સુશ્રી જ્યોતિબહેન થાનકીને સંદીપની ગુરુ ગૌરવ એવોર્ડ -૨૦૨૨ અર્પણ કરવામાં આવ્યો .
ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ શિક્ષણ ,સંસ્કાર અને અધ્યાત્મનો જેમાં સમન્વય થયો છે એવા વિદુષીરત્ન સુશ્રી જ્યોતિબહેન થાનકીને પૂ. રમેશભાઈ ઓઝાના હસ્તે ગુરુ ગૌરવ એવોર્ડ-૨૦૨૨ અંતર્ગત “લાઈફ ટાઇમ એચિવમેન્ટ ” અર્પણ કરવામાં આવ્યો .
સુશ્રી જ્યોતિબહેન પોતાની લેખિનીથી ગુજરાતના ઘરેઘરે પહોંચ્યા છે. મૂળ પોરબંદરના વતની અને બરડાઈ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા જ્યોતિબહેનના પિતાશ્રી જ્ઞાતિના સહુપ્રથમ ડોક્ટર હતા તેમજ માતા સંસ્કૃતના જ્ઞાતા હતા.તેમણે અર્થશાસ્ત્ર તેમજ સંસ્કૃત એમ બે વિષયોમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને પોતાની માતૃસંસ્થા આર્યકન્યા ગુરુકુળની મહિલા કોલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા અને ત્યાં પુરા ચાર દાયકા સુધી શિક્ષણની જ્યોત જ્વલંત રાખી અસંખ્ય દીકરીઓના જીવનમાં ફક્ત અર્થનો જ નહી પરંતુ જીવનના અર્થનો પણ પ્રકાશ પાથર્યો .આજે તેમની અનેક વિધાર્થીનીઓ એમણે પ્રજ્વલિત કરેલી શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત કરી સમાજમાં ઉજાસ પાથરી રહી છે .
જ્યોતિબહેનનું નામ સામે આવે એટલે એમનું લખાણ સામે આવ્યા વગર રહે જ નહી .તેમની લેખિનીએ ૮૬ પુસ્તકોનું સર્જન કર્યું છે અને હજુયે એ સર્જનની પ્રક્રિયા ચાલી રહી છે. ૧૫ જેટલા પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કર્યો છે. શ્રીઅરવિંદ ,શ્રીમાતાજી ,શ્રીરામકૃષ્ણ પરમહંસ , શ્રી માં શારદાદેવી ,સ્વામી વિવેકાનંદ, શ્રી શ્રી માં આનંદમયી , યોગી કૃષ્ણપ્રેમ આ બધા સંતોના જીવનને એમણે શબ્દદેહમાં કંડાર્યો છે.સરળ ભાષા, રસમયશૈલી અને સંતોની ચેતના સાથે એકરૂપ બની પ્રગટની એમની વાણીને લઈને તેમના પુસ્તકો ખુબ જ લોકભોગ્ય બન્યા છે .
તેમના આ શિક્ષણકાર્ય અને શબ્દયાત્રાને અનેક પ્રસંગોએ સન્માનિત કર્યા છે .પછી તે સહિત્ય અકાદમી હોય કે ગુજરાતી સાહિત્ય પરિષદ હોય , ગુજરાત સરકાર હોય કે ગુજરાત સાહિત્ય સભા હોય ,મથુરાનું અમરનાથ શિક્ષણ સંસ્થાન હોય કે પાણીપતનું સુભદ્રાદેવી ચૌહાણ શતાબ્દી સન્માન હોય – આમ અનેક સંસ્થાઓ દ્વારા તેમની આ જ્ઞાનયાત્રા સન્માનિત થતી રહી છે ત્યારે સાંદીપની વિદ્યાનિકેતન દ્વારા લાઈફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ – ૨૦૨૨ અર્પણ થતા ખરા અર્થમાં ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે વિદુષીરત્નનું ભાવપૂજન કરવામાં આવ્યું .
That’s great