કેન્દ્રીયમંત્રી હરદીપસિંઘ પુરીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન અને ધ્વજારોપણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા
પોરબંદર, તા.૧૮: સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર અને તમિલ સંસ્કૃતિઓના સુભગ સમન્વયરૂપી સૌરાષ્ટ્ર તમિલ સંગમનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી હરદીપસિંઘ પુરી ગીર સોમનાથ જિલ્લાના મહેમાન બન્યા છે. મુલાકાતના આરંભે પેટ્રોલિયમ મંત્રીશ્રી પુરીએ ભગવાન સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન- પૂજન કર્યા હતા. ત્યારબાદ વિધિવત સોમેશ્વર મહાપૂજા તથા ધજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. તેમની સાથે રાજ્યના વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ સર્વે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાએ પણ પૂજન વિધિમાં ભાગ લઈ વિવિધ ભેટ અર્પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ અભિપ્રાય બુકમાં અભિપ્રાય પણ લખ્યો હતો.
મહાપુજા બાદ તમામ મંત્રીઓએ મંદિર બહાર આવી શિખર પર સ્વહસ્તે ધ્વજારોપણ કર્યુ હતું. તેમજ મંદિરની જમણી બાજુએ આવેલા બાણસ્તંભની મુલાકાત લઈ તેના વિશે માહિતી મેળવી હતી.
નોંધનીય છે કે આ સ્તંભમાં સૂચવેલ દિશામાં અહીંથી પૃથ્વીના દક્ષિણ ધ્રુવ સુધી ક્યાંય જમીન નથી, સંપૂર્ણ રેખામાં સમુદ્ર છે તે અર્થ દર્શાવતો શ્લોક અંકિત થયેલ છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, જિલ્લા અગ્રણી મહેન્દ્ર પિઠીયા, નગરપાલિકા પ્રમુખ પિયુષ ફોફંડી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા – દર્શનમાં સહભાગી થયા હતાં.