પદ્મશ્રી કલાકાર જ્યોતિ ભટ્ટ ભારતિય સૌંદર્ય  શાસ્ત્ર અને સમકાલીન કળાનો સંયોગ (આલેખન :અશોક ખાંટ, વલ્લભ વિદ્યાનગર)

કલાજગતમાં કલાકારે સર્જેલ અસલ કલાકૃતિ ફક્ત એક જ વાર જન્મ ધારણ કરે છે, પરંતુ કલાકારોને જ્યારે પોતાની નીજી અભિવ્યક્તિની એક થી વધારે કલાકૃતિઓ કરવા ઈચ્છા જાગૃત થાય ત્યારે તે જ્ઞાન-વિજ્ઞાનની અવનવી ટેકનિકના પ્રયોગો કરી કલાકૃતિને પ્રિન્ટ સ્વરૂપે અવતરણ કરે છે. આ પ્રક્રિયાને ગ્રાફિક કલા કહેવાય છે. વળી આ ગ્રાફિક કલામાં પણ લીનોકટ, વુડકટ લીથો, એચીંગ, સેરીગ્રાફી જેવા વિવિધ પ્રકારો હોય છે. ભારતીય ઇતિહાસમાં જ્યારે અછૂત વર્ગના મનુષ્યોને મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો અધિકાર ન હતો, ત્યારે કલાકાર રાજા રવિવર્માએ પોતાના લીથો પ્રેસમાં કલાકૃતિઓની અનેક લિથો પ્રિન્ટ્સ કરી તેમના ભગવાનને ઘરઘર પહોંચાડ્યા હતા. આપણે ઘણીવાર દિવાળીના તહેવારોમાં કાગળ, ટ્રેસિંગ કે પ્લાસ્ટિક પર દોરેલી આકૃતિઓની લાઈનો પર સોય વડે કાણા પાડીને કે કાપીને તેને સ્ટેન્સિલનું સ્વરૂપ આપી જમીનની સપાટી પર છાપી રંગોળી કરતા હોઈએ છીએ, તમે જાહેર જગ્યાએ દીવાલો પર જાહેરાતો ચિતરતા ચિતારાઓને પણ આ પ્રકારના સ્ટેન્સિલનો ઉપયોગ કરતા જરૂર જોયા હશે! સ્ટેટ ટ્રાન્સપોર્ટ કે રેલવેના ડબ્બા ઉપર જાહેર સૂચનાઓ પણ અચૂક ધ્યાનમાં આવી હશે! જે પતરામાં કોતરેલા શબ્દો પર રંગ લગાવી મેળવાતી. કોમ્પ્યુટર આવ્યા પહેલા ગ્રાફિક ડિઝાઈનરોના સ્ટુડિયોમાં સ્ક્રીન પ્રિન્ટિંગ રૂપે છપાતા વિઝિટીંગ કાર્ડ, કંકોત્રી, મેનુ, આમંત્રણ પત્રિકાઓ વિગેરે પણ સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગ એટલે કે સેરીગ્રાફી કળાનો જ એક ભાગ છે. ઓફસેટ આવ્યા પહેલા ટ્રેડલ મશીનો પર ફોન્ટને બાંધીને બ્લોક તૈયાર કરવામાં આવતો અને તસવીરો છાપવા સ્ક્રીન મૂકી બ્લોક ઉપયોગમાં લેવાતો. આ બ્લોક બનાવવાની ટેકનિકલ કલાં પણ ગ્રાફિક કલાનું એચીંગનું સ્વરૂપ છે. તાજેતરમાં કલાક્ષેત્રે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર વડોદરા સ્થિત ચિત્રકાર, તસવીરકાર અને પ્રિન્ટમેકર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટના અદભુત ચિત્રો, સેરીગ્રાફી, એચીંગ્સ, ડ્રોઈંગ વિગેરેનું કલાપ્રદર્શન ખૂબજ ભવ્ય રીતે ખુલ્લું મુકાયું. તેઓ આધુનિક ભારતીય કલામાં તેમના નોંધપાત્ર યોગદાન અને ભારતની સમૃદ્ધ લોક આદિવાસી પરંપરાઓના દસ્તાવેજીકરણ માટે પણ ખૂબ જાણીતા છે. પ્રદર્શન સાથે કલાકારની સ્કેચબુકના કેટલાક ખાસ પસંદ કરેલા ડ્રોઈંગ્સની બુક મર્યાદિત એડીશનમાં પ્રગટ કરવામાં આવી. 