ગોંડલનાં પૂજ્ય ભાઈ શ્રીનાથાલાલ જોશીના પુત્રી ઇન્દિરાબેન જોશી દ્વારા આધ્યાત્મિક સંવાદોનાં પુસ્તક “વિરાટ ચેતનાનાં પ્રદેશમાં” અને “અમૃતમ-માધુરી” ઓડિયોબૂકનું અનાવરણ કરવામાં આવ્યું.



ગોંડલનાં પૂજ્ય ભાઈ શ્રી નાથાલાલ જોશી એ આધ્યાત્મમાં એક શિરમોર નામ છે. જેઓ શ્રીરમાનાથ તરીકે પણ ઓળખાય છે.
મૂળ જૂનાગઢનાં અને આઝાદી સમયે ગોંડલ આવીને વસીને ગોંડલમાં આજીવન આધ્યાત્મની ધૂણી ધખાવેલી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીથી માંડીને પુનીત મહારાજ, પાપા સ્વામી રામદાસ, મોરારીબાપુ જેવા આધ્યાત્મિક લોકો થતા મકરંદ દવે, મનુભાઈ ત્રિવેદી “સરોદ”, સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, જેવા પ્રસિદ્ધ સાહિત્યકારો પણ આધ્યાત્મિક માર્ગદર્શન માટે પૂજ્ય ભાઈને મળેલા છે.
પૂજ્ય ભાઈ સાથે રહેલ ૯૩ વર્ષના રાવજીભાઈ પટેલની ડાયરી માંથી પૂજ્ય ભાઈ સાથેનાં સંવાદોનું પુસ્તક “વિરાટ ચેતનાના પ્રદેશમાં” આર.આર. શેઠ પબ્લીકેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
તા. ૨૫/12/25 પોષ સુદ પાંચમનાં મા પ્રગટ્ય દિવસે આ પુસ્તક પૂજ્ય ભાઈના નિવાસસ્થાન એવા શ્રુતિ મંદિર – ગોંડલ ખાતે પૂજ્ય ભાઈના પુત્રી અને ટ્રસ્ટી એવા ઇન્દિરાબેન જોશી દ્વારા આ પુસ્તકનું અનાવારણ કરવામાં આવ્યું અને આશીર્વચન આપ્યા. આ પુસ્તક સાહિત્ય અને આધ્યાત્મમા રસ ધરાવતા લોકો માટે દીવાદાંડી સમાન સાબિત થશે.
પૂજ્ય ભાઈ દ્વારા “અમૃતમ્” નામે 9 ભાગમાં ગદ્ય-પદ્ય શૈલીમાં પ્રાસાદિક, પ્રેરણા અને અર્ચના લખેલી છે. આ રચનાઓ રૂમી, રવીન્દ્રનાથ ટાગોર કે ખલીલ જિબ્રાનની રચનાને સમકક્ષ મૂકી શકાય તેવી છે.
ઇન્દિરાબેન જોશી-ભટ્ટ દ્વારા “અમૃતમ્” ની આ રચનાઓની સરળ શૈલીમાં સમજ સાથેની ઓડિયો બૂક તૈયાર કરવામાં આવી છે. આથી તેમના દ્વારા પ્રસ્તુત “અમૃતમ્- માધુરી” ( ઓડિયો બૂક ખંડ – ૬ ) નું અનાવરણ પણ શ્રુતિ- ગોંડલ ખાતે તેમના હસ્તે કરવામાં આવ્યું. જેનો બધા લોકો લાભ લે તેવું તેમણે જણાવ્યું.
