પોરબંદર જિલ્લા ખાપટ ખાતે નાળીયેરી પાક પરીસંવાદ કાર્યક્રમ યોજાયો



ખેડૂતોને નાળિયેરીના પાકમાં આધુનિક ખેતી, સમસ્યા અને નિરાકરણ વિષય પર નિષ્ણાતો દ્વારા ઉપયોગી માર્ગદર્શન અપાયું
બાગાયત ખાતાની નર્સરી દ્વારા તૈયાર કરાયેલાં નાળિયેરીના રોપાનું નિયત ભાવથી વેચાણ કરાયું
પોરબંદર, તા.૪:બાગાયત નિયામક રાજકોટના શ્રી.આર.એચ.લાડણી અધ્યક્ષ સ્થાને અસ્પી કોલેજ ઓફ એગ્રીક્લ્ચર ખાપટ ખાતે ગ્રો મોર ફ્રુટ ક્રોપ્સ અંતગર્ત જિલ્લા કક્ષાનો નાળીયેરી પાક પરીસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
અસ્પી એગ્રીકલ્ચર કોલેજ ઓફ નવસારીના પ્રોફેસર ડો. પંકજ ભાલેરાવએ નાળિયેરી પાકમાં આધુનિક ખેતી પદ્ધતિ તેમજ સમસ્યા અને સમાધાન વિશે ખેડૂતોને સમજ આપી હતી.
વધુમાં તેમણે રોપા ઉછેર, નવા બગીચાનું આયોજન અને કાળજી, નારિયેરીના રોપની પસંદગી, સફેદ માખી સહિતના વિવિધ રોગ નિયંત્રણ માટેના પગલાંઓ, નાળિયેરીના સુકાયેલા પાદડામાંથી વર્મી કમ્પોસ્ટ બનાવવાની પદ્ધતિ તેમજ નારિયેરી પાકમાં ગુણવતાયુક્ત ઉત્પાદન કરવા અને નાળિયેરી પાક સાથે અન્ય પાકો વાવીને વધારે આવક મેળવવા માટે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બાગાયત નિયામક રાજકોટના શ્રી.આર.એચ.લાડણીએ
ખેતીનો ખર્ચ ઘટાડીને નફો કઈ રીતના લઈ શકાય તે વિશે ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા.
વધુમાં તેમણે ખેડૂતોને બાગાયત પાકો સાથે બીજા અન્ય વ્યવસાયો કરીને વધારાની આવક મેળવવા માટેનો દિશા નિર્દેશ કર્યો હતો.
નારિયેળી પાક અંતગર્ત શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરાઈ હતી.તેમજ ખેડૂતોના નાળિયેરી પાક વિશેના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતુંઅને બાગાયત ખાતાની નર્સરી દ્વારા તૈયાર કરાયેલાં નાળિયેરીના રોપાનું નહીં નફો નહીં નુકસાનના ધોરણે નિયત ભાવથી ખેડૂતોને આપવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં નાયબ બાગાયત અધિકારી શ્રી કલ્પનાબેન પંચાલે શાબ્દિક સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને આભારવિધિ શ્રી પી એચ પાઠકે કરી હતી.
આ પ્રસંગે રાજકોટ હોલ્ટીકલ્ચર આસિસ્ટન્ટ ડાયરેકટર શ્રી રામ યાદવ ,જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એચ ત્રિવેદી,આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટ શ્રી સીમાબેન શર્મા,
અસ્પી કોલેજ ઓફ અગ્રિકલ્ચર પ્રિન્સિપાલ ડો એચ આર વદર, અસ્પી કોલેજ ઓફ એગ્રીકલ્ચરનાં પ્રોફેસર શ્રી ડો આર બી વાઢેર,અસ્પી કોલેજ ઓફ એગ્રીકલ્ચરનાં પ્રોફેસર શ્રી વિશાલ સાવલિયા સહિતનાં અધિકારી કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
