ફિલ્મ ‘સૈયારા’ – વિરહ વ્યથા અને યુવાનોની ભાવનાત્મક ભાવવિભોર પળો
નિમેશ ગોંડલીયા

એક ફિલ્મ, અને હજારો દિલોની ઝંખના
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ સૈયારાએ ભારતના કરોડો યુવાનોના હૃદયને સ્પર્શ કર્યો છે. ફિલ્મના સંવેદનશીલ દ્રશ્યો, ભાવસભર ગીતો અને હીરો-હીરોઇનની પ્રેમપળો એટલી આત્મીય બની છે કે ઘણા યુવાનોએ પોતાનું તૂટેલ પ્રેમ જીવન ફિલ્મના પરદે જીવતું જોયું હોય તેમ અનુભવ્યું છે.
થિયેટરમાં અનેક યુવાન દર્શકો આંખોથી ટપટપ આવતા આંસુ રોકી ન શક્યા – કારણ કે તેમની આંતરિક દષ્ટિ એ ફિલ્મના પાત્રમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહયા હતા.
પ્રેમ – યુવાનીનું પ્રથમ સપનું, અને ભંગનું પ્રથમ દુઃખ
યુવાવસ્થામાં પ્રેમ માત્ર લાગણી નથી રહેતો, તે જીવનનો હેતુ બની જાય છે. જ્યારે એ પ્રેમ અધૂરો રહી જાય, ત્યારે એક શૂન્યતાની શરૂઆત થાય છે – જેના બદલામાં ઘણીવાર યુવક દિશાહીન થઈ જાય છે.
ફિલ્મો જે પ્રેમની પહેલી ઊર્મિ ઉત્પન્ન કરે છે, એ જ ફિલ્મો જ્યારે વિરહ બતાવે છે, ત્યારે તીવ્ર અસરો છોડે છે. ‘સૈયારા’ એવી જ એક ફિલ્મ છે – જેમાં ગીતોના શબ્દો દર્શકોના દિલને કટારી જેવી ચીરી નાખે છે.
ઈતિહાસ સાક્ષી છે – ફિલ્મોની અસરથી થયું છે જીવન પરિવર્તન
આ પહેલાં પણ ઘણી ફિલ્મોએ યુવાનોના માનસપટ પર ઊંડી છાપ છોડી હતી:
‘એક દુજે કે લિયે’ (1981) : આ ફિલ્મમાં દર્શાવાયેલ વિરહ અને સામાજિક વિરુદ્ધતાના કારણે પ્રેમી યુગલની આત્મહત્યા – એ એટલી અસરકારક હતી કે હકીકતમાં અનેક યુવાનોએ આવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
‘દેવદાસ’: શ્રેષ્ઠ અભિનય અને સંવેદનશીલ પાત્રે ખૂબાં યુવાનોને ઊંડી અસર પહોંચાડી હતી. ફિલ્મના મુખ્ય પાત્રની જેમ જીવનમાં પ્રેમ ભંગ પામેલા યુવાનોએ શરાબ અને વિનાશ તરફ પગરવ નાખ્યો.
આ સમસ્યા એટલી ગંભીર બની હતી કે જવાહરલાલ નહેરુએ દિગ્દર્શક વી. શાંતારામને મળીને યુવાનોને પ્રેરણા આપે તેવી ફિલ્મ બનાવવા સૂચન આપ્યું હતું. પરિણામે બની ફિલ્મ આદમી – જ્યાં પ્રેમમાં નિષ્ફળ થયેલો યુવાન પોતાના આત્મવિશ્વાસ, પરિવાર અને સમાજ સાથેના સ્નેહથી નવી દિશા પકડે છે. અને સફળતા મેળવે છે.
ફિલ્મો – ફક્ત મનોરંજન નહીં, પણ સામાજિક પ્રતિબિંબ
ફિલ્મો એ ફક્ત સિનેમાહોલ સુધી મર્યાદિત નથી રહેતી. તે વિચારો ઉભા કરે છે, ભાવનાઓ જગાવે છે અને વિચરણા બદલાવે છે. દિગ્દર્શકનો આશય ભલે મનોરંજન હોય, પરંતુ ફિલ્મ જ્યારે દિલ સુધી પહોંચે છે ત્યારે તેનું પરિણામ અપેક્ષિત કરતાં ખૂબ આગળ જઈ શકે છે.
‘પોકેટમાર’ જેવી ફિલ્મ જો્યા બાદ યુવાનોની પોશાક અને વર્તન સુધીમાં પોકેટમાર પાત્રોની નકલ કરતા જોવા મળતા હતા.
એથી સ્પષ્ટ છે કે ફિલ્મો સમાજના આલોક બની શકે છે – સકારાત્મક દિશા આપે તો દિગ્દર્શક એક નવો યુક્તિ માર્ગ આપી શકે, અને નકારાત્મક અસર થાય તો દુર્ભાગ્ય સામે જવાબદાર બનવાની સંભાવના પણ ઊભી થાય છે.
ફિલ્મો સાથે સરખામણી નહીં, અનુભવ સાથે દૃષ્ટિ વિકસાવો
અંતે, ઓશોનું એક મહત્ત્વપૂર્ણ વિચારી શકાય તેવું વાક્ય યાદ રાખવું જોઈએ:
“જીવનમાં જો તમારું મન ભટકે છે, તો પરોક્ષ દૃષ્ટા બનો – ન કે પ્રત્યક્ષ આત્મ-પ્રતિબિંબ.”
ફિલ્મો જોયા કરો, માણો, શીખો પણ જીવનની યથાર્થતા સાથે તેનો ગુંચવાડો ન કરો. ફિલ્મના પાત્રો તમારી જેમ જીવન જીવી શકતા નથી – અને તમારું જીવન સ્ક્રિપ્ટથી નહીં, સંઘર્ષ અને સંજોગોથી ચાલે છે.
ફિલ્મો તમારી જિંદગીના માર્ગદર્શક બની શકે – જો તમે તેને ‘ફિલ્મ’ તરીકે જ માણો.
