પોરબંદરના સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ ઉપર સળિયા બહાર નીકળી જતા ધરાશાઈ થાય તેવી દહેશત
ઠેર-ઠેર ગાબડા પડી ગયા હોવાથી તાત્કાલિક સમારકામ કરવું જરૂરી બન્યું સાંધા પરના લોખંડના એંગલ પણ બન્યા જોખમી:કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીને થઇ રજુઆતપોરબંદરના નરસંગ ટેકરીથી રોકડીયા હનુમાન સુધીના વિસ્તારના બે કિમીના અને બે માળના સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ ઉપર ઠેર-ઠેર ગાબડા પડી ગયા છે. અને જ્યાં ટ્રાવેલ્સ બસો ઉભે છે ત્યાં ઉપરના ભાગે ઊંડા ખાડામાંથી લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે અને આ પુલનો અમુક હિસ્સો ધરાશાઈ થાય તેવી શક્યતા જણાતી હોવાથી કોંગ્રેસ દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીને રજુઆત કરવામાં આવી છે.પોરબંદરમાં એક અબજના ખર્ચે રાજ્યના પહેલા બનેલા બે માળના સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજની હાલત જર્જરિત બની ગઈ છે ત્થા અનેક જગ્યાએ તેના સાંધા કમરના મણકાની ગાદીને નુકશાન પહોચાડે તેટલી હદે જર્જરિત બની ગયા છે.મસમોટા ગાબડા પડયા હોવા છતાં તંત્ર તેના સમારકામ માટે જાગતું નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસ દ્વારા હાઈવે ઓથોરીટીને રજુઆત કરવામાં આવી છે.પ્રદેશ કોંગ્રેસના પુર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનીયર આગેવાન રામદેભાઇ મોઢવાડિયાએ નેશનલ હાઈવે ઓથોરીટીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદરમાં કોંગ્રેસના શાસનકાળ દરમ્યાન રાજ્યનો સૌપ્રથમ બે માળનો સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.આ ઓવરબ્રીજ છેલ્લા કેટલાક સમયથી જર્જરીત હાલતમાં ફેરવાઈ રહ્યો છે.તેમાં મોટાભાગના સાંધા ખુબ જ બિસ્માર બની ગયા હોવાથી વાહન ચાલકો જ્યારે અહીથી પસાર થાય છે ત્યારે મણકાની ગાદી ખસી જાય તેટલી હદે થડકા લાગે છે. દરેક સાંધાઓમાં લોખંડના એંગલ પરનો ડામર નીકળી ગયો છે જેના કારણે વારંવાર થડકા ખાઈને ટુ- વ્હીલર ચાલકો હેરાન-પરેશાન બની જાય છે. એટલું જ નહી પરંતુ આ ઓવરબ્રીજમાં સાંધા પાસેની દીવાલ પણ ખુબ જ જર્જરિત બની ગઈ છે. અને તેમાં મોટી તિરાડો નજરે ચડી રહી છે.આ ઓવરબ્રીજ રાજકોટ થી પોરબંદર તરફ આવતો દ્વારકા સોમનાથ વચ્ચેનો બાયપાસ રોડ હોવાથી નાના-મોટા વાહનો,ઉદ્યોગ ગૃહોના વાહનો,સુપર ગેસના ટાંકાઓ,મરછીની બોઘીઓ જેવા હેવી વાહનો આ ઓવરબ્રીજ પરથી જ પસાર થાય છે. મોરબીના ઝુલતા પુલ જેવો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેભાઇ મોઢવાડિયા દ્વારા ઉઠાવીને ઉમેરવામાં આવ્યું છે કે, આ ઓવરબ્રીજ પર અનેક જગ્યાએ મસમોટા ગાબડા પણ પડી ગયા છે તેથી યુદ્ધના ધોરણે તેનું સમારકામ કરવું ખુબ જ જરૂરી બની ગયું છે. તેમજ જ્યાં ટ્રાવેલ્સ બસો ઉભે છે ત્યાં ઉપરના ભાગે પડેલા ઊંડા ગાબડામાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે અને ત્યાંથી અમુક હિસ્સો ધરાશાઈ થાય તેવી દહેશત જણાઈ રહી છે. સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજની સ્થિતિ દિવસે-દિવસે જોખમી બનતી જાય છે.તેમ છતાં પણ સરકાર ગંભીર બની નથી.તેમ જણાવીને રામદેભાઇ મોઢવાડિયાએ ઉમેર્યું છે કે, નેશનલ હાઈવે ઓથોરીટી લોકો પાસે તગડો ટોલ ટેક્સ વસુલે છે પરંતુ સુવિધાઓ આપવામાં ઉણી ઉતરે છે.ઘણા લાંબા સમયથી અહીંયાં ઠેર ઠેર ગાબડા પડી ગયા હોવાને લીધે વાહનચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ છતાં નિંભર તંત્ર આ બાબતને ગંભીરતાથી લેતું નથી નેશનલ હાઈવે ગાબડા માર્ગ બની ગયો હોય તેવું લોકો અનુભવી રહ્યા છે કારણ કે અહીંયા તો ચારે બાજુ બે થી ત્રણ ફૂટ લાંબા અને ૪ થી ૬ ઇંચ ઊંડા ખાડા માંથી થડકા ખાઈને વાહનો જાય છે અને નાના મોટા વાહન અકસ્માતો પણ સર્જાય રહ્યા છે જવાબદાર નેશનલ હાઇવે ઓથોરિટી આ મહત્વના મુદ્દે કેમ કોઈ નક્કર કામગીરી કરવા માટે આગળ આવતી નથી પરંતુ બિસ્માર રોડનું સમારકામ કરવા માટે ગંભીરતા દાખવતી નથી જેના કારણે બહારથી આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને દ્વારકા સોમનાથ ફરવા જતા યાત્રાળુઓને પણ અહીંયાં ગાબડામાંથી વાહનો પસાર કરવામાં પરેશાનીનો સામનો કરવો પડે છે તેથી તંત્રએ વહેલી તકે આ સમસ્યાના નિરાકરણ માટે કાર્યવાહી કરવી જોઈએ રોકડીયા હનુમાન મંદિરથી માધવાણી કોલેજ તરફ જતા બ્રિજ ઉપરવધુ પ્રમાણમાં ગાબડા જોવા મળી રહ્યા છે તેવી જ રીતે કર્લીપુલ તરફથી ઉદ્યોગનગરના ઘાસગોડાઉન સુધી પણ એવી જ પરિસ્થિતિ સર્જાય છે માટે નેશનલ હાઇવે ઓથોરિટીએ બિસ્માર રોડનું સમારકામ કરીને લોકોને વેઠવી પડતી પરેશાનીનો અંત લાવવો જોઈએ તેવી રામદેવભાઈ મોઢવાડિયાએ માંગ કરી છે.