મુખ્યમંત્રીએ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રનું નિરીક્ષણ કર્યુ
મુખ્યમંત્રીએ સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા આપી સૂચના
……
રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પોરબંદર નજીક મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે : સ્થાનિક રોજગારીની તકો ઉભી થશે
….
શિયાળામાં વિદેશી પક્ષીઓ મોકર સાગરના બને છે મહેમાન : સ્થાનિક પક્ષીઓનું પણ વૈવિધ્ય

પોરબંદર તા.૬ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા પોરબંદર નજીક આવેલા મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ માનચિત્રના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની ઝીણવટ ભરી જાણકારી મેળવી હતી. ઉપરાંત દૂરબીન માધ્યમથી મોકર સાગરનો નૈસર્ગિક નજારો પણ નિહાળ્યો હતો.
મુખ્યમંત્રીએ પ્રસિદ્ધ માધવપુર ઘેડના મેળામાં સહભાગી થયા પૂર્વે મોકર સાગર ખાતે નિર્મિત થઈ રહેલા આ સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરતા ખાસ અને સ્થાનિક અને વ્યાયાવર પક્ષીઓની પ્રાકૃતિક જીવનને અસર ન પહોંચે તેની ખાસ કાળજી લેવા સૂચનાઓ આપી હતી. ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરમાં વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર પ્રોજેક્ટના નિર્માણની સમયાવધિ અને પ્રવાસીઓ માટેની સુવિધાઓ વગેરેની પણ જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન વિભાગના સચિવ શ્રી રાજેન્દ્રકુમારે નકશાના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટ, મોકર સાગર જળ પ્લાવિત ક્ષેત્રની વિશેષતાઓ, પક્ષીઓના વૈવિધ્યથી વિશે અવગત કર્યા હતા.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લાઠી ખાતેથી મોકર સાગર જળપ્લાવિત ક્ષેત્રને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રોજેક્ટનું ઈ – ખાતમુહૂર્ત કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શિયાળાની ઋતુમાં યાયાવર પક્ષીઓ મોકર સાગરના મહેમાન બને છે. સાથે જ સ્થાનિક પક્ષીઓનું પણ એટલું જ અહીં વૈવિધ્ય જોવા મળે છે.
રાજ્ય સરકાર દ્વારા અહીં પક્ષી પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે વોચ ટાવર, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વેટલેન્ડ પાર્ક, સ્થાનિકોને રોજગારી મળી રહે તે માટે ફૂડ કોર્ટ- કોમ્યુનિટી સેન્ટર વગેરે બનાવવાનું કામ પ્રગતિ હેઠળ છે. ઉપરાંત અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે.
આ તકે પ્રવાસન મંત્રી મુળુ ભાઈ બેરા, મુખ્ય સચિવ પંકજ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, ભૂતપૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, રમેશ પટેલ, ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડાયરેક્ટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.