બાલા હનુમાન ગ્રુપની ગૌસેવાની પહેલ કાબીલેદાદ:રામદેવભાઈ મોઢવાડિયા

*શ્રાવણ મહિનો પુર્ણ થાય ત્યાં સુધીમાં ઓડદરની ગૌશાળામાં તમામ જરૂરીયાતો પુર્ણ થાય તેટલું ફંડ એકત્ર કરી લેવા કરી હાકલ:તમામ સંસ્થાઓ પોતપોતાની રીતે સહયોગ આપે તેવી થઈ અપીલ*
પોરબંદરના ઓડદર ગામે આવેલી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાલા હનુમાન ગ્રુપ દ્વારા અનુદાન આપીને શરૂઆત કર્યા બાદ માત્ર ૧૨ કલાકમાં એક કરોડ એકાવન લાખનું અનુદાન એકત્ર થયું છે ત્યારે તમામ જરૂરીયાતો પુર્ણ થઈ જાય તે માટે સમગ્ર શ્રાવણ મહિનો અનુદાનની વર્ષા કરવામાં આવે તેવી અપીલ સાથે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેને યુવાનોની કામગીરીને આવકારી છે.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પોરબંદર તાલુકા શાખાના પ્રમુખ અને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે, બાલા હનુમાન ગ્રુપના કેતનભાઇ ગજ્જર અને તેમની ટીમ દ્વારા રક્તદાનની પ્રવૃત્તિ દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જીને જે મહા સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે છે તેની સાથોસાથ હવે ગૌસેવા માટે શ્રાવણ મહિનાના આરંભે પહેલ કરી છે અને એક જ દિવસમાં એક કરોડ એકાવન લાખ જેવું માતબર ફંડ એકત્ર કરી બતાવ્યું છે,ત્યારે હજુ વધુને વધુ સામાજિક સંસ્થાઓ અને શહેરીજનો સહયોગ આપે તેવી અપીલ છે.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતુ કે,ગૌ સેવાએ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાનો અભિન્ન ભાગ છે. ગાયને માતા સમાન માનવામાં આવે છે, અને તેની સેવા ધાર્મિક ફરજ તરીકે ગણવામાં આવે છે.આજના આધુનિકયુગમાં પણ ગૌશાળાઓ દ્વારા ગાયોની સંભાળ અને સંરક્ષણ માટે સમાજના જુદા-જુદા વર્ગો દ્વારા પહેલ કરવામાં આવે છે.એવી જ એક ઐતિહાસિક પહેલ પોરબંદરના ઓડદર ગામમાં આવેલી ગૌશાળા માટે બાલા હનુમાન ગ્રુપ દ્વારા શરૂ કરવામાં આવી છે.શ્રાવણ માસના પવિત્ર અવસરે, બાલા હનુમાન ગ્રુપના સ્થાપક કેતન ગજ્જર અને તેમની ટીમ દ્વારા ગૌશાળાની તમામ જરૂરીયાતો પુરી પાડવા માટે ફંડ એકત્રિત કરવાની મુહિમ શરૂ કરવામાં આવી છે.બાલા હનુમાન ગ્રુપે ગૌશાળાની સુવિધાઓ સુધારવા માટે અનુદાન આપીને આ કાર્યની શરૂઆત કરી.આશ્ચર્યજનક રીતે, માત્ર ૧૨ કલાકમાં ૧ કરોડ ૫૧ લાખ રૂપિયાનું ફંડ એકત્ર થયુ,જે સમાજના ગૌભક્તિ અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ છે.
રામદેવ મોઢવાડિયાએ આ પહેલને આવકારીને જણાવ્યું કે, બાલા હનુમાન ગ્રુપના યુવાનોએ રક્તદાન જેવી મહત્વપુર્ણ સેવાઓમાં વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે, અને હવે ગૌસેવા માટે પણ એ જ પ્રચંડ ઉત્સાહથી કામ કરી રહ્યા છે.શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત છે અને આ માસમાં ધાર્મિક તથા સામાજિક સેવાનું વિશેષ મહત્વ હોય છે.આથી, બાલા હનુમાન ગ્રુપે શ્રાવણ માસ પુરો થાય ત્યાં સુધીમાં ગૌશાળાની તમામ જરૂરીયાતો પુર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
રામદેવ મોઢવાડિયાએ સમાજના તમામ વર્ગોને આ મુહિમ સાથે જોડાવા અપીલ કરી છે.ગાય એ માત્ર એક પશુ નથી, પણ ભારતીય સંસ્કૃતિમાં તેને માતા ગૌમતા તરીકે પુજવામાં આવે છે. ગૌસેવાનું મહત્વ ઘણા પાસાંઓમાં છે.શાસ્ત્રોમાં ગૌદાનને મહાદાન કહેવામાં આવ્યું છે.ત્યારે બાલા હનુમાન ગ્રુપ ફક્ત ગૌ સેવા જ નહી, પણ અન્ય અનેક સામાજિક પહેલોમાં સક્રિય છે રક્તદાન શિબિર પણ કરે છે.
બાલા હનુમાન ગ્રુપની આ ગૌસેવા મુહિમએ ફક્ત ધાર્મિક જ નહી, પણ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. ગાય એ માતા છે, ગૌ સેવા એ ધર્મ છે તેમ જણાવી રામદેવભાઈ મોઢવાડિયાએ આ સેવાકાર્યમાં સહયોગ આપવા અપીલ કરી છે.
