પોરબંદર જિલ્લાનું નામ “સુદામાપુરી” રાખવાની માગ સાથે પ્રવાસન વિકાસ માટે રાજ્ય સરકારને રજૂઆત

પોરબંદર | તા. ૨૦ ડિસેમ્બર ૨૦૨૫
પોરબંદર જિલ્લાનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ઉજાગર કરવા તેમજ પ્રવાસન ક્ષેત્રે નવી ઓળખ ઉભી કરવા માટે પોરબંદર જિલ્લાનું નામ “સુદામાપુરી” રાખવાની માગ કરવામાં આવી છે. આ અંગે પોરબંદર-છાયા સંયુક્ત નગરપાલિકાના પૂર્વ સભ્ય ધવલ જોષી દ્વારા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ ઐતિહાસિક દૃષ્ટિએ પોરબંદરની સ્થાપના ઇ.સ. ૮૮૦ આસપાસ થયેલી માનવામાં આવે છે, જ્યારે પૌરાણિક માન્યતા મુજબ પોરબંદર ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાની જન્મભૂમિ તરીકે ઓળખાય છે. સુદામાજીના જીવનમાં ભક્તિ, ત્યાગ, કરુણા અને જ્ઞાનનું ઉત્તમ સંમિશ્રણ જોવા મળે છે, જે આજે પણ માનવ મૂલ્યો માટે પ્રેરણારૂપ છે.
આધુનિક પોરબંદર શહેરમાં સુદામાજીની સ્મૃતિરૂપે બ્રહ્મકુંડ સુદામા મંદિર આવેલું છે, પરંતુ શહેર કે જિલ્લામાં તેમના નામે વિશેષ ઓળખ હજુ સુધી ઉપલબ્ધ નથી. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પોરબંદર ખાતે આવતાં શ્રદ્ધાળુઓ તેમજ ઉત્તર દ્વારકા અને દક્ષિણ સોમનાથ તરફ જતા યાત્રાળુઓ માટે પોરબંદર મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે, જે પ્રવાસન વિકાસની વિશાળ સંભાવના દર્શાવે છે.
રજુઆતમાં નીચે મુજબની મુખ્ય માગણીઓ કરવામાં આવી છે:
પોરબંદર જિલ્લાનું નામ “સુદામાપુરી” રાખવામાં આવે.
કમલાબાગ નજીક સુદામાજીની પ્રસંગોને અનુરૂપ “લાઇટ એન્ડ સાઉન્ડ શો” શરૂ કરવામાં આવે તથા તે વિસ્તારને “સુદામા ઉપવન” તરીકે વિકસાવવામાં આવે.
પોરબંદર જિલ્લાની મેડિકલ કોલેજને “સુદામા મેડિકલ કોલેજ” નામ આપવામાં આવે.
દર વર્ષે સુદામાજીના શ્રીકૃષ્ણ સાથેના મિલનના પ્રસંગને સ્મરણરૂપ “સુદામા ઉત્સવ” રાજ્યસ્તરીય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે, જેમાં યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક આયોજનનો સમાવેશ થાય.
આ તમામ સૂચનો અમલમાં મૂકવામાં આવે તો પોરબંદર જિલ્લાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે, પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર વધારો થશે, એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
