સૌરાષ્ટ્ર તમિલ સંગમ … સૌરાષ્ટ્રીયન તમિલોને આવકારવા ઉત્સાહ


તમિલનાડુથી પધારનાર મહેમાનોને આપણી સંસ્કૃતી તેમજ કલા વિશે માહિતગાર કરાવવાનો સુગમ સમન્વય એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ – જયેશભાઇ હિંગળાજીયા

પોરબંદર.તા.૧૭ ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા શિવરાજપુર બીચ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ અન્વયે રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ તા.૧૯ એપ્રિલ થી થનાર છે. જેમાં ૩૦ જેટલા રેત શિલ્પકારો દ્વારા આકર્ષક કૃતિઓ બનાવવામાં આવનાર છે.

આવા જ એક શિલ્પકાર જયેશભાઇ હિંગળાજીયાએ જણાવ્યું હતું કે, હું પોરબંદરનો રહેવાસી છું અને ઘણા વર્ષોથી રેતીના શિલ્પ બનાવું છું. વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાર્થક કરતા અને તમિલનાડુથી પધારનાર મહેમાનોને આપણી સંસ્કૃતી તેમજ કલા વિશે માહિતગાર કરાવવાનું સુગમ સમન્વય એટલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ. આ અંતર્ગત શિવરાજપુર બીચ ખાતે આવતીકાલથી રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં મે તેમજ મારા સાથી કલાકાર મિત્રો સહભાગી થયા છીએ.

અન્ય એક શિલ્પકાર કિરણબેન મકવાણાએ જણાવ્યું કે, અમે દ્વારકાના રહેવાસી છીએ. અને રેત શિલ્પ બનાવીએ છીએ. હાલ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત અમે સોમનાથ ખાતે પણ શિલ્પ બનાવ્યા છે અને જ્યારે સૌરાષ્ટ્રીયન તમિલો આપણા જ ઘર આંગણે એટલે કે દ્વારકાના મહેમાનો બનવાના છે ત્યારે આપણી સ્થાનિક સંસ્કૃતિથી તેમને માહિતગાર કરવા માટે અમારા ગૃપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ, મીરાબાઈની રેત શિલ્પ કૃતિઓ બનાવવામાં આવશે.

વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્રારા આવા કાર્યક્રમો થકી રેત શિલ્પકારોને પ્રોત્સાહન મળી રહ્યું છે.

