ભાજપને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરતાં જ્ઞાતિવાદ, બળવાખોરો અને આંતરિક ડખાનું ટેન્શન વધુ છે.
(લેખક રાજકીય વિશ્લેશક અજય ઉમટ )
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતાં ચૂંટણીપ્રચાર પ્રસાર અને મેનેજમેન્ટમાં ખાસ્સા આગળ અને મજબૂત ભાજપે 167 ઉમેદવારોની જાહેરાત કરી છે, પરંતુ વૈકુંઠ નાનું અને ભગતડાં ઝાઝાં એમ ઉમેદવારોને રાફડો ફાટતાં આંતરિક નારાજી, ટાંટિયાખેંચ અને કેટલાક નેતાઓની નિષ્ક્રિયતા ભાજપ માટે વધુ પડકારજનક જણાય છે
પ્રેમ, યુદ્ધ અને ચૂંટણીમાં સબકુછ ચલતા હૈ. ચૂંટણીના યુદ્ધમાં જો જીતા વો હી સિકંદર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીને પગલે ત્રિકોણીય જંગ ઉડીને આંખે વળગે છે. આજની ઘડીએ આ લખાય છે ત્યારે ચૂંટણીજંગમાં સજ્જતા, પ્રચાર અને પ્રસારનું ચૂંટણી મેનેજમેન્ટ, સંગઠનની તાકાત, વ્યૂહરચના, સંપદા અને સંસાધનો અને સૌથી મહત્ત્વનું- બ્રાન્ડ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા… આ તમામ પરિબળોને કારણે ભારતીય જનતા પાર્ટી હરીફ પક્ષો કરતાં વધુ મજબૂત સ્થિતિમાં જણાય છે. છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે એ દૃષ્ટિએ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ અને એન્ટી ઇન્કમબન્સીનો ભય હોવો વાજબી છે. આર્થિક દૃષ્ટિએ જોઈએ તો મોંઘવારી ગરીબ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ સૌને નડી રહી છે. બેકારી, ગરીબી જેવા મુદ્દા પણ સૌને નડી રહ્યા છે, છતાં ભાજપ ચૂંટણી જીતવા માટે પાક્કું હોમવર્ક કરીને બેઠેલો છે. દા.ત. 182માંથી 167 ઉમેદવારોની જાહેરાત સામે કોંગ્રેસે હજી 103 ઉમેદવારોની જ જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટી પોતાના સિનિયર નેતાઓને ચૂંટણીમેદાનમાં ઉતારશે કે કેમ? શંકરસિંહ વાઘેલા પુનઃ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે? ભારત જોડો યાત્રા છોડીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રચારમાં આવશે કે કેમ? એ તમામ પ્રશ્નો અંગે હજી કોઈ સ્પષ્ટતા થતી નથી. બીજી તરફ આમ આદમ પાર્ટી કોંગ્રેસને નડશે કે ભાજપને? કોંગ્રેસના વધુ વોટ કાપશે કે ભાજપના? એ ચિત્ર પણ સ્પષ્ટ થતું નથી. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ઉમેદવાર ઇશુદાન ગઢવી દ્વારકાથી લડશે કે જામખંભાળિયાથી? કે સરપ્રાઈઝ આપશે? એ અંગે પણ હજી કોઈ સ્પષ્ટતા થતી નથી. ટૂંકમાં, ભાજપ શરૂઆતથી જ ઇલેક્શન મોડમાં જણાય છે. જ્યારે કોંગ્રેસની સજ્જતા ખાસ્સી ઓછી છે અને આમ આદમી પાર્ટીના કેજરીવાલ ગુજરાત ઉપરાંત દિલ્હીની એકાએક જાહેર થયેલી ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાનારી ઇજ્જતના સવાલવાળી ચૂંટણીમાં પણ જોતરાયેલા છે. એટલે આવનારા દિવસોમાં ગુજરાતનો પ્રવાસ કેટલો ખેડી શકશે અને કેજરીવાલ સિવાય ગુજરાતમાં સૌથી મોટા સ્ટાર પ્રચારક કોણ રહેશે? એ યક્ષપ્રશ્ન છે, કારણ કે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા કથિત લીકર એક્સાઈઝ કાંડમાં એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના આંટાફેરામાં વધુ વ્યસ્ત છે.
ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં ભાજપ માટે ખરેખર ચૂંટણીમાં પડકાર શું છે? ગાંધીનગર મહાનગરપાલિકાનો કેસ સ્ટડી લઈએ તો, બરાબર સવા વર્ષ પહેલાં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 28 ટકા અને આમ આદમી પાર્ટીને 21 ટકા મતો મળ્યા. જ્યારે સામા પક્ષે 46 ટકા મતો મેળવનાર ભાજપ 44માંથી 41 બેઠકો જીતી ગયું. કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને સમ ખાવા પૂરતી માત્ર એક બેઠક મળી. જો આ ઘટનાક્રમનું વિધાનસભા ચૂંટણીમાં પુનરાવર્તન થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કપરાડાની રેલીમાં કહ્યું છે તેમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નરેન્દ્ર મોદીના રેકોર્ડ તોડીને 127થી વધુ બેઠકો લઈ જઈ શકે. પરંતુ ચૂંટણીના મેદાનમાં માત્ર આંકડાઓનું અંકશાસ્ત્ર ચાલતું નથી. ઇમોશનલ કાર્ડ ને રાજકીય પક્ષોની જ્ઞાતિવાદ, કોમવાદની કેમેસ્ટ્રી કેવી છે? પારકા કરતાં પોતાના નહિ નડે ને? એવો ભય પણ ક્યારેક અસ્થાને હોતો નથી. ઉદાહરણ તરીકે ભાજપે એન્ટી ઇન્કમબન્સીને દૂર કરવા સવા વર્ષ પહેલાં મુખ્યમંત્રી રૂપાણી સહિત તમામ મંત્રીઓનાં રાજીનામાં લઈ લીધાં. વિધાનસભા ચૂંટણીની ઉમેદવારોની પ્રથમ યાદીમાં અગાઉના અને હાલ થઈ કુલ 19 મંત્રીઓના પત્તા કપાયા. 38 ધારાસભ્યોની ટિકિટ કાપવી એ કોઈપણ રાજકીય પક્ષ માટે સરળ કામ નથી, બલકે એક ગણતરીપૂર્વકનું જોખમ છે. કોંગ્રેસ પાર્ટીએ સંરક્ષણાત્મક અભિગમ અપનાવીને રખે ને કોઈ ધારાસભ્ય બગાવત કરે એમ માનીને રિપીટ થિયરીની જાહેરાત કરી દીધી હતી અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોને બાદ કરતાં મહદઅંશે સૌને ટિકિટ ફાળવી દીધી હતી, છતાં કોંગ્રેસ પાર્ટીના સૌથી સિનિયર મોસ્ટ અને વિધાનસભામાં 10 ટર્મ સુધી ચૂંટાવાનો રેકોર્ડ ધરાવનારા મોહનસિંહ રાઠવા, ઝાલોદના ભાવેશ કટારા, તો ગીર સોમનાથ પંથકના ભગાભાઈ બારડ પક્ષાંતર કરીને ભાજપમાં ગયા અને ટિકિટો પણ પ્રાપ્ત કરી. મોહનસિંહ રાઠવાએ પુત્ર માટે ટિકિટ મેળવી. ભાજપે આ ત્રણ પક્ષપલટુઓ સહિત કુલ 19 જેટલા કોંગ્રેસીઓને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, કારણ કે ભાજપ વિનેબિલિટીના ક્રાઇટેરિયામાં માને છે. અર્થાત્ ચૂંટણી જીતાડી શકે તેવો ઉમેદવાર હોવો જોઈએ. કોંગ્રેસનો હોય કે અપક્ષ. સાથોસાથ કોંગ્રેસમાંથી આવેલા પોતાની તાકાત પર ચૂંટણી જીતનારા જ્ઞાતિવાદના ઊંડાં મૂળિયાં ધરાવતા પૂર્વ કોંગ્રેસી નેતા કુંવરજીભાઈ બાવળિયા હોય કે લેઉવા પાટીદાર નેતા જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા હોય કે આહિર અગ્રણી જવાહર ચાવડા, ભાજપ માટે વિનેબિલિટી મહત્ત્વની છે. જૂના જોગીઓ જેમ કે બાબુ બોખીરિયા પોરબંદરમાંથી, પબુભા માણેક દ્વારકામાંથી, કે બાબુ જમના પટેલ દસક્રોઈમાંથી ચૂંટણી જીતવા સૌથી મજબૂત ઉમેદવાર હોય તો તેઓને ડિસ્ટર્બ શા માટે કરવા જોઈએ? આ ઘટનાક્રમ સૂચવે છે કે ભાજપની ઉમેદવારોની પસંદગીમાં સૌથી મહત્ત્વનું પરિબળ ચૂંટણી જીતવાનું છે. સાથોસાથ જે ઉમેદવારોની ટિકિટો કપાઈ એનું એનાલિસિસ પણ રસપ્રદ છે. દા.