પોલીસ વડાએ યુથરેડક્રોસના વિધાર્થીઓને ભણાવ્યા રોડ સેફટીના પાઠ



રેડક્રોસ અને જેસીઆઈ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું
◆◆◆◆◆◆◆◆◆◆◆
માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત થયું આયોજન

પોરબંદર પોલીસ અને જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા, જેસીઆઈ પોરબંદર અને પોરબંદર પોલીસના સંયુક્ત ઉપક્રમે યુથરેડક્રોસના કૅડેટ્સ સાથે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદરની દરેક કોલેજના યુથરેડક્રોસ કૅડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિધાર્થીઓને પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ રોડ સેફટીના નિયમો અને તકેદારી માટે માર્ગદર્શન આપ્યું હતું.
પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ કેન્દ્ર હોલમાં આયોજિત આ યુવા સંવાદ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા પોલીસ વડા બી.યુ.જાડેજાએ જણાવ્યું હતું કે એક રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતમાં ભારતમાં એક વર્ષમાં અંદાજે બે લાખ લોકોના મૃત્યુ તથા 4.5 લાખ લોકોને ગંભીર ઈજાઓ થાય છે. આ માર્ગ અકસ્માતથી મૃત્યુ પામનાર લોકોમાં 18 થી 45 વર્ષના યુવાન લોકોનું પ્રમાણ ખૂબ મોટું છે, એ આપણા સૌ માટે ચિંતાનો વિષય છે. માર્ગ સલામતી માટેના ચાર આધાર સ્થંભો ટ્રાફિક એજ્યુકેશન, પોલીસ એન્ફોર્સમેન્ટ, ઈમરજન્સી કેર અને રોડ એન્જીનીયરિંગ બાબતે ઊંડાણ પૂર્વક માહિતી આપીને માર્ગ સલામતીને ખૂબ ગંભીરતાથી લેવાની સલાહ આપી સહકારની અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં પોરબંદર રેડક્રોસના ચેરમેન અને જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે આપ સૌ યુવા પેઢી દેશનું ભવિષ્ય છો વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખી માર્ગ સલામતીના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરીને એક જવાબદાર નાગરિક અને આદર્શ વાહન ચાલક બની આપણી દેશ પ્રત્યેની નૈતિક ફરજ બજાવીએ.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન લાખણશી ગોરાણીયા, આરપીઆઈ બોરીસાગર, ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, જેસીઆઈ પોરબંદરના પ્રમુખ રાધેશ દાસાણી, રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અકબરભાઈ સોરઠીયા, જેસીઆઈ અને રેડક્રોસના હોદેદારો તથા યુથરેડક્રોસના કૅડેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુરુકુલ મહિલા કોલેજના કન્વીનર રાજેન્દ્રભાઈ ચૌધરી, નમ્રતાબેન સામાણી, સાયન્સ કોલેજના પ્રોફેસર જયેશભાઈ મોઢા, માધવાણી કોલેજના પ્રોફેસર રાજુભાઈ અમર, ગોઢાણીયા મહિલા કોલેજના નીતાબેન ખૂંટી, જનરલ નર્સિંગ કોલેજના રિકિનભાઈ પંડ્યા, ગોઢાણીયા આઇટી કોલેજના ભાવેશભાઈ લુક્કા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યુથરેડક્રોસ જિલ્લા કન્વીનર ડો. નયનભાઈ ટાંકે કર્યું હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!