પોરબંદરની 15થી વધુ શાળાઓમાં ‘Arise, Awake: The Swami Vivekananda Challenge’ —હજારો વિદ્યાર્થીઓએ ઉમંગભેર ભાગ લીધો

પોરબંદર: રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદના જીવનમૂલ્યો અને પ્રેરણાદાયી વિચારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે ‘Arise, Awake: The Swami Vivekananda Challenge!’ નામની ક્વિઝ અને વ્યક્તિત્વ વિકાસ આધારિત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરની 15થી વધુ શાળાઓમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 2600થી વધુ વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો.

સ્પર્ધાનો હેતુ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવન, દેશપ્રેમ, આધ્યાત્મિક દ્રષ્ટિ, સ્વવિશ્વાસ અને સેવાભાવ જેવા મૂલ્યો સાથે વધુ નજીકથી જોડવાનો હતો. પ્રશ્નોતરીમાં સ્વામીજીના પ્રસંગો, તેમના વિચારો, સમાજસેવા, યુવાશક્તિ અંગેનું માર્ગદર્શન અને આધ્યાત્મિક અભિગમ જેવી બાબતોને આવરી લેવામાં આવી.

દરેક શાળા અને દરેક કેટેગરીના ટોચના ત્રણ વિજેતાઓની પસંદગી કરીને તેમને પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા. તમામ શાળાઓમાં ઊર્જાસભર વાતાવરણ જોવા મળ્યું અને વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદના જીવનને જાણવાની ઉત્કટતા દર્શાવી.

કાર્યક્રમ દરમ્યાન રામકૃષ્ણ સંપ્રદાયના એક સંન્યાસીએ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવનપ્રસંગો, ચિંતન અને પ્રેરણાદાયી વચનો દ્વારા પ્રેરિત કર્યા. તેમણે સમજાવ્યું કે સ્વામીજીનું જીવન આત્મવિશ્વાસ, સંકલ્પ, વ્યક્તિત્વ નિર્માણ અને રાષ્ટ્રનિર્માણ તરફ દોરી જાય છે. વિદ્યાર્થીોએ આ માર્ગદર્શનને અત્યંત ઉત્સાહથી સ્વીકાર્યું.

આ ઉપરાંત, કાર્યક્રમનો એક મહત્ત્વનો ભાગ એ છે કે દરેક શાળાના વિજેતાઓ હવે 22–23 ડિસેમ્બર 2025ના રોજ રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં યોજાનારી ઇન્ટરસ્કૂલ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધા દ્વારા તમામ શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ એકમંચે આવશે અને સ્વામી વિવેકાનંદના જીવન તથા મૂલ્યો આધારિત ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેશે.

શાળાઓના પ્રાચાર્યો અને શિક્ષકો આ સમગ્ર પહેલની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં મૂલ્ય આધારીત શિક્ષણ, સકારાત્મક ચિંતન અને વ્યક્તિત્વ નિર્માણ માટે અત્યંત ઉપયોગી છે અને જણાવ્યું કે ભવિષ્યમાં પણ આવા મૂલ્યપ્રેરિત કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરિત કરતી પ્રવૃત્તિઓનું વિસ્તરણ કરવું જોઈએ.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!