆઈ ઇન્ડિયાના ખજાનચી બિરાજ કોટેચા, રોટરી પ્રમુખ દિવ્યેશ સોઢા, રેડક્રોસ સેક્રેટરી અકબર સોરઠીયા વગેરે મહાનુભાવોએ કાર્યક્રમના અંત સુધી ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દરિયા કિનારે પોરબંદરમાં પહેલી વખત નવરંગ દ્વારા આયોજિત આ અનોખા કાર્યક્રમના સુંદર આયોજન માટે નવરંગની સમગ્ર ટીમને અભિનંદન આપી બિરદાવ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવરંગ સાહિત્ય સંગીત કલા પ્રતિષ્ઠાનના પ્રમુખ લાખણશી ગોરાણિયા અને સેક્રેટરી સ્નેહલ જોશી, સંયોજક સંજય માળી, કેતન પટેલ, દુર્ગેશ ઓઝા અને નવરંગની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.
