પોરબંદરમાં વહેલી સવારે કાળમુખો અકસ્માત: બે બાઈક વચ્ચેની જોરદાર ટક્કરમાં 4 આશાસ્પદ યુવાનોના કરુણ મોત



પોરબંદરમાં શોકનું મોજું; એરપોર્ટ રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે 4 પરિવારોના દીપ બુઝાવ્યા
પોરબંદર:
સુદામાપુરી પોરબંદરમાં આજે વહેલી સવારે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સીધી ટક્કરમાં ચાર આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક કિશોર હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટનાની વિગત:
પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત આજે વહેલી સવારે ૫:૦૦ થી ૫:૪૦ વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર સર્જાયો હતો. બે બાઈક સામસામે એટલી જોરદાર ધડાકાભેર અથડાઈ હતી કે સવાર યુવાનો રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર બાઇકના સ્પેરપાર્ટ્સ અને કાચના ટુકડાઓ વિખેરાઈ ગયા હતા.
સારવાર દરમિયાન તોડ્યા દમ:
સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક પાંચેય ઈજાગ્રસ્ત યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કમનસીબે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા. જ્યારે ચોથા યુવાનને ગંભીર હાલતમાં જામનગર રિફર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ખંભાળિયા નજીક તેણે પણ દમ તોડ્યો હતો.
મૃતક યુવાનોની યાદી:
અકસ્માતમાં જીવ ગુમાવનાર યુવાનો પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હતા:
૧. મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. ૨૬)
૨. દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. ૧૮)
૩. વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. ૧૭)
૪. પિયુષ કિશોરભાઈ લોઢારી (ઉં.વ. ૨૪) (જામનગર જતી વખતે રસ્તામાં મોત)
ઈજાગ્રસ્તની હાલત:
આ અકસ્માતમાં પ્રતિક નિલેશભાઈ જેઠવા (ઉં.વ. ૧૪, રહે. વિરડી પ્લોટ) નામના કિશોરને ઈજાઓ પહોંચી છે. હાલમાં તેઓ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ કાર્યવાહી:
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે સોની બજાર અને પંચહાટડી વિસ્તારમાં ભારે શોક અને સન્નાટો વ્યાપી ગયો છે.
પરિવારજનો પર આવી પડેલા આ આઘાતને સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!