ત. 38 પૈકી 13 ઉમેદવારો 50,000થી વધુ લીડથી ચૂંટણી જીત્યા હતા. અર્થાત્ સુરતની ચોર્યાસી હોય, અમદાવાદની એલિસબ્રિજ કે સાબરમતી, કે નરોડા અને વડોદરાની સયાજીગંજ બેઠક આ તમામ અને આવી લગભગ 36 બેઠકો ભાજપના ગઢ સમાન છે. જ્યાં ભાજપને હરાવવાનું કામ તદ્દન નામુમકીન છે, ત્યાં ભાજપે જોખમ લીધું અને 11 બેઠકો એવી હતી કે જ્યાં જીતનું માર્જિન ઓછું હતું, ત્યાં ચાન્સ ના લીધો અને છતાંય જ્ઞાતિવાદનાં સમીકરણોને સંતુલિત રાખવા 167માંથી 50 ઓબીસી, 42 પટેલ, 14 બ્રાહ્મણ, 20 ક્ષત્રિય, ચાર જૈન, બે મહંત વગેરે સમીકરણો સંતુલિત તો કર્યાં. આમ છતાં ઉત્તર ગુજરાતમાં માલધારી સમાજ યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવાને કારણે નારાજ છે, તો સૌરાષ્ટ્ર તરફ ચુંવાળ કોળી સમાજ, દ્વારકા અને જામનગર પંથકમાં પ્રજાપતિ સમાજ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર વિસ્તારમાં દલવાડી સથવારા સમાજ અને ભાવનગરમાં ક્ષત્રિય સમાજ દુઃખી છે, નારાજ છે, તો ક્યાંક વ્યથિત છે. લોકશાહીની ટ્રેજેડી જુઓ. તમામ રાજકીય પક્ષો વાતો વિકાસની કરે છે, પરંતુ ચૂંટણી જીતવા જ્ઞાતિવાદ અને કોમવાદનો સહારો લે છે. માધવસિંહ સોલંકીએ સૌથી વધુ બેઠકો જીતી ત્યારે ખામની થિયરી અપનાવી હતી. ખામ એટલે કે, ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ. ટૂંકમાં, જ્ઞાતિવાદ એ ભારતીય રાજકારણની કદાચ મજબૂરી બની ગઈ છે, તો બીજી તરફ પક્ષની આમન્યા ત્યજીને બાગી બનતા ઉમેદવારો સરદર્દ સમાન પુરવાર થાય છે. ભાજપને વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવ, પાદરામાં દીનુમામા, કરજણમાં સતીષ નિશાળિયા… યાદી લાંબી છે, પરંતુ ગઢડા, મહુવા, બોટાદ, શહેરા, વિસનગર, વિજાપુર, નાંદોદ, બાયડ, માતર, સાણંદ સહિત 15થી 20 મતવિસ્તારોમાં ઉઘાડેછોગ બળવાખોરીની વાતો ચાલે છે. ભાજપના સિનિયર નેતાઓ ઉમેદવારોની યાદી જાહેર થાય એ પહેલાં અને પછી ડેમેજ કંટ્રોલની કવાયત તો કરે છે, પરંતુ રૂઠેલા ટિકિટવાંચ્છુઓને મનાવવાનું કામ અત્યંત કપરું હોય છે. ભાજપ માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને ચૂંટણીમાં હરાવવા કે હંફાવવા કરતાં પોતાના સાથીઓને મનાવવાનું કામ વધુ પડકારજનક લાગે છે. અલબત્ત, ભાજપ માને છે કે મોદી હૈ તો મુમકિન હૈ -ની ફોર્મ્યુલા કારગત નીવડશે જ. છતાં પક્ષમાં સૌનો સાથ પણ અપેક્ષિત તો છે જ.
(લેખક અજય ઉમટ )