માધવપુર ઘેડના મેળાની ગરિમાને વધારવા રાજ્ય સરકારનું વિશેષ આયોજન
માધવપુરની રૂબરૂ મુલાકાત લઈને જિલ્લા પ્રશાસનને વિશેષ માર્ગદર્શન આપતા અગ્ર સચિવ અશ્વિનીકુમાર
જિલ્લા કલેકટર અશોક શર્મા સહિતના જિલ્લાના અધિકારીઓ સાથે મેળાના સુંદર આયોજન માટે ચર્ચા કરી: માધવપુરના ગ્રામજનોએ રાજ્ય સરકારની વિશેષ તૈયારીઓને આવકારી
પોરબંદર તા.૨૧, ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણી ના વિવાહ પ્રસંગે યોજાતો પરંપરાગત માધુપુરનો મેળો એટલે ભારતના ઉત્તર પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનું અનુબંધ. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩નો માધવપુરનો મેળો વિશેષ આયોજન સાથે યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રાજ્યના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા માધુપુર ધેડના મેળામાં ઉત્તર પૂર્વના કલાકારો દ્વારા વિવિધ સંસ્કૃતિ કૃતિઓની પ્રસ્તુતિ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર ત્રિવિધ કાર્યક્રમ યોજવાના છે.
અગ્ર સચિવ અશ્વિની કુમારે આજે માધવપુર ઘેડની રૂબરૂ મુલાકાત લીધી હતી. યુવક સેવા કમિશનર બી.જી. પ્રજાપતી,કલેકટર અશોક શર્મા ,પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનિ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી રેખાબા સરવૈયા, અધિક કલેક્ટર એમ. કે.જોશી અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત લઈ દરેક આયોજન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ મેળા ગ્રાઉન્ડની મુલાકાત લઇ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના જ્યાં લગ્ન થયા હતા તે ચોરી માયરા સ્થળની મુલાકાત લઇ ૧૨મી સદીના પૌરાણિક વિષ્ણુ મંદિર નિહાળી માધવરાયજીના મંદિરે દર્શન કર્યા હતા. અગ્ર સચિવ એ ગામના સરપંચ, મંદિરના ટ્રસ્ટી જનકભાઈ પુરોહિત સાથે પણ ચર્ચા કરી હતી.
કલેકટર અશોક શર્માએ જિલ્લા પ્રશાસન દ્વારા મેળાને લઈને ટીમ વર્ક થી કરવામાં આવી રહેલી કામગીરી સંકલન તેમજ થયેલ સમિતિઓની રચના, પાર્કિંગ પરિવહન વ્યવસ્થા સહિતની કામગીરી ની વિગતો આપી હતી.
આગામી તા.૩૦ માર્ચથી તા.૩ એપ્રિલ સુધી યોજાનાર માધવપુરના ધેડના મેળામાં રાજ્ય સરકારના વિવિધ આયોજન મુજબ તૈયારીઓ થાય અને લોક સુવિધા મળી રહે અને વિશેષ કરીને આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન બાદ ભગવાન શ્રીકૃષ્ણ રુક્ષ્મણી માતા સાથે દ્વારકા આવ્યા હતા એ કથા પ્રસંગ ની ગરીમા ઉજાગર થાય તેવા વિશેષ પ્રયાસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે દ્વારકામાં પણ તા.૩ એપ્રિલના રોજ રથયાત્રાને રૂક્ષ્મણીજીનું સામૈયુ સહિતના કાર્યક્રમો થવાના છે ત્યારે માધવપુરના મધુવનમાં ભગવાન શ્રીકૃષ્ણ અને માતા રૂક્ષ્મણીજીના લગ્ન બાદ તા.૩ માર્ચના રોજ બાદ સવારે માધવરાયજીના મંદિરે પરણીને જાન જાય ત્યારે તેની સાથે સાથે માધવપુરથી એક રથ દ્વારકા જવા શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીની પ્રતિકૃતિ-વેશભૂષા સાથે માધવપુરથી ગામની બહાર નીકળશે. વાજતે ગાજતે માધવપુરના ગ્રામજનો મેળામાં આવેલા લોકો દ્વારકાધીશના દર્શન કરશે. બાદમાં દ્વારકામાં સ્વાગતનો વિશેષ કાર્યક્રમ રથયાત્રા રૂપે યોજવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સાંસ્કૃતિક વિરાસતો અને તીર્થ પ્રવાસન સ્થળો નો વિકાસ થઈ રહ્યો છે. માધવપુરમાં પણ ભારત સરકારના વિશેષ આયોજન સાથે વિકાસના કાર્યો થઈ રહ્યા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની સાંસ્કૃતિક વિરાસતો ને લોકઉત્સવોને ઉજાગર કરીને કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે માધવપુર ઘેડનો મેળો ઉત્તર પૂર્વ અને ભારતના પશ્ચિમ સૌરાષ્ટ્ર પ્રદેશના સમન્વયને દીપાવવાની સાથે લોકો આ ઉત્સવ ને સારી રીતે માણી શકે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને સ્થાનિક તંત્રના સંકલન પણ થી તા. 30 માર્ચથી તા.૩ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે.