અનેક એવોર્ડ વિભૂષિત કર્મઠ શિક્ષિકાડૉ.પ્રીતિબેન કોટેચાની પ્રેરણાદાયી ગાથા


રાજ્ય કક્ષાના એવોર્ડના પુરસ્કારની રાશિ રૂપિયા ૫૧૦૦૦/- વિદ્યાર્થીઓના લાભાર્થે શાળામાં અર્પણ કરી

વિઠ્ઠલ વઘાસિયા


પોરબંદર શહેરની શ્રી રૂપાળીબા કન્યા શાળાના મદદનીશ શિક્ષિકા ડૉ.પ્રીતિબેન કોટેચા એક એવાં કર્મઠ શિક્ષિકા છે,જેમણે પોતાની નિષ્ઠા અને અથાક પ્રયત્નોથી અનેક દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. તેમનો શિક્ષણ પ્રત્યેનો લગાવ અને બાળકો પ્રત્યેની પ્રતિબદ્ધતા ખરેખર પ્રેરણાદાયી છે.
૧૯ નવેમ્બર, ૧૯૯૮ના રોજ રાજપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પોતાની ફરજ શરૂ કરી.તે સમયે આ શાળામાં ધોરણ ૧ થી ૫ સુધીનું જ શિક્ષણ ઉપલબ્ધ હતું.છઠ્ઠા અને સાતમા ધોરણનો અભ્યાસ કરવા માટે દીકરીઓને બે કિલોમીટર ચાલીને ગોસા પ્રાથમિક શાળામાં જવું પડતું હતું.જેના કારણે મોટાભાગની દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી.આ પરિસ્થિતિ જોઈને પોતે તત્કાળ પગલાં લીધાં.થોડા જ સમયમાં આ શાળામાં ધોરણ ૬ અને ૭નો પ્રારંભ કરવામાં આવ્યો.જેના પરિણામે ઘણી દીકરીઓ ફરીથી અભ્યાસ કરતી થઈ.તેમની આ મહેનત ખરેખર રંગ લાવી.
૨૦૦૪માં પોતે બદલી કરાવીને પોરબંદરમાં સ્થાયી થયા.શિક્ષણની સાથે સાથે,પોતે બાળકો માટે બાળગીતો અને બાળવાર્તાઓ લખવાનો પણ શોખ ધરાવે છે.તેમણે બાળકોને ગમતાં બાળગીતો અને બાળવાર્તાઓનું સર્જન કર્યું છે.૨૦૧૦માં ‘રંગીલા પતંગિયા’, ૨૦૨૧માં ‘જંગલ લોક ડાઉન’ અને ૨૦૨૩માં ‘મીંડાની વાર્તા’ નામનું ત્રીજું બાળવાર્તાનું પુસ્તક બાળકોને ભેટ આપ્યું.આજે પણ તેમની બાળવાર્તાઓ અને બાળગીતો સાપ્તાહિક બાળ ભાસ્કર,ઝગમગ અને કિડ્ઝ વર્લ્ડમાં પ્રકાશિત થાય છે.તેઓની બાળવાર્તાઓ આકાશવાણીની બાલસભામાં પણ અવાર નવાર પ્રસારિત થાય છે.
તેમની કામગીરીને ધ્યાને લઈને વિવિધ સન્માનોથી તેઓ સન્માનિત થયાં છે :

  • ૨૦૧૭માં ભાઈશ્રી(રમેશભાઈ ઓઝા)ના હાથે ગુરુ ગૌરવ એવોર્ડ
  • ૨૦૧૮માં શ્રેષ્ઠ શિક્ષક જિલ્લાનો એવોર્ડ
  • ૨૦૧૮માં લોહાણા મહાપરિષદ દ્વારા ઈન્ટરનેશનલ મહિલા પ્રતિભા એવોર્ડ
  • ૨૦૧૯માં શ્રેષ્ઠ શિક્ષક રાજ્યપાલ પારિતોષિક
    પોતાને મળેલી રાજ્ય કક્ષાના એવોર્ડની રકમ રૂપિયા ૫૧૦૦૦/- શાળામાં વિદ્યાર્થીઓના લાભાર્થે અર્પણ કરી.
    શરૂઆતમાં શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૨૦ની આસપાસ હતી.ઈનચાર્જ આચાર્ય તરીકે તેમનો ધ્યેય હતો કે,આ શાળા ફરીથી વિદ્યાર્થીઓથી ભરાઈ જાય.આ માટે, તેમણે અને શિક્ષકોએ ‘હર ઘર મુલાકાત’ અંતર્ગત ઘર ઘરની મુલાકાત લીધી.શાળાની સિદ્ધિ અને પ્રવૃત્તિ દર્શાવતી પત્રિકાઓ ઘેર ઘેર પહોંચાડી.શાળામાં થતી દરેક પ્રવૃત્તિને મીડિયાના માધ્યમથી પ્રસારિત કરવાનું પણ શરૂ કર્યું.
    ધીમે ધીમે આ શાળા માટે દાન આવવાનું પણ શરૂ થયું.એક તબક્કે દસ લાખ રૂપિયા જેવી રકમનું દાન આવ્યું.દર મહિને બેથી ત્રણ દાતા ભોજન હોય છે.આમ,વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધવા લાગી.આજે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ૨૭૭ જેવી થઈ ગઈ છે. શાળામાં પૂર્ણકાલીન આચાર્યની નિમણૂંક થતાં પોતે ચાર્જ સુપ્રત કરી,પોતાની ભાષા શિક્ષક તરીકેની કામગીરીમાં જોડાઈ ગયા.
    આજે આ શાળા પોરબંદરમાં સૌથી વધુ દાન મેળવતી શ્રેષ્ઠ સરકારી શાળા તરીકે નામના ધરાવે છે.
    પોતે વિદ્યાર્થીઓને સંગીત,ડ્રોઈંગ,પેપર વર્ક,વેસ્ટમાંથી બેસ્ટ, લિંપણ આર્ટ અને ક્રોશિયા વર્ક પણ શીખવે છે.વાર્તા લખીને નાટ્યીકરણ પણ કરાવે છે.ગાંધી જયંતીના દિવસે કીર્તિ મંદિરમાં થતી પ્રાર્થના સભામાં પોતે વર્ષ 2015થી ભજન ગાય છે.અનેક કાર્યક્રમો કે સભા સંમેલનોમાં પોતે સભા સંચાલનની જવાબદારી પણ સુપેરે સંભાળે છે.
    આ શાળાના વિદ્યાર્થીઓ ડૉક્ટર,પોલીસ,કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને શિક્ષક જેવા વ્યવસાયમાં સફળતાપૂર્વક કાર્યરત છે.
    ડૉ.પ્રીતિબેન કોટેચા ખરેખર એક પ્રેરણાદાયી શિક્ષિકા છે,જેમણે પોતાના જીવનને શિક્ષણ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કર્યું છે.તેમની મહેનત, નિષ્ઠા અને દ્રષ્ટિથી શ્રી રૂપાળીબા કન્યા શાળા એક શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા બની છે. ◾

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!