રામગઢ પીપળીયા સીમ માર્ગ વિવાદમાં મારામારી કેસ: રાણાવાવ કોર્ટનો કડક ચુકાદો
રાણાવાવ તાલુકાના રામગઢ ગામ પીપળીયા સીમમાં ખેતરમાં જવાના રસ્તાને લઈ થયેલી ગંભીર મારામારીના કેસમાં રાણાવાવ કોર્ટએ ચાર આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. ૧૦,૦૦૦/- દંડની સજા ફટકારી છે.

આ બનાવ ગત તા. ૨૮/૧૧/૨૦૨૦ના રોજ રાણાવાવ તાલુકાના રામગઢ ગામ પીપળીયા સીમ, ખોડીયાર મંદિર પાસે થયો હતો. ફરીયાદી માલદેભાઇ કરશનભાઇ મોઢવાડીયા (ઉ.વ. ૫૪, ધંધો ખેતી, રહે. રામગઢ) પોતાની વાડીએ જવાનો રસ્તો આરોપી હરદાસ ડાયા કોડીયાતરે બંધ કરી દીધો હતો. આ રસ્તો ખુલ્લો કરવા બાબતે ફરીયાદીએ રજૂઆત કરતા તમામ આરોપીઓ અગાઉથી એકસંપ કરી ઉશ્કેરાઇ ગયા હતા.
આરોપીઓ હરદાસ ડાયા કોડીયાતર (ઉ.વ. ૩૧), સેજા નારણ કોડીયાતર (ઉ.વ. ૪૮), જયેશ સેજા કોડીયાતર (ઉ.વ. ૨૧) તથા ધીરૂ રાજાભાઇ કોડીયાતર (ઉ.વ. ૨૬), રહે. રામગઢ વાડી વિસ્તાર, તા. રાણાવાવ –એ ફરીયાદીને ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી, પાવડો અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ફરીયાદીના બન્ને પગ તથા ડાબા હાથમાં ફ્રેક્ચર થયું તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
આ અંગે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૧૮૦૧૫૨૦૧૩૪૨/૨૦૨૦ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધાયો હતો. કેસ રાણાવાવ કોર્ટમાં ફોજદારી કેસ નં. ૮૮/૨૦૨૧ તરીકે ચાલ્યો હતો.
સરકાર તરફે એ.પી.પી. શ્રી જે. એલ. ઓડેદરાએ ગુનાની ગંભીરતા, સમાજમાં ભય ફેલાવવાનો આરોપીઓનો ઉદ્દેશ અને ફરીયાદી પક્ષે રજૂ થયેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાના આધારે દ્રઢ દલીલો કરી હતી. તમામ પુરાવાઓને ધ્યાનમાં લઈ રાણાવાવ કોર્ટના ન્યાયાધીશ શ્રી એન. એલ. શર્મા (જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ)એ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. ૧૦,૦૦૦/- દંડની સજા ફટકારી હતી.
આ ચુકાદાથી વિસ્તારમાં માર્ગ સંબંધિત વિવાદોમાં હિંસા કરનારાઓ સામે કડક સંદેશો ગયો છે.