1934માં જન્મેલા ભાવનગરના વતની શ્રી ભટ્ટે કલાગુરુ શ્રી એન. એસ. બેન્દ્રે અને કે. જી. સુબ્રમણ્યન જેવા પ્રખ્યાત કલાકારો પાસે અભ્યાસ કર્યો હતો. પરંપરાગત ભારતીય લોકકલા અને ડિઝાઇનમાંથી પ્રેરણા મેળવેલુ તેમનું સર્જનકાર્ય જેમાં ગતિશીલ રંગો અને ગ્રાફિક શૈલીનો સચોટ ઉપયોગ માનવીય રોજીંદા જીવન અને પ્રકૃતિને અદભુત રીતે અભિવ્યક્ત કરે છે. આ ઉપરાંત તેઓ એક આદરણીય ફોટોગ્રાફર પણ છે. ભારતિય ગ્રામીણ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરતી તેમની સહજ સરળ ઉત્તેજક છબીઓ માટે તેઓ જાણીતા છે. કલાકાર શ્રી જ્યોતિ ભટ્ટે કલાકારોની યુવા પેઢીઓને નોંધપાત્ર રીતે પ્રભાવિત કરી છે. તેઓ પરંપરાગત ભારતીય સૌંદર્યશાસ્ત્ર અને સમકાલીન વૈચારિક પ્રથાઓ વચ્ચેના અંતરને દૂર કરવા પ્રયનશીલ હતા. તેમનું સર્જનકાર્ય દેશ-વિદેશમાં વ્યાપકપણે પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક પદ્મશ્રી સહિત અનેક પુરસ્કારો અને સન્માનો પણ તેઓને પ્રાપ્ત થયા છે. પ્રસ્તુત પ્રદર્શનમાં તેમના સુંદર સેરીગ્રાફી પ્રિન્ટચિત્રો કલારસિકો તેમજ કલાકારોને ખૂબ આકર્ષી ગયા. ‘સેરીગ્રાફી’ આ શબ્દ સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગ માટે કલાકારોનો જાણીતો શબ્દ છે, આ એક એવી પ્રક્રિયા છે જેમાં સ્ટેન્સિલ અને શાહીના સમાવેશથી નાયલોન અથવા બારીક વણાયેલા પોલિએસ્ટરથી બનેલા કાપડ સિલ્ક સ્ક્રીન પર સ્કીવિઝી વડે દબાણ આપવાથી કે ઘસવાથી નીચેની સપાટી પર આકારોની છાપ પડે છે. એક સમયે એક જ રંગ પ્રિન્ટ કરી શકાય છે. વધારે રંગો ની ઈમેજ મેળવવા રજીસ્ટ્રેશન પર પણ ખાસ ધ્યાન દેવાનું હોય છે. કાગળ કે કેનવાસ અથવા કોઈ પણ સપાટી પર તૈયાર થયેલ આ ગ્રાફિક પ્રિન્ટની કોપી મર્યાદિત હોવાથી જ્યારે પ્રદર્શિત થાય ત્યારે કૃતિ નીચે તેની અનુક્રમણિકા પણ પેન્સિલ દ્વારા લખાયેલ જોવા મળે છે. આ પ્રદર્શનમાં શ્રી ભટ્ટની સેરિગ્રાફી કૃતિઓ મેટાલિક ફિલ્મ, પ્લાસ્ટિક ફિલ્મ, પેપર જેવા ફલક પર પ્રદર્શિત છે. Floating Image, My Reminisennces, Embriyonic Image, Mayuri, જેવા શીર્ષકો કૃતિના વિષયને સ્પષ્ટ કરે છે. એચીંગ એ પરંપરાગત રીતે ધાતુની સપાટીના અસુરક્ષિત ભાગોને દૂર કરવા માટે એસિડ અથવા મોર્ડન્ટનો ઉપયોગ કરવાની પ્રક્રિયા છે. ઇન્ટાગ્લિઓ (છેદન)માં ડિઝાઇન બનાવવામાં આવે જે ધાતુની પ્લેટ (તાંબુ, જસત અથવા સ્ટીલ) ખાસ મીણના આવરણથી ઢંકાયેલી હોય છે જે એસિડ સામે પ્રતિરોધક હોય છે. કલાકાર પોઈન્ટેડ એચીંગ સોય વડે વાળથી પણ બારીક આકારો રચી ખોતરે છે. પ્લેટને એસિડના બાથમાં ઝબોળવામાં આવે છે, જેથી ધાતુના સ્પર્શથી એસિડ આકારોને ડંખ કરી બારીક રૂપે કોતરે છે. ત્યારબાદ પ્લેટને કાગળની શીટ સાથે મૂકી પ્રેસ દ્વારા ઉચ્ચ-દબાણ આપવામાં આવે છે કાગળ કોતરાએલી રેખાઓમાંથી શાહી ઉપાડે છે અને પ્રિન્ટ બનાવે છે. આમ એચીંગ કલાકૃતિ તૈયાર થાય છે. શ્રી ભટ્ટના વિવિધ ઈચિંગ્સમાં તેમનું અનોખું દૃષ્ટિ સાતિત્ય, ધીરજ, આકોરોમાં કૃતિ સંયોજન વિગેરે ઉડીને આંખે વળગે એવું સુપેરે વ્યક્ત થયા વિના ન રહે! આ પ્રદર્શન ખુલ્લું મુકાયા બાદ આર્ચર આર્ટ ગેલેરીના માલિક શ્રી અનીલ રેલિયા પરિવાર દ્વારા તેમના વિશાળ નિવાસસ્થાને સાંજના રાત્રિ ભોજન માટે આમંત્રિત સર્જકોને નિમંત્રણ હોવાથી સર્જકોનો જાણે અદભુત મહાસંગમ થયાનું અનુભવ્યું. અમિત અંબાલાલ, કુમારપાળ દેસાઈ, એસ્થર ડેવિડ, હર્ષદ ત્રિવેદી સાથે ગુજરાતના સર્જન જગતનો અનેક હસ્તીઓનો જાણે મહાસાગર ઘૂઘવતો હતો. આ પ્રસંગે અનિલ રેલિયાએ જણાવ્યું કે: ‘અભ્યાસ સમયે જ્યોતિ ભટ્ટના સ્ટુડિયો/ઘર પર મારે નિયમિત જવાનું થતું. તેમનો સમૃદ્ધ કલાત્મક વારસો અને વ્યક્તિગત ઈતિહાસને જાણવાની તક મળી હતી. સ્ટુડિયોમાંના ઘણા ખજાનામાં તેઓની જૂની સ્કેચબુક હતી. જે તેમની સર્જનાત્મક પ્રક્રિયાની ઝલક આપે છે. વળી તે દાયકાઓ સુધી વિસ્તરેલી યાદો ધરાવે છે. કામની વિવિધતા, ઊંડાણથી હુ આશ્ચર્યચકિત થઈ ગયો. સ્કેચબુકમાં અભ્યાસના રેખાંકનો હતા જે પાછળથી તેમના કેટલાક સૌથી પ્રખ્યાત ચિત્રો અને પ્રિન્ટ બન્યા. દરેક સ્કેચ કલા પ્રત્યેનો તેમનો સાવચેત અભિગમ દર્શાવે છે, જે એક યુગના રેકોર્ડ હતા, અકથિત વાર્તાઓ અને લાગણીઓથી તે ભરેલા હતા. પુસ્તકમાં 1955 અને 1965ની વચ્ચે બનાવેલા પોટ્રેટની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો એક સેતુ છે, જે એકબીજાને કનેક્ટ કરવા અને પ્રેરણા આપવા માટે સ્થાયી શક્તિનું એક વસિયતનામું છે’ આપણે ત્યાં આર્ટ ગેલેરીમા કોઈ પણ ચિત્રપ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્યની પરંપરા રહી છે. કલાજગત સાથે સંકળાયેલા હોય તેવા મહેમાન મળે ત્યાં સુધી ઠીક છે, પરંતુ ઘણીવાર કલા સાથે સ્નાન સૂતકનોય સંબંધ ન હોય અને કોઈ રાજકીય નેતાઓના હસ્તે ઉદ્ઘાટન કરાવવાનો કલાકારોને એક પ્રકારનો ઉમળકો હોય છે. ક્યારેક છેલ્લી ઘડીએ આવા મહેમાન ઉપસ્થિત પણ નથી રહી શકતા ત્યારે આયોજક કલાકારે આમંત્રિતો સામે છોભીલુ પડવું પડે. આ પ્રદર્શનમાં એક વાત સરાહનીય રહી કે અનિલભાઇએ આ બધાથી પર રહી સૂક્ષ્મમા સૂક્ષ્મ વાતને ધ્યાને રાખી ઉદ્ઘાટન જેવા કોઈ કાર્યક્રમનો દેખાડો કર્યા વિના સમગ્ર કાર્યક્રમને પૂર્ણપણે સફળ બનાવ્યો છે. દરેક આમંત્રિતો મુખ્ય મહેમાનો હતા જેનું આવનારને પણ ગૌરવ હતું.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!