જાણો આ અનોખા પક્ષી વૈયા (Rosy Starling)વિશે (અહેવાલ :યતીન કંસારા)
વૈયા (Rosy Starling)
કોઈ મહેમાન આપણા ઘરે વર્ષનો ૭૫ % સમય પડ્યા પાથર્યા રહે તો તેને મહેમાન કહેવાય? તમે કહેશો ના બાપા તેને તો લેણિયાત કહેવાય. કહેવાનું મન થાય કે “અતિથિ તુમ કબ જાઓગે?” પણ ના હો, આ મહેમાન તો બહુ વ્હાલુડા છે. આપણો દેશ જ તેને એટલો માફક આવી ગયો છે કે તેના વતનમાં તો તે ફક્ત બે ત્રણ મહિના જ જાય.
આપણે ત્યાં સૌથી પહેલાં આવી જનાર પ્રવાસી પક્ષીઓનું એક. જુલાઈની અધવચ્ચેથી તે તેના વતન મધ્ય એશિયા,અફઘાનિસ્તાનથી અહીં આવી જાય તે છેક મે મહિનાના અંત સુધી પણ અહીં રોકાય. હંમેશા ટોળામાં રહે,પાંચ દસથી લઈ હજારના ટોળામાં અને ખેતરોનાં પાક પર હલ્લાબોલ કરે. ખેડૂત ગોફણ વિંઝીને થાકી જાય.તો બીજી બાજુ ખેતરની જીવાતનો પણ સફાયો કરે અને ખેડૂતને પોતાનાથી થતા નુકસાનનું વળતર ભરપાઈ કરી આપે. પરંતુ વૈયાની કદર ત્યારે થાય જ્યારે તીડનાં ટોળાઓએ આક્રમણ કર્યું હોય. તીડ લીલાછમ પાકનો કડૂસલો બોલાવતાં હોય ત્યારે વૈયા સ્કવોડ તીડને તીતરબિતર કરી નાખે. આખો દિવસ કચ કચ અવાજ કરતાં રહે અને રાતવાસો કરવા માટે ઝાડ પર એકઠા થાય ત્યારે તો બધું ગજવી મૂકે. ભારત, રોમાનિયા જેવા દેશોએ વૈયા પર ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે અને હા, આ વૈયું આપણી કાબરબેનનું જ કઝિન છે હો.😊