E-Way Billની જટિલતા સામે માછીમારોની વેદના
પોરબંદર માછીમાર સેલ દ્વારા સરકારને રજૂઆત
પોરબંદર | 5 ફેબ્રુઆરી, 2026
પોરબંદરના માછીમારોને રોજિંદા વ્યવસાયમાં E-Way Billની જટિલ પ્રક્રિયા કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત ભાજપ માછીમાર સેલ પોરબંદર તથા માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ અંગે માછીમાર સેલ દ્વારા મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રાહત આપવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે પોરબંદર ફિશરીઝ ફ્રીઝર વિસ્તારમાં માછીમારો દ્વારા સરકારની કાયદેસર સહાય યોજના અંતર્ગત માછલી વેચાણ થાય છે. જોકે સ્થાનિક સ્તરે E-Way Bill ફરજિયાત કરાતા માછીમારો માટે વ્યવહાર મુશ્કેલ બન્યો છે. GST Rule 138 મુજબ એક કિલોમીટર સુધીના અંતર માટે E-Way Bill ફરજિયાત નથી, છતાં સ્થાનિક ચેકિંગ દરમિયાન માછીમારોને અટકાવવામાં આવી રહ્યા છે.
માછીમાર સેલના જણાવ્યા મુજબ, માછલી અત્યંત નાશવંત વસ્તુ છે. E-Way Billની પ્રક્રિયા અને ચેકિંગમાં થતા વિલંબથી માછલી બગડવાની ભીતિ રહે છે, જેના કારણે માછીમારોને આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ ઉપરાંત અનેક કિસ્સાઓમાં સ્થળ પર ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું છે, જ્યારે વેપાર સ્થળ અને વેચાણ સ્થળ વચ્ચેનું અંતર માત્ર એક કિલોમીટરથી પણ ઓછું છે.
રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે પોરબંદર ફિશરીઝ ફ્રીઝર વિસ્તારમાં GST નિયમો મુજબ માત્ર એક કિલોમીટર સુધીના અંતર માટે E-Way Billમાંથી માછીમારોને મુક્તિ આપવામાં આવે, જેથી તેમની રોજગારી પર અસર ન પડે. જો આ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો મામલો ગાંધીનગર તેમજ CMO Gujarat સુધી રજૂ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
માછીમાર સેલે સરકારને માછીમારોની પરિસ્થિતિ સમજવા અને તરત નિર્ણય લેવા અપીલ કરી છે.


