નવયુગ વિદ્યાલય ખાતે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાનો સન્માન સમારોહ યોજાયો.



પોરબંદર શહેરની જૂની અને અગ્રેસર કવિશ્રી દેવજીભાઈ મોઢા સ્થાપિત અને નવયુગ અ સોસાયટી દ્વારા સંચાલિત નવયુગ વિદ્યાલયમાં આ જ શાળામાં ૧૯૭૫ માં અભ્યાસ કરી ચૂકેલા લોકલાડીલા વર્તમાન ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાનો સન્માન સમારોહ યોજાયો હતો.
સન્માન સમારોહમાં પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાંયા નગર સેવા સદનના પ્રમુખ ચેતનાબેન તિવારી, મહેર અગ્રણી સામતભાઈ આર.ઓડેદરા, વિદ્વાન ડો. સુરેશ ગાંધી, નવયુગ એલુમની એસોસીએશન ફેઝ-ર ના હોદેદારો ગીરીશભાઈ બખાઈ (અમદાવાદ), પી.વી.ગોહેલ, ગજરાજસિંહ રાણાવાયા (લંડન) તથા વિજયભાઈ ઉનડકટ, પી.જી.વી.સી.એલ. ના અધિકારીઓ ડામોર, ડઢાણિયા અને પાણખણીયા તથા સ્ટાફ, તેમજ આમંત્રીત જુદી જુદી સંસ્થાના હોદેદારો તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
સમારોહના આરંભે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત થયા બાદ પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય તુષારભાઈએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. નવયુગ એલુમની એસોસીએશન ફેઝ-૨ ના ટ્રેઝરર ગિરીશભાઈ બખાઈએ પોતાના વખતમાં શાળાના બન્ને બિલ્ડીંગના રીનોવેશનમાં યોગદાન આપનારા તમામા દાતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર માની બાકી રહેલ શાળાના વિજ્ઞાનભવનના રીનોવેશનની શરૂઆત ટૂંક સમયમાં કરવાની માહિતી આપી હતી.
પી.વી.ગોહેલ પોતે પણ નવયુગ વિદ્યાલયના જ વિદ્યાર્થી હોય શાળાના જૂના સ્મરણો તથા ઈજનેરી કોલેજના સહઅભ્યાસી અર્જુનભાઈ સાથેના સ્મરણોને યાદ કર્યા હતા, એસોસીએશનના સભ્ય વિજયભાઈ ઉનડકટે પોતાના વકતત્વમાં વિજ્ઞાનભવન રીનોવેશનના આગામી પ્રોજેકટને ખૂબ સફળતાથી પૂર્ણ કરવાનો વિશ્વાસ રજૂ કરતાં વિજ્ઞાનભવનની તમામ લેબોરેટરીઓને પણ વધુ આધુનિક અને સાધનોથી સુસજજ બનાવવા ઉત્સાહ દર્શાવ્યો હતો.
પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખિરીયાએ પોતાનાં વકતત્વમાં પોતાનાં વિદ્યાર્થીકાળના સ્મરણો યાદ કરીને વિદ્યાર્થીઓને ગુજરાત માધ્યમના સરકારી શાળાના ઉચ્ચ શિક્ષણની માહિતી આપીને મહેનત કરીને ઉતમ કારકિર્દી બનાવી શકાય છે તે માહિતી આપીને મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર અભ્યાસ માટે જ કરવા ખાસ તાકીદ કરી હતી.
સન્માનિત ધારાસભ્યશ્રીનું તમામ મહાનુભાવોના હસ્તે મોમેન્ટો અને ખાદીવસ્ત્રથી બહુમાન થયાં બાદ પોતાના પ્રવચનમાં ખૂબ લાગણીસભર બનીને વિદ્યાર્થી સમયના પોતાનાં સ્મરણો યાદ કરીને આચાર્ય પૂ.શ્રી દેવજીભાઈ મોઢાના શિક્ષણ અને શાળા સંચાલનની ખૂબ પ્રશંસા કરી હતી. જે શાળામાં અભ્યાસ કર્યો એ જ શાળામાં સન્માન થયું એ પ્રસંગે તેઓ ભાવવિભોર બન્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને એવી જ ભવ્ય કારકિર્દી બનાવવા મહેનત કરવા સમજણ આપેલ હતી. શાળાના વિકાસમાં ગમે ત્યારે પોતે પણ સહકાર સહયોગ આપશે તેવો પ્રતિભાવ આપેલ હતો.
આ પ્રસંગે પી.જી.વી.સી.એલ. દ્વારા આયોજીત ઉર્જા બચાવો વિષયની વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પી.જી.વી.સી.એલ. ના ડામોર સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ઉર્જા બચતની પ્રેરણા આપતું એક વકતત્વ પણ આપવામાં આવેલું હતું.
નવયુગ એજયુકેશન સોસાયટીના પ્રમુખ સામતભાઈ ઓડેદરા સંજોગોવશાત હાજર ન રહી શકતા તેઓએ સંદેશ દ્વારા ધારાસભ્યશ્રીનો નવયુગ અને બાલુબા કન્યા વિદ્યાલયમાં આપેલ સાથ સહકાર બદલ આભાર માનીને શુભેચ્છાઓ આપી હતી. મંત્રીશ્રી નવયુગ એલુમની એસોસીએશન ફેઝ-૨ ના પ્રમુખશ્રી ડો.ઉષાબેન પરીખ (મુંબઈ), શ્રી મહેશભાઈ શેઠ (અમદાવાદ), અર્જુનભાઈ ઓડેદરા (રાજકોટ) તથા શ્રી કિશોરભાઈ ઉનડકટ (ગાંધીધામ) એ આજના પ્રસંગે સંજોગોવસાત હાજર ન રહી શકયાના ખેદ સાથે ધારાસભ્યશ્રીને ખૂબ ગૌરવથી અભિનંદન તથા શુભેચ્છા સંદેશ પાઠવેલ હતા.
સમારોહના અંતે તમામ મહાનુભાવો સાથે શાળાના તમામ શિક્ષક ભાઈ-બહેનો અને અન્ય સ્ટાફનો ગૃપ ફોટો લઈને આ સમારોહની યાદગીરી બનાવવામાં આવેલ હતી. અંતમાં, શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, અન્ય સંસ્થાના અગ્રણીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો તથા આ સમારોહને સફળ બનાવવા સતત જહેમત ઉઠાવનાર શિક્ષકો તથા વિશિષ્ટ ઉદાહરણ રૂપ અનોખી ઢબે ઉદઘોષકની ભૂમિકા ભજવનાર શ્રી ખીમેશભાઈ થાનકીની પ્રશંસા કરીને આભાર માન્યો હતો.
